દેશભરમાં પર્યાવરણ સુરક્ષા અને ઈંધણ બચત અંગે જાગૃતિ વધારવા માટે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી અપીલનો પ્રભાવ હવે સ્થાનિક સ્તરે પણ જોવા મળી રહ્યો છે. અમદાવાદના વેજલપુર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અમિત ઠાકરે આ અપીલને અનુસરીને પોતે ઈલેક્ટ્રિક વાહનનો ઉપયોગ શરૂ કર્યો છે. અમિત ઠાકર તાજેતરમાં વસ્ત્રાપુર રેલ્વે સ્ટેશન ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર (EV સ્કૂટર) પર પહોંચ્યા હતા. સામાન્ય રીતે રાજકારણીઓ સરકારી કે ખાનગી પેટ્રોલ-ડીઝલ વાહનોમાં મુસાફરી કરતા હોય છે પરંતુ અમિત ઠાકરે આ વખતે અલગ પહેલ કરીને હરિત પરિવહન તરફ સ્પષ્ટ સંદેશ આપ્યો છે.
‘અપીલનું પાલન કરવું દરેકની જવાબદારી’
અમિત ઠાકરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પર્યાવરણ બચાવવા અને ફોસિલ ફ્યુઅલ પરનો આધાર ઘટાડવા માટે અપીલ કરી છે. જ્યારે દેશના પ્રદાનમંત્રી કોઈ મહત્વપૂર્ણ મુદ્દે અપીલ કરે ત્યારે તેનો અમલમાં કરવો એ દરેક નાગરિક અને ખાસ કરીને જનપ્રતિનિધિ તરીકે મારી જવાબદારી છે. “હું પણ કાર્યક્રમમાં હાજરી આપવા માટે EV સ્કૂટર પર પહોંચ્યો છું જેથી લોકો સુધી સંદેશ પહોંચે કે પરિવર્તન વ્યક્તિગત સ્તરેથી જ શરૂ થાય છે.” તેમના આ પગલાને સ્થાનિક સ્તરે સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને ઘણા લોકોએ તેને પ્રેરણાત્મક ગણાવ્યો છે.
આ પણ વાંચો: કોઈ EV સ્કૂટર, કોઈ EV કાર તો કોઈ બસમાં...! : PM મોદીના લેશન પછી સામાન્ય માણસની જેમ ચાલતી થઈ ગુજરાત સરકાર
પર્યાવરણ અને ખર્ચ બંનેમાં ફાયદો
ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થાય છે અને લાંબા ગાળે ખર્ચમાં પણ બચત થાય છે. ભારત સરકાર પણ FAME India Scheme જેવી યોજનાઓ દ્વારા ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપી રહી છે, જેના કારણે EV ક્ષેત્રમાં ઝડપથી વૃદ્ધિ થઈ રહી છે. અમદાવાદ સહિત ગુજરાતના મોટા શહેરોમાં EV ચાર્જિંગ સ્ટેશનોની સંખ્યા પણ ધીમે ધીમે વધી રહી છે, જેના કારણે લોકો માટે ઈલેક્ટ્રિક વાહન અપનાવવું સરળ બની રહ્યું છે. આ સાથે જ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ પણ લોકોમાં વિકલ્પ શોધવાની પ્રેરણા આપી રહ્યા છે.
આ પણ વાંચો: PMની અપીલને ગુજરાતનો મક્કમ જવાબ સંસાધન બચત માટે માર્ગદર્શિકા જાહેર : 11 વાગ્યા સુધી મેટ્રો ચાલશે
જનતા માટે અપીલ
અમિત ઠાકરે લોકોને અપીલ કરતા જણાવ્યું કે, “શક્ય હોય ત્યાં સુધી પેટ્રોલ અને ડીઝલ વ્હીકલના બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવો જોઈએ. આ માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ આપણા પોતાના આરોગ્ય અને આર્થિક લાભ માટે પણ મહત્વપૂર્ણ છે.”
આ પહેલને જોતા એવું લાગી રહ્યું છે કે આવનારા સમયમાં વધુ ને વધુ જનપ્રતિનિધિઓ અને સામાન્ય નાગરિકો હરિત પરિવહન તરફ વળશે. સરકારની નીતિઓ, ટેક્નોલોજીનો વિકાસ અને લોકોમાં વધતી જાગૃતિ ઈલેક્ટ્રિક મોબિલિટીનું ભવિષ્ય મજબૂત બનાવશે.





