અમદાવાદ: શહેરમાં બેફામ દોડતા ભારે વાહનોએ વધુ એક નિર્દોષ જીવ લીધો છે. આજે ધોમધખતા તાપમાં અમદાવાદના સરખેજ-ધોળકા રોડ પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં 20 વર્ષીય આશાસ્પદ યુવતીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. વેજલપુર વિસ્તારમાં રહેતી કાવ્યા પંડ્યા નામની યુવતી જ્યારે પોતાની એક્ટિવા પર સવાર થઈને રાઈ યુનિવર્સિટી તરફ જઈ રહી હતી, ત્યારે કાળ બનીને આવેલા એક ડમ્પરે તેને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કાવ્યાને ગંભીર ઇજાઓ પહોંચતા તેણે સ્થળ પર જ દમ તોડ્યો હતો.
આ ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, પરંતુ અકસ્માત સર્જીને ડમ્પર ચાલક માનવતા નેવે મૂકીને વાહન સાથે ફરાર થઈ ગયો હતો. રસ્તા પર લોહીલુહાણ હાલતમાં પડેલી યુવતીને જોઈને પસાર થતા વાહનચાલકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
યુનિવર્સિટી પહોંચે તે પહેલા જ કાળ આંબી ગયો
પ્રાપ્ત વિગતો અનુસાર, કાવ્યા પંડ્યા (ઉ.વ. 20) પોતાની કારકિર્દીના સપનાઓ સાથે એક્ટિવા પર સવાર થઈને રાઈ યુનિવર્સિટી જઈ રહી હતી. બપોરે અંદાજે 12:45 વાગ્યાના સુમારે જ્યારે તે સરખેજ-ધોળકા રોડ પર નવી ફતેવાડી આઝાદનગર બસ સ્ટોપ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે પાછળથી આવતા એક અજાણ્યા ડમ્પર ચાલકે તેને અડફેટે લીધી હતી. ગફલતભરી રીતે ડમ્પર હંકારી રહેલા ચાલકે કાવ્યાને કચડી નાખી હતી, જેના કારણે તેને માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.
ITMS અને CCTVના આધારે તપાસનો ધમધમાટ
હિટ એન્ડ રનની આ ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી છે. અમદાવાદ શહેરના 'ઇન્ટેલિજન્ટ સર્વેલન્સ' નેટવર્કનો ઉપયોગ કરીને ડમ્પરના નંબર અને તેની રૂટની વિગતો મેળવવામાં આવી રહી છે. એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માત સ્થળની આસપાસના ખાનગી CCTV ફૂટેજ તેમજ શહેરના મુખ્ય જંકશન પર લાગેલા કેમેરાઓ તપાસવાનું શરૂ કર્યું છે. પોલીસનું કહેવું છે કે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજીની મદદથી ટૂંક સમયમાં જ ફરાર ડમ્પર ચાલકને દબોચી લેવામાં આવશે.
સરખેજ-ધોળકા રોડ પર ભારે વાહનોનો ત્રાસ
સ્થાનિક રહિશોમાં આ અકસ્માતને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે સરખેજ-ધોળકા રોડ પર ડમ્પર અને ટ્રક જેવા ભારે વાહનો નિયત ગતિ મર્યાદા કરતા વધુ ઝડપે દોડે છે. ખાસ કરીને દિવસના સમયે પણ ભારે વાહનોની અવરજવરને કારણે દ્વિચક્રી વાહનચાલકો માટે આ રોડ જોખમી સાબિત થઈ રહ્યો છે. એક આશાસ્પદ વિદ્યાર્થીનીના મોતના સમાચારથી વેજલપુર વિસ્તારમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.





