અમદાવાદ: ગુજરાતમાં ઉનાળો હવે તેના અસલી મિજાજમાં જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ ભાગોમાં ગરમીના પ્રકોપને લઈને ગંભીર આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે અને પશ્ચિમ-ઉત્તર પશ્ચિમના ગરમ પવનો ફૂંકાતા રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેશે અને તાપમાનમાં વધારો નોંધાશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં લૂ (હીટવેવ) ફૂંકાવાની શક્યતા હોવાથી નાગરિકોને સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટતા અને સૂકા પવનોની ગતિ વધતા ગરમીનો પારો સતત ઉપર જઈ રહ્યો છે. અમદાવાદ સહિતના મહાનગરોમાં બપોરના સમયે રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે આગામી 48 કલાક સુધી આ ગરમીનું જોર યથાવત રહ્યા બાદ તાપમાનમાં આંશિક ઘટાડો થવાની સંભાવના છે. 48 કલાક પછી પારો 2 થી 3 ડીગ્રી જેટલો નીચે ઉતરી શકે છે, જેનાથી કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં 'યલો એલર્ટ'ની જાહેરાત
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્મા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વિવિધ વિસ્તારોમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતના વાતાવરણમાં મહત્વના ફેરફારો જોવા મળી રહ્યા છે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને સાઉથ-ઈસ્ટ મધ્ય પ્રદેશ પર સિસ્ટમ સક્રિય હોવા છતાં, ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેવાની શક્યતા છે. જોકે, પશ્ચિમી હિમાલયમાં સક્રિય થયેલા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની રાજ્ય પર કોઈ મોટી અસર જોવા મળશે નહીં, પરંતુ પશ્ચિમ થી ઉત્તર-પશ્ચિમ દિશાના ફૂંકાતા પવનોને કારણે તાપમાનમાં વધઘટ નોંધાશે.
ગુજરાતમાં આગામી સમયમાં ગરમી વધશે કે ઘટશે?: ક્યાં પડશે વરસાદ?, જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી
48 કલાક બાદ તાપમાનમાં ઘટાડાની શક્યતા
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે, જેમાં ભાવનગરમાં મહત્તમ તાપમાન 45.2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. ગરમીના આ ઉછાળાને કારણે કચ્છનું કંડલા પોર્ટ, ભાવનગર, દીવ, દ્વારકા અને વડોદરા જેવા વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓ માટે 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. જોકે, રાહતના સમાચાર એ છે કે, આગામી 48 કલાકમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે, જેનાથી હીટવેવની અસરો ઓછી થશે અને લોકોને ગરમીમાંથી આંશિક છુટકારો મળશે.
મુકો લાપસીના આંધણ! ગુજરાતમાં ક્યારથી થશે મેઘરાજાની પધરામણી?: ખેડૂતો માટે ખુશખબર; વહેલા ચોમાસાના સંકેત
અમદાવાદમાં આકરું ઉનાળુ: તાપમાન 42 ડિગ્રી પહોંચશે
વધુમાં તેઓ જણાવે છે કે, સ્થાનિક સ્તરે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગરમીનો પારો ૪૨ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની આગાહી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમી પવનોની ગતિ ૧૫ થી ૨૦ નોટ્સ જેટલી રહેતી હોવાથી ભેજ અને ગરમીનું મિશ્રણ અનુભવાશે. માછીમારો માટે હાલમાં કોઈ ખાસ ચેતવણી જારી કરવામાં આવી નથી, કારણ કે સમુદ્રમાં કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય નથી. આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ૪૦ ડિગ્રીથી ઉપર રહેતા બપોરના સમયે આકરી ગરમીનો અનુભવ યથાવત રહેશે.





