Petrol Diesel Price Today: ગુજરાતના સામાન્ય નાગરિકો માટે મોંઘવારીના સમાચાર એક પછી એક આફત બનીને આવી રહ્યા છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક રાજકીય અસ્થિરતાની સીધી અસર હવે સામાન્ય માણસના રસોડા બાદ વાહન વ્યવહાર પર પણ પડી છે. દૂધના ભાવમાં વધારાની કળ વળે તે પહેલા જ પેટ્રોલ, ડીઝલ અને CNGના ભાવમાં થયેલા તોતિંગ વધારાએ જનતાની કમર તોડી નાખી છે. શુક્રવાર સવારથી જ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઈંધણના નવા ભાવ લાગુ થઈ ગયા છે, જેને પગલે વાહનચાલકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. છેલ્લા 48 કલાકમાં સામાન્ય માણસને સતત ત્રણ મોટા આંચકા લાગ્યા છે. ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા યુદ્ધના ભયને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો આસમાને પહોંચી છે. આ સંકેતો ગુજરાતીઓને વહેલા મળી જતા છેલ્લા બે દિવસથી પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ગઈકાલે મોડી રાત્રે અમદાવાદના મણિનગર સહિતના વિસ્તારોમાં લોકો ટાંકી ફૂલ કરાવવા માટે ઉમટી પડ્યા હતા. હવે જ્યારે સત્તાવાર રીતે ભાવમાં ₹3 થી વધુનો વધારો ઝીંકાયો છે, ત્યારે ગુજરાતના કયા જિલ્લામાં કેટલી મોંઘવારી વધી તે જાણવું ખૂબ જરૂરી છે.
સુરતમાં ‘પેટ્રોલ-ડીઝલ નથી’ ના બોર્ડ લાગ્યા
સુરતના વરાછા, કતારગામ, ગોથાણ અને વેલંજા સહિતના વિસ્તારોમાં સ્ટોક ખાલી થઈ જવાને કારણે અનેક પેટ્રોલ પંપો પર 'પેટ્રોલ-ડીઝલ નથી' તેવા બોર્ડ મારીને કામગીરી બંધ કરી દેવામાં આવી છે. નવા સ્ટોકની આવક ન થવાને લીધે સર્જાયેલી આ અછત વચ્ચે કેટલાક પંપો પર માત્ર પ્રીમિયમ પેટ્રોલનું જ વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે સામાન્ય જનતાએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગુજરાતના ચાર મોટા શહેરોમાં સૌથી વધારે ભાવઃ
શહેર | પેટ્રોલ (₹/લિટર) | ડીઝલ (₹/લિટર) |
અમદાવાદ | 97.43 | 93.02 |
સુરત | 97.50 | 93.29 |
વડોદરા | 97.14 | 92.91 |
રાજકોટ | 97.27 | 93.06 |
પશ્ચિમ એશિયાના સંઘર્ષની સીધી અસર: વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ ઉછળ્યા
આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ તેલની કિંમત હાલ પ્રતિ બેરલ $107.28 ની આસપાસ પહોંચી ગઈ છે. આ ઉપરાંત, અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ₹95.77 ના સ્તરે પહોંચતા આયાત ખર્ચ અત્યંત મોંઘો થયો છે. તેલ કંપનીઓ પર વધતા દબાણને કારણે ગુજરાત સહિત દેશભરમાં ઈંધણના દરોમાં સુધારો કરવો પડ્યો છે. સ્થાનિક પરિવહન ખર્ચ અને વેટ (VAT) ને કારણે ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં ભાવમાં થોડો તફાવત જોવા મળી રહ્યો છે.
ગુજરાતના મુખ્ય શહેરોમાં આજની કિંમત (પ્રતિ લિટર)
ક્રમ | જિલ્લાનું નામ | પેટ્રોલની કિંમત (₹) | ભાવ વધારો (₹) |
1 | અમદાવાદ | ₹97.43 | 3.2 |
2 | અમરેલી | ₹98.32 | 3.19 |
3 | આણંદ | ₹97.48 | 2.99 |
4 | અરવલ્લી | ₹98.76 | 2.99 |
5 | બનાસકાંઠા | ₹98.56 | 3.53 |
6 | ભરૂચ | ₹97.87 | 3.2 |
7 | ભાવનગર | ₹99.10 | 3 |
8 | બોટાદ | ₹98.76 | 3 |
9 | છોટાઉદેપુર | ₹97.88 | 2.98 |
10 | દાહોદ | ₹98.55 | 3.24 |
11 | દેવભૂમિ દ્વારકા | ₹97.43 | 2.93 |
12 | ગાંધીનગર | ₹97.95 | 3.35 |
13 | ગીર સોમનાથ | ₹98.79 | 2.76 |
14 | જામનગર | ₹98.03 | 2.98 |
15 | જૂનાગઢ | ₹98.16 | 2.67 |
16 | ખેડા | ₹97.77 | 3.11 |
17 | કચ્છ | ₹97.68 | 2.53 |
18 | મહિસાગર | ₹97.94 | 3 |
19 | મહેસાણા | ₹97.93 | 3.24 |
20 | મોરબી | ₹97.84 | 2.56 |
21 | નર્મદા | ₹98.26 | 3.4 |
22 | નવસારી | ₹98.04 | 2.94 |
23 | પંચમહાલ | ₹97.64 | 2.71 |
24 | પાટણ | ₹97.70 | 2.99 |
25 | પોરબંદર | ₹97.76 | 2.99 |
26 | રાજકોટ | ₹97.27 | 2.24 |
27 | સાબરકાંઠા | ₹97.97 | 2.78 |
28 | સુરત | ₹97.50 | 3.01 |
29 | સુરેન્દ્રનગર | ₹97.92 | 2.99 |
30 | તાપી | ₹99.05 | 2.99 |
31 | ડાંગ | ₹98.31 | 2.99 |
32 | વડોદરા | ₹97.14 | 3.45 |
33 | વલસાડ | ₹98.26 | 2.99 |
ક્યાં છે સૌથી મોંઘુ અને ક્યાં સૌથી સસ્તું પેટ્રોલ?
આજના ભાવ વધારા બાદ રાજ્યમાં સૌથી વધુ ભાવ વધારો બનાસકાંઠા (₹3.53) અને વડોદરા (₹3.45) જિલ્લામાં જોવા મળ્યો છે. જ્યારે કિંમતની દ્રષ્ટિએ જોતા ભાવનગર (₹99.10) અને તાપી (₹99.05) જિલ્લામાં પેટ્રોલ ₹100 ની સપાટીની અત્યંત નજીક પહોંચી ગયું છે. બીજી તરફ, રાજકોટમાં ₹97.29 સાથે અન્ય મોટા શહેરોની સરખામણીએ ભાવ થોડો ઓછો નોંધાયો છે.
પેટ્રોલ-ડીઝલ પ્રતિ લિટર 3-3 રૂપિયાનો વધારો: મોડી રાત્રે સરકારે લીધેલાં નિર્ણયથી લોકોમાં રોષ, જાણો તમારા શહેરમાં શું છે નવા ભાવ
CNGના ભાવમાં પણ વધારો, રિક્ષા ચાલકો અને ટ્રાન્સપોર્ટરો ચિંતિત
માત્ર પેટ્રોલ-ડીઝલ જ નહીં, પણ સીએનજી (CNG) ના ભાવમાં પણ વધારો ઝીંકવામાં આવતા મધ્યમ વર્ગ અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકોની મુશ્કેલી વધી છે. ઈંધણ મોંઘું થતા આગામી દિવસોમાં શાકભાજી અને અન્ય ચીજવસ્તુઓના પરિવહન ખર્ચમાં વધારો થશે, જેની સીધી અસર ફરી એકવાર સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે.





