નવી દિલ્હી: દેશની જનતા પર ફરી એકવાર મોંઘવારીનો બોજ ઝીંકાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને વૈશ્વિક રાજકીય તણાવની સીધી અસર ભારતીય ઈંધણ બજાર પર જોવા મળી છે. લાંબા સમયની શાંતિ બાદ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ.3 સુધીનો વધારો ઝીંક્યો છે. માત્ર પેટ્રોલ-ડીઝલ જ નહીં, પણ રસોડા અને વાહન વ્યવહારમાં વપરાતા CNGના ભાવમાં પણ પ્રતિ કિલો રૂ.2નો વધારો થયો છે. આ નવા ભાવ આજથી એટલે કે 15 મે, 2026 થી અમલમાં આવી ગયા છે. નોંધનીય છે કે લગભગ બે વર્ષના લાંબા વિરામ બાદ ઈંધણના ભાવમાં આટલો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જેના કારણે સામાન્ય માણસના બજેટ પર મોટી અસર પડવાની શક્યતા છે. ખાસ કરીને પરિવહન મોંઘું થતા આગામી દિવસોમાં શાકભાજી અને અન્ય ચીજવસ્તુઓના ભાવ વધવાની પણ દહેશત સેવાઈ રહી છે.
મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલની નવી સ્થિતિ
નવા વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂ.97.77 અને ડીઝલ રૂ.90.67 પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. મુંબઈ અને કોલકાતા જેવા શહેરોમાં તો પેટ્રોલનો આંકડો રૂ.105ને પાર કરી ગયો છે.
પેટ્રોલના નવા ભાવની એક ઝલક:
શહેર | જૂના ભાવ (રૂ./લિટર) | નવા ભાવ (રૂ./લિટર) | કુલ વધારો |
દિલ્હી | 94.77 | 97.77 | રૂ.3.00 |
મુંબઈ | 103.50 | 106.68 | રૂ.3.14 |
કોલકાતા | 105.45 | 108.74 | રૂ.3.29 |
ચેન્નઈ | 100.80 | 103.67 | રૂ.2.87 |
શા માટે અચાનક ભાવ વધારવા પડ્યા?
આ ભાવવધારા પાછળ મુખ્યત્વે ઈરાન અને અમેરિકા વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિ જવાબદાર માનવામાં આવે છે. થોડા સમય પહેલા જે ક્રૂડ ઓઈલ (કાચું તેલ) 70 ડોલર પ્રતિ બેરલ મળતું હતું, તે હવે વધીને 100 ડોલરની સપાટી વટાવી ચૂક્યું છે. ભારતીય ઓઈલ કંપનીઓ (IOC, BPCL, HPCL) આંતરરાષ્ટ્રીય ભાવના આધારે દર 15 દિવસે સરેરાશ કાઢીને ભાવ નક્કી કરે છે. છેલ્લા ઘણા સમયથી ભાવ ન વધવાને કારણે આ કંપનીઓને દર મહિને અંદાજે રૂ.30,000 કરોડનું નુકસાન થઈ રહ્યું હતું. આ નુકસાનની ભરપાઈ કરવા માટે કંપનીઓ પાસે ભાવ વધારા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નહોતો.
કેમિકલ સેક્ટરની આ કંપનીના શેરમાં આવી જબરદસ્ત અપર સર્કિટ: મજબૂત Q4ના પરિણામ અને ડિવિડન્ડની જાહેરાતથી રોકાણકારોમાં ઉત્સાહ
CNG પણ મોંઘો થયો, દિલ્હીમાં નવો ભાવ રૂ.79.09
પેટ્રોલ-ડીઝલની સાથે ગેસના ભાવમાં પણ ભડકો થયો છે. CNGમાં પ્રતિ કિલો રૂ.2નો વધારો થતા દિલ્હીમાં હવે એક કિલો CNG માટે રૂ.79.09 ચૂકવવા પડશે. આ વધારાની અસર ટેક્સી અને ઓટો રિક્ષા ચાલકો પર સૌથી વધુ પડશે, જે અંતે મુસાફરોના ખિસ્સા ખાલી કરશે.
શું હોય છે ફ્યૂલ રેશનિંગ?: ફ્રાંસ-જર્મનીની જેમ ભારતમાં પણ લાગુ થશે ફ્યૂલ ક્વોટા સિસ્ટમ?
શું હજુ પણ ભાવમાં વધારો થશે?
આર્થિક નિષ્ણાતોનું માનીએ તો રૂ.3નો આ વધારો તો માત્ર શરૂઆત હોઈ શકે છે. કંપનીઓ જે રીતે ખોટમાં ચાલી રહી છે, તે જોતા 'બ્રેક-ઈવન' પોઈન્ટ પર આવવા માટે હજુ પણ પેટ્રોલના ભાવમાં રૂ.28 અને ડીઝલમાં રૂ.32 સુધીનો વધારો કરવાની જરૂર છે. જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ સસ્તું નહીં થાય, તો આગામી દિવસોમાં વધુ એક ભાવવધારો જોવા મળી શકે છે.
મોંઘવારીનો થયો મોટો વિસ્ફોટ! તોડ્યો 42 મહિનાનો રેકોર્ડ!: જથ્થાબંધ મોંઘવારી 8.30% પર, ઇંધણ અને વીજળીના ભાવ આસમાને...!!
પીએમ મોદીની જનતાને અપીલ: 'ઈંધણનો ઉપયોગ સંયમથી કરો'
તાજેતરમાં તેલંગાણામાં એક કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વધતા જિયો-પોલિટિકલ તણાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે દેશવાસીઓને સૂચન કર્યું હતું કે, "આજની વૈશ્વિક સ્થિતિ જોતા આપણે પેટ્રોલ, ગેસ અને ડીઝલનો ઉપયોગ અત્યંત સંયમથી કરવો જોઈએ. માત્ર જરૂર પૂરતો જ ઉપયોગ કરવાથી દેશનું વિદેશી હૂંડિયામણ બચશે અને યુદ્ધની આડઅસરોથી આપણે બચી શકીશું."





