પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગ અને કરકસર રાખવાની કરવામાં આવેલી અપીલને ગુજરાત સરકારે મક્કમ રીતે સ્વીકારી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે અનેક મહત્વપૂર્ણ પગલાઓની જાહેરાત કરી છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી ખર્ચમાં ઘટાડો, ઈંધણ બચત અને પર્યાવરણનું સંરક્ષણ છે રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ નિર્ણયોની વિગતવાર માહિતી આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે આ પગલાં માત્ર આર્થિક સંયમ માટે જ નહીં, પરંતુ વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લાંબા ગાળાના સંસાધન સંચાલન માટે પણ મહત્વપૂર્ણ છે.
સરકારી કામકાજમાં બદલાવ
નવી માર્ગદર્શિકા મુજબ, હવે સરકારી અધિકારીઓ માટે પ્રવાસ માત્ર અત્યંત જરૂરી હોય ત્યારે જ મંજૂર રહેશે. અનાવશ્યક પ્રવાસોને ટાળવા માટે વીડિયો કોન્ફરન્સિંગ, ટેલિફોન અને ઈ-મેઈલ જેવા ડિજિટલ માધ્યમોનો મહત્તમ ઉપયોગ કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. ક્ષેત્રીય અધિકારીઓને મીટિંગ માટે બોલાવવાને બદલે વર્ચ્યુઅલ મીટિંગ્સને પ્રાથમિકતા આપવામાં આવશે. કેન્દ્ર સરકાર અથવા અન્ય રાજ્યો સાથેની બેઠકોમાં પણ શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન જોડાવા માટે ભાર મુકાયો છે વિદેશ પ્રવાસો અને આંતરરાષ્ટ્રીય તાલીમ કે પરિસંવાદોમાં ભાગ લેવાની પ્રવૃત્તિઓ પણ હવે કડક રીતે નિયંત્રિત કરવામાં આવશે. માત્ર અનિવાર્ય સંજોગોમાં જ આવી મુલાકાતોને મંજૂરી આપવામાં આવશે.
આ પણ વાંચો: વર્ક ફ્રોમ હોમ અંગે સરકારના પ્રવક્તા મંત્રીનું મોટું નિવેદન : જાણો કેબિનેટની બેઠકમાં શું નિર્ણય લેવાયો
વાહન ઉપયોગ અને પર્યાવરણ સુરક્ષા પર ભાર
સરકારી વાહનોના ઉપયોગ અંગે પણ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. એકથી વધુ જવાબદારીઓ સંભાળતા અધિકારીઓને માત્ર એક મુખ્ય વાહન રાખવાની મંજૂરી રહેશે. જે અધિકારીઓ પાસે ઈલેક્ટ્રિક વાહન અથવા હાઈબ્રિડ વિકલ્પ ઉપલબ્ધ હોય તેઓએ તે જ ઉપયોગ કરવા અનિવાર્ય બનાવાયું છે. આ સાથે જ જાહેર પરિવહન જેવા કે મેટ્રો, એસટી બસ અને રેલવેનો ઉપયોગ વધારવા માટે પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
જાહેર સુવિધા વધારવા માટે મેટ્રો સેવા સમય રાત્રે 11 વાગ્યા સુધી લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યો છે, જેનાથી શહેરી મુસાફરી વધુ સુવિધાજનક બનશે.
આ પણ વાંચો: કોઈ EV સ્કૂટર, કોઈ EV કાર તો કોઈ બસમાં...! : PM મોદીના લેશન પછી સામાન્ય માણસની જેમ ચાલતી થઈ ગુજરાત સરકાર
સાદગીપૂર્ણ શાસન
સરકારે તમામ કાર્યક્રમો અને જાહેર કાર્યક્રમોને સાદગીથી યોજવાની સૂચના આપી છે. લોકાર્પણ અને જાહેર કાર્યક્રમોમાં ‘વર્ચ્યુઅલ પદ્ધતિ’ અપનાવવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે, જેથી ખર્ચ અને સંસાધનો બંને બચાવી શકાય. આ સાથે જ પ્રોક્યોરમેન્ટ પૉલિસીમાં સુધારો કરીને સ્વદેશી ચીજવસ્તુઓ, સ્થાનિક ઉત્પાદનો અને MSMEsને અગ્રતા આપવાનો નિર્ણય લેવાયો છે. આ પગલું ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને મજબૂત બનાવે છે અને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપે છે. આગામી છ મહિનામાં તમામ સરકારી કેન્ટીનોમાં PNG ગેસ કનેક્ટિવિટી ફરજિયાત બનાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે, જે પર્યાવરણ માટે અનુકૂળ અને ખર્ચદાયક રીતે અસરકારક માનવામાં આવે છે.
નાગરિકોને અપીલ
પ્રવક્તા મંત્રી જિતુભાઈ વાઘાણીએ નાગરિકોને ગભરાટમાં આવીને બિનજરૂરી ખરીદી અથવા સંગ્રહખોરી ન કરવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે કોરોના કાળ દરમિયાન જેમ લોકો સરકારે આપેલા આહ્વાનને સહકાર આપ્યો હતો, તેવી જ રીતે આ વખતે પણ જવાબદારીપૂર્વક વર્તવું જરૂરી છે. રાજ્ય સરકાર દ્વારા જનજાગૃતિ અભિયાન પણ શરૂ કરવામાં આવશે, જેનાથી લોકોમાં સંસાધનોના યોગ્ય ઉપયોગ અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે.
વ્યાપક અસર
આ પગલાઓ દ્વારા પેટ્રોલ-ડીઝલના વપરાશમાં ઘટાડો થવાની સાથે ફોરેન એક્સચેન્જ બચત પણ શક્ય બનશે. સાથે સાથે, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થવાથી પર્યાવરણ સુરક્ષા તરફ પણ મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં ઊર્જા સંકટ અને આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે ગુજરાત સરકારનો આ અભિગમ એક સંયમિત અને વ્યૂહાત્મક નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યો છે.





