ગાંધીનગર: ગીરના સિંહો અંગે વર્ષોથી ચાલતી એક લોકપ્રિય માન્યતાને તાજેતરના વૈજ્ઞાનિક સંશોધને પડકાર્યો છે. સામાન્ય રીતે એવું માનવામાં આવતું હતું કે ગીર જંગલની બહાર દરિયાકાંઠાના વિસ્તારોમાં વસવાટ કરતા એશિયાટિક સિંહો મુખ્યત્વે પાલતુ પશુઓનો શિકાર કરીને પોતાનું જીવન નિર્વાહ કરે છે. જોકે, આંતરરાષ્ટ્રીય પીઅર-રિવ્યુડ જર્નલ 'Conservation'માં પ્રકાશિત થયેલા નવા અભ્યાસે આ માન્યતાને ખોટી ઠેરવી છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા સિંહોના કુલ શિકારમાંથી લગભગ 70 ટકા હિસ્સો વન્ય પ્રાણીઓ, ખાસ કરીને નીલગાય અને જંગલી ભૂંડ,નો છે.
આ સંશોધન માત્ર સિંહોના ખોરાકની આદતો વિશે જ નહીં, પરંતુ ગુજરાતમાં વન્યજીવ સંરક્ષણની સફળતા અને માનવ-સિંહ સહઅસ્તિત્વના અનોખા મોડલ વિશે પણ મહત્વપૂર્ણ માહિતી આપે છે. નિષ્ણાતોના મતે આ તારણો દર્શાવે છે કે ગીરની બહાર પણ કુદરતી શિકારનું પૂરતું પ્રમાણ ઉપલબ્ધ હોવાથી સિંહો તેમના સ્વાભાવિક વર્તનને જાળવી રાખી રહ્યા છે.
દરિયાકાંઠે 100થી વધુ સિંહોનો વસવાટ
તાજેતરમાં થયેલી 16મી એશિયાટિક સિંહ વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં હાલમાં 891 એશિયાટિક સિંહો છે. તેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં 100થી વધુ સિંહો સ્થાયી વસવાટ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ સિંહો દક્ષિણ-પશ્ચિમ દરિયાઈ પટ્ટી, દક્ષિણ-પૂર્વ દરિયાઈ પટ્ટી અને ભાવનગરના દરિયાઈ વિસ્તારમાં ફેલાયેલા ત્રણ મહત્વપૂર્ણ સેટેલાઇટ વસવાટ ક્ષેત્રોમાં રહે છે.
વન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે આ વિસ્તારો હવે સિંહોના વિસ્તરતા રહેણાંક વિસ્તાર તરીકે વિકસ્યા છે અને લાંબા ગાળાના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે.

આ પણ વાંચો: સવારના 7 થી રાતના 11 વાગ્યા સુધી SG હાઇવે બંધ! : 6 મહિના સુધી આ વહાનોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચના
સંશોધનમાં શું સામે આવ્યું?
જૂનાગઢ વન વર્તુળના વન સંરક્ષક અને અભ્યાસના સહ-લેખક મોહન રામના જણાવ્યા મુજબ માર્ચ અને એપ્રિલ 2024 દરમિયાન જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને પોરબંદર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી સિંહોના 160 મળના નમૂનાઓ (Scat Samples) એકત્રિત કરીને વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે સિંહોના ખોરાકમાં આશરે 64 ટકા હિસ્સો વન્ય પ્રાણીઓનો હતો, જ્યારે 31 ટકા હિસ્સો પાલતુ પશુઓનો હતો. બાયોમાસના આધારે જોવામાં આવે તો કુલ ખોરાકમાં લગભગ 70 ટકા હિસ્સો કુદરતી શિકારનો હોવાનું સામે આવ્યું. નીલગાય સિંહોના ખોરાકનો સૌથી મોટો સ્ત્રોત છે, જે કુલ ખોરાકમાં અડધાથી વધુ એટલે કે લગભગ 51 ટકા હિસ્સો ધરાવે છે. ત્યારબાદ જંગલી ભૂંડ બીજા ક્રમનો મુખ્ય શિકાર છે.

ખેડૂતો માટે પણ લાભદાયી સાબિત થઈ રહ્યા છે સિંહો
આ અભ્યાસનું એક મહત્વપૂર્ણ પાસું એ છે કે સિંહો ખેતીને નુકસાન પહોંચાડતા વન્ય પ્રાણીઓની સંખ્યાને કુદરતી રીતે નિયંત્રિત કરી રહ્યા છે. ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે દરિયાકાંઠાના વિસ્તારોમાં સિંહો નીલગાય અને જંગલી ભૂંડનો શિકાર કરીને ખેડૂતોને પરોક્ષ રીતે મદદરૂપ બની રહ્યા છે. નીલગાય અને જંગલી ભૂંડ પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડતા પ્રાણીઓ ગણાય છે. તેમની સંખ્યા પર કુદરતી નિયંત્રણ રહેતાં ખેડૂતોને થતા નુકસાનમાં ઘટાડો થવાની સંભાવના રહે છે. આ રીતે સિંહો પર્યાવરણનું સંતુલન જાળવવાની સાથે કૃષિ ક્ષેત્ર માટે પણ લાભદાયી ભૂમિકા ભજવી રહ્યા હોવાનું અભ્યાસમાં સૂચવાયું છે.
સંશોધકોની ધારણા પણ ખોટી પડી
અભ્યાસ શરૂ કરતા પહેલાં સંશોધકોનું અનુમાન હતું કે માનવ વસવાટ ધરાવતા દરિયાકાંઠાના વિસ્તારોમાં વન્ય પ્રાણીઓની સંખ્યા ઓછી હોવાથી સિંહો પાલતુ પશુઓ પર વધુ નિર્ભર હશે. પરંતુ સંશોધનના પરિણામોએ આ ધારણાને સંપૂર્ણપણે ખોટી સાબિત કરી. તારણો દર્શાવે છે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં નીલગાય અને જંગલી ભૂંડ જેવી વન્ય પ્રજાતિઓની પૂરતી ઉપલબ્ધતા હોવાથી સિંહો મુખ્યત્વે કુદરતી શિકાર પર જ આધાર રાખે છે. પરિણામે પાલતુ પશુઓ પરનો હુમલો પ્રમાણમાં ઓછો રહે છે અને માનવ-સિંહ સંઘર્ષ પણ ઘટાડી શકાય છે.
પાલતુ પશુઓનો શિકાર થાય છે
અભ્યાસમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે સિંહો દ્વારા ગાય અને ભેંસ જેવા પાલતુ પશુઓનો શિકાર સંપૂર્ણપણે થતો નથી એવું નથી. જોકે આવા મોટા ભાગના પશુઓ રખડતા, ત્યજી દેવાયેલા અથવા જંગલી બની ગયેલા (Feral) હોય છે.
સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં દૂધ આપવાનું બંધ કરેલા પશુઓને ખુલ્લા મૂકી દેવાની પ્રથા છે. આવા પશુઓ સિંહો માટે સરળ શિકાર બની જાય છે. તેથી તમામ પાલતુ પશુઓ પર હુમલા થાય છે એવી માન્યતા હકીકતથી ઘણી અલગ હોવાનું અભ્યાસ દર્શાવે છે.






