વડોદરા શહેરની હાઈપ્રોફાઈલ ગણાતી માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે રાજકીય ગરમાવાના બદલે સમગ્ર વિસ્તારમાં ભારે નીરસતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના સંગઠનમાં આ ચૂંટણીને લઈને કોઈ મોટો ઉત્સાહ જણાતો નથી. કાર્યકરોમાં ઉત્સાહનો સદંતર અભાવ વર્તાઈ રહ્યો છે, જેના કારણે બંને પક્ષોના ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહેલો ચૂંટણી પ્રચાર પણ માત્ર ‘કરવા ખાતર’ થતો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. સ્થાનિક સ્તરે કાર્યકરોની પાંખી હાજરી રાજકીય ગલિયારાઓમાં ભારે ચર્ચાનો વિષય બની છે.
આ પણ વાંચો: 20 જુલાઈ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ? : અંબાલાલ પટેલની આગાહી, અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના
માંજલપુર બેઠક પર ભાજપના મોરચે મોટો આંતરિક અસંતોષ અને છૂપો રોષ જોવા મળી રહ્યો છે. ભાજપે આ બેઠક પર સ્થાનિક નેતાના બદલે છાણી વિસ્તારના સતીશ પટેલને ઉમેદવાર બનાવતા સ્થાનિક કાર્યકરોમાં તીવ્ર નારાજગી છે. પક્ષના કડક શાસનને કારણે કોઈ કાર્યકર કે હોદ્દેદાર ખુલીને વિરોધ કરવા તૈયાર નથી, પરંતુ આ નારાજગીની સીધી અસર પ્રચાર કાર્ય પર પડી રહી છે. તાજેતરમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન અને પ્રચાર રેલીઓ દરમિયાન જે આગેવાનોને વધુમાં વધુ ભીડ એકઠી કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી, તેમાંથી મોટાભાગના સ્થાનિક નેતાઓએ આ કામગીરીમાંથી છટકબારી શોધી લીધી હતી અને પ્રચારથી અંતર જાળવી રાખ્યું હતું.
કોંગ્રેસ પણ સંગઠન મજબૂત બનાવવા પ્રયાસશીલ
બીજી તરફ, મુખ્ય વિપક્ષ કોંગ્રેસમાં સ્થિતિ વધુ કફોડી છે. કોંગ્રેસે આ ચૂંટણીમાં પૂર્વ મંત્રી ભીખાભાઇ રબારીને મેદાનમાં ઉતાર્યા છે, પરંતુ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા જોતાં એવું લાગે છે કે કોંગ્રેસ માત્ર ઔપચારિકતા પૂરી કરવા ખાતર જ ચૂંટણી લડી રહી છે. પક્ષના કાર્યકરો તદ્દન નિરુત્સાહી છે અને પ્રચારના મેદાનમાંથી ગાયબ છે. શહેર પ્રમુખ અને આંગળીના વેઢે ગણી શકાય તેવા એક-બે આગેવાનોને બાદ કરતાં પ્રચારમાં કોઈ દેખાતું નથી. કોંગ્રેસ પાસે સંગઠન અને કાર્યકરોની અછત તો છે જ, પરંતુ જે બચેલા કાર્યકરો છે તેઓ પણ જમીની સ્તરે સક્રિય થવામાં બિલકુલ રસ દાખવી રહ્યા નથી.
આ પણ વાંચો: ગુજસીટોક હેઠળ વડોદરા ગ્રામ્ય પોલીસની કાર્યવાહી : બૂટલેગર લાલા જયસ્વાલની ₹75 કરોડની મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી
માંજલપુરની સ્થાનિક ભાજપ નેતાગીરીમાં આયાતી ઉમેદવારને લઈને કેવો ગણગણાટ છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે, આ બેઠકનું વર્ષો સુધી પ્રતિનિધિત્વ કરનારા સ્વર્ગસ્થ યોગેશ પટેલે પણ ભૂતકાળમાં બહારના ઉમેદવારનો ખુલ્લો વિરોધ કર્યો હતો. હવે તેમના જ સ્થાને અન્ય વિસ્તારના નેતાને ટિકિટ અપાતા સ્થાનિક દાવેદારો નારાજ છે. જો કે, આ અસંતોષ વચ્ચે ભાજપના કેટલાક સિનિયર આગેવાનોએ વર્તમાન ઉમેદવારને માત્ર ‘નાઈટ વોચમેન’ ગણાવીને મન મનાવી લીધું છે. તેઓનું માનવું છે કે આગામી ૨૦૨૭ની મુખ્ય વિધાનસભા ચૂંટણીમાં ચિત્ર કંઈક અલગ જ હશે. આ આંતરિક ખેંચતાણ અને નિરસતા વચ્ચે માંજલપુરની પેટા ચૂંટણી રસહીન બની રહેશે તેમ લાગી રહ્યું છે.





