Home Gujarat Chandipura Virus Suspected Three Children Admitted Gg Hospital Jamnagar

જામનગરમાં ચાંદીપુરા વાયરસની આશંકા : 3 બાળકો ગંભીર હાલતમાં સારવાર હેઠળ

જામનગર હોસ્પિટલના દ્રશ્યો
Published by: Chintan Chavda
Last Updated: Jul 18, 2026, 05:34 AM IST

જામનગર: જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાંદીપુરા વાયરસની આશંકા વચ્ચે આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવ્યું છે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ત્રણ શંકાસ્પદ બાળ દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ત્રણે બાળકોની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે અને તેમને હોસ્પિટલના બાળરોગ વિભાગમાં તબીબોની સતત દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. જોકે, આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ચાંદીપુરા વાયરસની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે.

મળતી માહિતી અનુસાર, સારવાર હેઠળ રહેલા ત્રણ બાળકોમાં જામનગર જિલ્લાના 11 માસના એક શિશુ અને 2 વર્ષના એક બાળકનો સમાવેશ થાય છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના 6 વર્ષના બાળકને પણ વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ત્રણેય બાળકોને વિશેષ મેડિકલ ટીમની દેખરેખ હેઠળ જરૂરી સારવાર આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો: વડોદરામાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી? : 3 વર્ષના બાળકનો પ્રથમ શંકાસ્પદ કેસ, આરોગ્ય વિભાગ હાઈ એલર્ટ પર

સેમ્પલ તપાસ માટે મોકલાયા, રિપોર્ટ બાદ થશે સ્પષ્ટતા

ચાંદીપુરા વાયરસની સંભાવનાને ધ્યાનમાં રાખીને ત્રણેય બાળકોના સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. હાલ તેમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, રિપોર્ટ આવ્યા બાદ જ બાળકો ચાંદીપુરા વાયરસથી સંક્રમિત છે કે નહીં તેની સત્તાવાર પુષ્ટિ થઈ શકશે.

હોસ્પિટલ તંત્રે દર્દીઓની સ્થિતિ પર સતત નજર રાખી છે અને બાળરોગ નિષ્ણાતોની વિશેષ ટીમ દ્વારા જરૂરી સારવાર તેમજ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. જો જરૂરી બનશે તો વધુ વિશેષ સારવારની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

આ પણ વાંચો: દરિયાકાંઠાના સિંહોને લઈને મોટો ખુલાસો : નવા અભ્યાસે બદલ્યું વર્ષોથી ચાલતું માન્યતાનું ચિત્ર

આરોગ્ય વિભાગ એલર્ટ, લોકોને સાવચેતી રાખવાની અપીલ

ત્રણ શંકાસ્પદ કેસ સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સર્વેલન્સ વધુ સઘન બનાવ્યું છે. તાવ, બેભાન થવું, ખેંચ આવવી અથવા અન્ય ગંભીર લક્ષણો ધરાવતા બાળકો અંગે તાત્કાલિક આરોગ્ય કેન્દ્રોને જાણ કરવા સૂચના આપવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા સ્થાનિક સ્તરે જરૂરી તકેદારીના પગલાં પણ તેજ કરવામાં આવ્યા છે.

અધિકારીઓએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને ગભરાવાની જરૂર ન હોવાનું જણાવ્યું છે. સાથે જ કોઈ બાળકમાં ઊંચો તાવ, ઉલ્ટી, બેભાન થવું અથવા ખેંચ જેવા લક્ષણો જણાય તો વિલંબ કર્યા વિના નજીકની સરકારી હોસ્પિટલ અથવા આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગોધરા રેલવે સ્ટેશન પર લોકાર્પણના કલાકોમાં જ લિફ્ટ ખોટકાઈ : ફસાયા હતા 6 લોકો, કટર મશીનથી કપવો પડ્યો લિફ્ટનો દરવાજો

શું છે ચાંદીપુરા વાયરસ?

ચાંદીપુરા વાયરસ એક દુર્લભ પરંતુ ગંભીર વાયરસજન્ય ચેપ છે, જે મુખ્યત્વે બાળકોને અસર કરી શકે છે. આ વાયરસનો ફેલાવો સામાન્ય રીતે સેન્ડ ફ્લાય (Sand Fly) જેવા કીટકો દ્વારા થતો હોવાનું માનવામાં આવે છે. ચેપ લાગ્યા બાદ તાવ, માથાનો દુખાવો, ખેંચ, બેભાન થવું અને મગજ પર અસર જેવા ગંભીર લક્ષણો ઝડપથી વિકસી શકે છે. તેથી સમયસર નિદાન અને તાત્કાલિક સારવાર અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આરોગ્ય નિષ્ણાતો લોકોને ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવા, મચ્છર અને અન્ય કીટકોના ઉપદ્રવને રોકવા તથા બાળકોમાં અસામાન્ય લક્ષણો દેખાય તો તરત જ તબીબી સલાહ લેવા અપીલ કરી રહ્યા છે. હાલમાં ત્રણેય કેસમાં લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ ચાંદીપુરા વાયરસ અંગેની સ્થિતિ સ્પષ્ટ થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now