Home Gujarat Gujarat Cabinet Meeting Decisions Jitu Vaghanis Big Statement On Work From Home

વર્ક ફ્રોમ હોમ અંગે સરકારના પ્રવક્તા મંત્રીનું મોટું નિવેદન : જાણો કેબિનેટની બેઠકમાં શું નિર્ણય લેવાયો

Gujarat Cabinet Decisions Work From Home
Published by: Nirali Gohil
Last Updated: May 15, 2026, 11:11 AM IST

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની મહત્વની કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ સંબોધીને સરકારના વિવિધ જનહિતલક્ષી અને વહીવટી નિર્ણયોની વિગતો આપી હતી. બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તાજેતરની ગુજરાત મુલાકાતના સફળ કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી, સાથે જ બજેટમાં જાહેર કરાયેલી તમામ યોજનાઓનો 100% અમલ કરવા માટે અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે. સરકાર હવે યોજનાઓ કાગળ પર રહેવાને બદલે છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે એક્શન મોડમાં છે.

સરકારે વહીવટી ખર્ચમાં કાપ મૂકવા અને પારદર્શિતા લાવવા માટે પણ ઐતિહાસિક નિર્ણયો લીધા છે. જે અંતર્ગત હવે કોઈપણ મંત્રી કે ઉચ્ચ અધિકારી માત્ર એક જ સરકારી વાહનનો ઉપયોગ કરી શકશે અને વધારાના વાહનો જમા કરાવવાના રહેશે. આ ઉપરાંત, બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા અને જરૂર હોય તો જ મુસાફરી કરવા તેમજ ઓનલાઇન કામકાજને પ્રાધાન્ય આપવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના જથ્થા અંગે ઉભી થયેલી સ્થિતિ પર મુખ્યમંત્રી પોતે સીધું મોનીટરીંગ કરી રહ્યા છે અને જનતાને સંગ્રહખોરી ન કરવા અપીલ કરી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ અને વિકાસ કામોની ભેટ

બંગાળની ચૂંટણી બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રથમ વખત ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. તેઓ આજે રાત્રે જ ગુજરાત આવી પહોંચશે. આ પ્રવાસ દરમિયાન તેઓ ગાંધીનગર જિલ્લામાં અંદાજે ₹600 કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમિત શાહની આ મુલાકાતને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

આ પણ વાંચો: Work From Home લાગૂ કરશે ગુજરાત સરકાર? : કેબિનેટમાં CMએ આપ્યાં મોટા સંકેત, કરકસર માટે કવાયત

'વન નેશન વન ઇલેક્શન' સમિતિની ગુજરાત મુલાકાત

દેશમાં એક સાથે ચૂંટણી યોજવા અંગેની શક્યતાઓ તપાસવા માટે બનેલી ઉચ્ચ સ્તરીય સમિતિ આગામી 19 મે થી 3 દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવશે. આ ટીમ ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે રોકાણ કરશે અને મુખ્યમંત્રી તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અંગે ચર્ચા-વિચારણા કરશે. રાજ્ય સરકાર આ બાબતે જરૂરી તમામ સહયોગ આપવા માટે તૈયાર છે.

સરકારી કામકાજમાં શિસ્ત અને ખર્ચમાં કાપ

રાજ્ય સરકારે વહીવટી સુધારાના ભાગરૂપે નક્કી કર્યું છે ,કે અધિકારીઓ અને કર્મચારીઓએ જિલ્લા બહાર જવાનું બને ત્યાં સુધી ટાળવું અને ટેકનોલોજીનો ઉપયોગ કરી ઓનલાઇન મીટિંગ્સ જ કરવી. વર્ક ફ્રોમ હોમ અંગે સરકારે સ્પષ્ટતા કરી છે કે, હાલમાં કોઈ સામૂહિક નિર્ણય લેવાયો નથી, પરંતુ જો જરૂર જણાય તો જે તે વિભાગના વડા (HoD) પોતે નિર્ણય લઈ શકશે.

આ પણ વાંચો: કોઈ EV સ્કૂટર, કોઈ EV કાર તો કોઈ બસમાં...! : PM મોદીના લેશન પછી સામાન્ય માણસની જેમ ચાલતી થઈ ગુજરાત સરકાર

મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર અને જનતાને અપીલ

અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે દોડતી મેટ્રો ટ્રેનની સુવિધામાં મુસાફરોની માંગને ધ્યાને રાખીને મહત્વનો ફેરફાર કરાયો છે. હવે મેટ્રો ટ્રેન રાત્રે 11 વાગ્યા સુધી દોડશે, જેથી મોડે સુધી મુસાફરી કરનારા લોકોને રાહત મળે. અંતમાં, સરકારે રાજ્યની જનતાને અપીલ કરી છે કે પેટ્રોલ-ડીઝલ કે અન્ય કોઈ પણ જીવન જરૂરિયાતની ચીજોની ખોટી સંગ્રહખોરી કરવી નહીં, કારણ કે સરકાર પાસે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now