ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી લોકોને ત્રાહિમામ પોકારાવતી ગરમી વચ્ચે હવે આંશિક રાહતનો અહેસાસ થવા લાગ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં અંદાજે દોઢથી બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. અગાઉ 44 ડિગ્રી સુધી પહોંચેલો ગરમીનો પારો હવે 42°Cની આસપાસ સ્થિર થયો છે. તેમ છતાં રાજ્યના અનેક શહેરોમાં હજુ પણ તાપમાન 40 ડિગ્રીથી ઉપર નોંધાઈ રહ્યું હોવાથી ગરમીનો પ્રકોપ સંપૂર્ણપણે ઓછો થયો નથી.
15 મેના રોજ નોંધાયેલા તાપમાન અનુસાર અમદાવાદ અને રાજકોટ રાજ્યના સૌથી ગરમ શહેરો રહ્યા હતા, જ્યાં મહત્તમ તાપમાન 41.7°C નોંધાયું હતું. આ ઉપરાંત રાજ્યના કુલ છ શહેરોમાં તાપમાન 40°Cને પાર રહ્યું હતું, જેના કારણે બપોરના સમયે રસ્તાઓ પર સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થયું હતું.
સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવ યથાવત્
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ યથાવત્ રહી હતી. ખાસ કરીને ભાવનગર, મહુવા અને કંડલા પોર્ટ વિસ્તારમાં ગરમીની તીવ્ર અસર જોવા મળી હતી. આ ઉપરાંત દ્વારકા જિલ્લાના ઓખા વિસ્તાર અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પણ છૂટાછવાયા સ્થળોએ હીટવેવ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
હવામાન વિભાગના નિષ્ણાતો મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્ર ઊંચું નોંધાયું હતું. ગરમ અને સૂકા પવનોના કારણે દિવસ દરમિયાન લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું.
દિવસભર બેઠકો અને વિકાસ કાર્યોની સમીક્ષા: જાણો અમિત શાહના 2 દિવસીય ગુજરાત પ્રવાસનું સંપૂર્ણ શેડ્યુલ
આગામી 7 દિવસ હવામાન રહેશે સૂકું
હવામાન વિભાગે આગામી 22 મે, 2026 સુધીની આગાહી જાહેર કરતાં જણાવ્યું છે કે ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આગામી દિવસોમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. આગામી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં વધુ 2થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
જોકે ત્યારબાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા હાલ દેખાતી નથી. આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 40°Cથી વધુ રહેવાની સંભાવના યથાવત્ છે.
16 મે માટે હીટવેવની ચેતવણી
હવામાન વિભાગે 16 મે માટે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની ચેતવણી યથાવત્ રાખી છે. ખાસ કરીને ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવ વિસ્તારમાં ગરમીનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
જોકે 17 મેથી 22 મે દરમિયાન રાજ્ય માટે કોઈ વિશેષ હીટવેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી. આથી આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ થોડોક ઘટે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભરૂચના કાવી-કંબોઈમાં સ્તંભેશ્વર મહાદેવનું છે અલૌકિક મંદિર: દિવસમાં બે વખત સમુદ્રમાં સમાય છે મંદિર
અમદાવાદમાં ગરમીનો પારો ઘટ્યો
અમદાવાદ શહેરમાં આજે મુખ્યત્વે ચોખ્ખું આકાશ રહેવાની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન અંદાજે 42°Cની આસપાસ રહે તેવી આગાહી કરવામાં આવી છે. ગતરોજ સવારે 8:30 કલાકે ભેજનું પ્રમાણ 67 ટકા નોંધાયું હતું, જ્યારે સાંજે 5:30 કલાકે તે ઘટીને 20 ટકા સુધી પહોંચી ગયું હતું.
હવામાન વિભાગના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં અમદાવાદના તાપમાનમાં લગભગ બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. તેમ છતાં દિવસ દરમિયાન તીવ્ર ગરમી અને બાફારો યથાવત્ રહેવાની શક્યતા છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બદલાયું વાતાવરણ
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર હાલમાં રાજ્ય પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બન્યું છે. જેના કારણે પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે અને તેના કારણે તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાઈ રહ્યો છે.
તેમણે જણાવ્યું કે આગામી 24 કલાક બાદ રાજ્યના તાપમાનમાં વધુ 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. જોકે ગરમીનો પ્રકોપ સંપૂર્ણપણે ઓછો થશે નહીં અને દિવસ દરમિયાન ઊંચું તાપમાન યથાવત્ રહી શકે છે.
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યેલો એલર્ટ સાથે હીટવેવની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. હવે પવનની દિશામાં બદલાવ આવતા ગરમીમાં થોડી રાહત મળી રહી છે.
મહેસાણાની વિસનગર APMCમાં કપાસની વધી આવક: 7 વર્ષ બાદ ભાવ રૂ.2000ને પાર, ખેડૂતોમાં ખુશી
ચોમાસાને લઈને મહત્વપૂર્ણ અપડેટ
હવામાન વિભાગ મુજબ દક્ષિણ-પશ્ચિમ નૈઋત્ય ચોમાસું આગામી 26 મે, 2026ની આસપાસ કેરળમાં બેસે તેવી સંભાવના છે. જોકે મોડેલ અનુમાન મુજબ તેમાં ચાર દિવસ સુધીનો ફેરફાર શક્ય છે.
આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર અને આંદામાન-નિકોબાર ટાપુઓના કેટલાક વિસ્તારોમાં ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. જેના કારણે દેશભરમાં ચોમાસાની ગતિ પર હવે હવામાન વિભાગની ખાસ નજર છે.






