બનાસકાંઠા જિલ્લામાં પાર્ક કરેલી ફોર વ્હીલર ગાડીઓના કાચ તોડી રોકડ અને કિંમતી સામાનની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો ભાંડો ફૂટ્યો છે. બનાસકાંઠાની LCB દ્વારા લાંબા સમયથી ચાલી રહેલી તપાસ બાદ છારા ગેંગના 2 મુખ્ય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે અન્ય આરોપીઓ હજુ ફરાર છે. આ આરોપીઓ ફ્લાઈટ મારફતે દેશના વિવિધ મોટા શહેરોમાં જઈ ગુનાઓ આચરતા હતા અને ફરી વિમાન દ્વારા પરત ફરતા હતા. પોલીસના જણાવ્યા મુજબ આ ગેંગ અત્યંત આયોજન બદ્ધ રીતે કામ કરતી હતી અને ખાસ કરીને ધાર્મિક સ્થળો અને ભીડભાડવાળા વિસ્તારોને નિશાન બનાવતી હતી.
CCTV અને ટેક્નિકલ સર્વેલન્સથી ભેદ ઉકેલાયો
છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠા જિલ્લામાં પાર્ક કરેલી ગાડીઓના કાચ તોડી ચોરીની ઘટનાઓ સતત વધી રહી હતી. આ કેસોની ગંભીરતા ધ્યાનમાં લઈને LCBએ અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પાલનપુર સહિતના વિસ્તારોનાં CCTV ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને માનવ સૂત્રોની મદદથી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી. પોલીસે આરોપીઓના મૂવમેન્ટ, મુસાફરીની પેટર્ન અને ગુનાખોરીની મોડસ ઓપરંડીને ધ્યાનમાં રાખીને પ્લાન તૈયાર કરાયો હતો.
આ પણ વાંચો: દેવભૂમિ દ્વારકામાં દરિયાકાંઠેથી લાખોનું ચરસ જપ્ત : SOG ની પેટ્રોલિંગ દરમિયાન મોટી કાર્યવાહી
અમદાવાદથી સંચાલિત ગેંગ
પકડાયેલા આરોપીઓમાં સતીશ લાલજી સરફલી ઈન્દર (છારા) જે અમદાવાદનાં અમરાઈવાડી વિસ્તારનો રહેવાસી અને નકુલ રાજુભાઈ માઈચર (છારા), જે અમદાવાદનાં મણીનગર વિસ્તારનો રહેવાસી છે. આ સિવાયના પારસ ઉર્ફે મુકુલ અબ્દુલભાઈ ગરડે અને જયંતી નારણ દેવલાવાળા નામના આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ અમદાવાદના કુખ્યાત છારા નેટવર્ક સાથે સંકળાયેલી છે.
આરોપીઓ ફ્લાઈટથી દિલ્હી, મુંબઈ અને કોલકાતા જેવા શહેરોમાં પહોંચતા હતા. ત્યાં તેઓ ધાર્મિક સ્થળો અને ભીડવાળા વિસ્તારોમાં પાર્ક કરેલી કારોની રેકી કરતા હતા. યોગ્ય તક મળતા જ ગાડીઓના કાચ તોડી અંદરથી રોકડ અને કિંમતી સામાન ચોરી લેતા હતા. ગુનો કર્યા બાદ તેઓ તરત જ ફ્લાઈટ પકડી અમદાવાદ પરત ફરી જતા હતા જેથી તેમની ઓળખ અને ટ્રેકિંગ મુશ્કેલ બની જાય.
લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ઉપયોગમાં લેવાતી રૂપિયા 1 લાખ 30 હજારની બાઈક, રોકડ રૂપિયા 1 લાખ 90 હજાર મળી કુલ રૂપિયા 3 લાખ 20 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં ગુજરાત ઉપરાંત દિલ્હી, મુંબઈ, કલકત્તા સહિત અનેક શહેરોમાં 25થી વધુ ગુનાઓ આચર્યા હોવાની વિગતો સામે આવી છે. માત્ર બનાસકાંઠા જિલ્લામાં જ વડગામ અને દાંતા સહિતના વિસ્તારોમાં નોંધાયેલા 4 ગુનાઓનો પણ ભેદ ઉકેલાયો છે.
આ પણ વાંચો: સુરતના લિંબાયતમાં જાહેરમાં થયેલી હત્યાનો ઉકેલાયો ભેદ : 3 આરોપી ઝડપાયા, જાણો આરોપીઓએ કેમ કરી હતી હત્યા
અગાઉનો ગુનાહિત ઈતિહાસ
પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ અનેક પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા છે. આ ગેંગ લાંબા સમયથી અલગ-અલગ રાજ્યોમાં સક્રિય હતી અને તેમની કામગીરી ખૂબ જ સુવ્યવસ્થિત હતી. હાલમાં એલસીબી દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ અન્ય રાજ્યોની પોલીસ સાથે પણ સંપર્ક સાધીને ગેંગના વિસ્તૃત નેટવર્કને ભેદવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.





