Home Gujarat Gujarat Cng Price Hike Adani Gas May 2026

ગુજરાતમાં વાહનચાલકોને 'દાઝ્યા પર ડામ'! : ગુજરાત ગેસ બાદ અદાણીએ પણ CNG ના ભાવ વધાર્યા

અદાણી
Image Credit: Google
Published by: Chintan Chavda
Last Updated: May 16, 2026, 10:12 AM IST

ગુજરાતના લાખો વાહનચાલકો માટે ફરી એકવાર મોંઘવારીના માઠા સમાચાર સામે આવ્યા છે. Adani Total Gas Limited દ્વારા કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ના ભાવમાં પ્રતિ કિલો ₹2.24 નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. નવી કિંમતો આજથી એટલે કે 16 મે થી અમલમાં આવી ગઈ છે. નવા વધારા બાદ હવે અદાણી CNGનો ભાવ પ્રતિ કિલો ₹86.10 સુધી પહોંચી ગયો છે, જેના કારણે રોજિંદા વાહનચાલકો અને મધ્યમ વર્ગના પરિવારોના માસિક ખર્ચમાં વધારો થવાની શક્યતા છે.

છેલ્લા કેટલાક મહિનાથી સીએનજીના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આ પહેલા 4 એપ્રિલે પણ પ્રતિ કિલો ₹1.50નો વધારો કરવામાં આવ્યો હતો. એટલે કે માત્ર દોઢ મહિનાના ગાળામાં કુલ ₹3.74 જેટલો વધારો થતાં સીએનજી હવે “સસ્તું વિકલ્પ” રહેતું નથી એવી ચર્ચા શરૂ થઈ છે.

પેટ્રોલ-ડીઝલથી બચવા CNG અપનાવનારાઓ હવે ચિંતામાં

એક સમય એવો હતો જ્યારે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ સામે સીએનજી વાહનચાલકો માટે સૌથી સસ્તું અને બચતભર્યું ઇંધણ ગણાતું હતું. ખાસ કરીને શહેરોમાં રિક્ષા, ટેક્સી, કેબ અને પ્રાઇવેટ કાર માલિકો મોટી સંખ્યામાં સીએનજી તરફ વળ્યા હતા. પરંતુ સતત ભાવવધારાના કારણે હવે આ વર્ગ ફરી આર્થિક દબાણ અનુભવી રહ્યો છે.

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને અન્ય શહેરોમાં રોજ લાંબા અંતરે મુસાફરી કરતા લોકો માટે દર મહિને ઇંધણ ખર્ચમાં સીધી અસર પડશે. સરેરાશ દરરોજ 8 થી 10 કિલો સીએનજી વાપરતા રિક્ષા અથવા ટેક્સી ચાલકોને હવે માસિક હજારો રૂપિયાનો વધારાનો બોજ સહન કરવો પડી શકે છે.

રિક્ષા-ટેક્સી અને સ્કૂલ વાન ચાલકો પર સૌથી મોટી અસર

સીએનજીના ભાવમાં વધારો થતાં સૌથી વધુ અસર રોજિંદી આવક પર આધારિત વાહનચાલકો પર પડશે. રિક્ષાચાલકો અને ટેક્સી ડ્રાઇવરો માટે ઇંધણ ખર્ચ તેમના દૈનિક ખર્ચનો સૌથી મોટો ભાગ હોય છે. હવે વધેલા ભાવને કારણે ભાડાં વધારવાની માંગ પણ ઊભી થઈ શકે છે.

આ ઉપરાંત સ્કૂલ વાન સંચાલકો પર પણ સીધી અસર પડશે. જો સીએનજીના ભાવમાં સતત વધારો ચાલુ રહેશે તો આગામી શૈક્ષણિક સત્રમાં સ્કૂલ વાનના ભાડામાં વધારો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. તેનો સીધો બોજ વાલીઓ અને મધ્યમ વર્ગના પરિવારો પર પડશે.
વડોદરાવાસીઓ ખાસ ધ્યાન આપો: 15 દિવસ માટે શહેરના આ વ્યસ્ત ઓવરબ્રિજ ‘સંપૂર્ણ બંધ’, પાલિકાએ જાહેર કર્યું મોટું ડાયવર્ઝન

મધ્યમ વર્ગનું માસિક બજેટ ખોરવાયું

ઘણા પરિવારોમાં નોકરી-ધંધા માટે દરરોજ અપ-ડાઉન કરવું અનિવાર્ય બન્યું છે. આવા સમયમાં ઇંધણના વધતા ભાવ ઘરખર્ચનું સંતુલન બગાડી શકે છે. છેલ્લા કેટલાક મહિનાથી શાકભાજી, દૂધ, વીજળી અને અન્ય જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. હવે સીએનજીના નવા વધારાએ મધ્યમ વર્ગની ચિંતા વધુ વધારી છે.

ખાસ કરીને જે લોકો EMI, સ્કૂલ ફી અને ઘરખર્ચ વચ્ચે સંતુલન જાળવી રહ્યા છે, તેમના માટે વાહન ખર્ચમાં વધારાનો અર્થ માસિક બચતમાં ઘટાડો થવાનો છે.

કેમ વધી રહ્યા છે CNG ના ભાવ?

ગેસ કંપનીઓ સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય ગેસ બજાર, આયાત ખર્ચ, ડોલર સામે રૂપિયાની સ્થિતિ અને સપ્લાય ખર્ચને આધારે કિંમતોમાં ફેરફાર કરતી હોય છે. છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક ઊર્જા બજારમાં અસ્થિરતા અને આયાત ખર્ચ વધતા સ્થાનિક બજારમાં પણ તેની અસર જોવા મળી રહી છે.

જોકે ગ્રાહકોમાં એવી પણ માંગ ઉઠી રહી છે કે સામાન્ય જનતાને રાહત આપવા માટે સરકાર અને ગેસ કંપનીઓએ ભાવ નિયંત્રણ અંગે વિચારવું જોઈએ.
ગુજરાત ગેસે CNGના ભાવમાં કર્યો વધારો: જાણો પ્રતિ કિલોએ થયો કેટલો વધારો, શું થશે અસર

આગામી સમયમાં વધુ વધારો થશે?

વર્તમાન પરિસ્થિતિ જોતા વાહનચાલકોમાં એક જ પ્રશ્ન છે કે શું આગામી મહિનાઓમાં પણ સીએનજીના ભાવ વધતા રહેશે? હાલ તો કંપની તરફથી વધુ વધારાને લઈને કોઈ સત્તાવાર સંકેત આપવામાં આવ્યા નથી, પરંતુ સતત વધતા ભાવોને કારણે લોકોમાં અનિશ્ચિતતા વધી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now