ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐયરે બીસીસીઆઈને પત્ર લખીને રેડ-બોલ ક્રિકેટ (ટેસ્ટ ફોર્મેટ)માંથી વિરામ લેવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેઓ લાંબા સમયથી કમરના દુખાવાથી પરેશાન છે અને આરોગ્ય માટે લાંબી સારવારની જરૂરિયાત જણાવી છે.
ઐયરને તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ માટે ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ બીજી બિનસત્તાવાર ટેસ્ટ પહેલા જ તેઓ સિરીઝમાંથી ખસી ગયા. તેમના સ્થાને ધ્રુવ જુરેેલે ટીમની કમાન સંભાળી છે.
પસંદગીકારો સાથે ચર્ચા પછીનો નિર્ણય
સૂત્રો અનુસાર, ઐયરે સિલેક્શન કમિટીના અધ્યક્ષ અજિત અગરકર અને અન્ય પસંદગીકારો સાથે ચર્ચા કર્યા બાદ બોર્ડને ઈમેઇલ દ્વારા ઔપચારિક રીતે વિરામ અંગે જાણ કરી. ઐયરે કહ્યું કે રણજી ટ્રોફીમાં તેઓ ઓવરો વચ્ચે આરામ મેળવી શકતા હતા, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે અથવા ભારત માટે રમતી વખતે તે શક્ય નથી. આથી, તેઓએ લાંબા ફોર્મેટમાંથી થોડો સમય વિરામ લેવાનો નિર્ણય કર્યો છે.
ભવિષ્ય અંગે અનિશ્ચિતતા
ઐયરે બોર્ડને એ પણ જણાવ્યું છે કે તે ભવિષ્યમાં ફિઝિયો અને ટ્રેનરની સલાહ લઈને જ પોતાના કરિયર અંગે નિર્ણય લેશે. આ પહેલી વાર નથી કે તેમને પીઠની સમસ્યાએ પરેશાન કર્યા હોય. ગયા વર્ષે પણ તેઓ આ ઈજાને કારણે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર રહ્યા હતા.
ઐયરના આ પગલાને કારણે હવે તેમના ટેસ્ટ કરિયર અંગે સવાલો ઉઠવા લાગ્યા છે, કારણ કે સૂત્રોના જણાવ્યા મુજબ તેઓ કદાચ ભવિષ્યમાં રેડ-બોલ ક્રિકેટ ન રમવાનો મન બનાવી રહ્યા છે.