CSK : IPL 2026 માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે રમી રહેલા સંજુ સેમસનનું ફોર્મ હાલ ચિંતાનો વિષય બન્યું છે. શરૂઆતની મેચોમાં સસ્તામાં આઉટ થવાને કારણે સોશિયલ મીડિયા પર તેની ટીકા થઈ રહી છે. જોકે, આ મુશ્કેલ સમયમાં ટીમના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે સંજુ સેમસન પર એક નિવેદન આપ્યું છે, જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
કોચનું સૂચક નિવેદન
CSK ના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે સ્પષ્ટ કર્યું છે કે, 'તે દરેક મેચમાં રન બનાવી શકતો નથી. આ T20 ક્રિકેટ છે. પંજાબ સામે તે કેચ આઉટ થયો હતો. પરંતુ તે સારા ફોર્મમાં છે, પ્રેક્ટિસ પણ શાનદાર કરી રહ્યો છે. જ્યારે તે ફોર્મમાં આવે છે, ત્યારે તે મેચ વિનર સાબિત થાય છે. માત્ર બે ઇનિંગ્સથી કોઈ ખેલાડીને જજ કરી શકાય નહીં.'
શરૂઆતની મેચોમાં પ્રદર્શન
CSK માટેની ડેબ્યૂ સિઝન સંજુ સેમસન માટે અત્યાર સુધી ખાસ રહી નથી. સંજુ સેમસનને પ્રથમ બે મેચમાં અનુક્રમે 6 અને 7 રન જ બનાવ્યા છે. તેની પૂર્વ ટીમ રાજસ્થાન રોયલ્સ સામે તે નાન્દ્રે બર્ગરનો શિકાર બન્યો હતો, જ્યારે પંજાબ સામેની મેચમાં ઝેવિયર બાર્ટલેટના બોલ પર આઉટ થયો હતો. T20 વર્લ્ડ કપ 2026 ના શાનદાર ફોર્મ પછી IPL માં તેની આવી શરૂઆત આશ્ચર્યજનક છે.
કેપ્ટન ગાયકવાડ પણ સંઘર્ષમાં
માત્ર સંજુ સેમસન જ નહીં, પરંતુ CSK ના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ પણ રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. ઋતુરાજ ગાયકવાડ રાજસ્થાન સામે માત્ર 6 રન બનાવીને આઉટ થયો જ્યારે પંજાબ સામે 28 રન બનાવી આઉટ થયો હતો. ટીમના બંને મુખ્ય બેટ્સમેનોનું ફોર્મમાં ન હોવું એ ચેન્નાઈ માટે ચિંતાનો વિષય છે.
યુવા બેટર આયુષનો દબદબો
જ્યાં સિનિયર ખેલાડીઓ ફ્લોપ રહ્યા છે, ત્યાં યુવા બેટર આયુષ મ્હાત્રેએ શાનદાર પ્રદર્શન કર્યું છે. પ્રથમ મેચમાં શૂન્ય પર આઉટ થયા બાદ, આયુષે પંજાબ સામે જબરદસ્ત કમબેક કર્યું અને 43 બોલમાં 73 રન ફટકારી દીધા હતા. તેની આ ઈનિંગમાં 6 ચોગ્ગા અને 5 ગગનચુંબી છગ્ગા સામેલ હતા.
આ પણ ખાસ વાંચો : CSK એ 19 વર્ષમાં પહેલીવાર લીધો આ નિર્ણય! : MS Dhoni ની ગેરહાજરીમાં બનાવ્યો આ અનોખો રેકોર્ડ
આગામી મેચ RCB સામે
હવે CSK ની આગામી મેચ આવતીકાલે 5 એપ્રિલે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB સામે રમાવવાની છે. RCB નું નેતૃત્વ રજત પાટીદાર કરી રહ્યો છે. સંજુ સેમસન માટે આ મેચ ખૂબ મહત્વની છે કારણ કે, બેંગલુરુ સામે તેનો ટ્રેક રેકોર્ડ મિશ્ર રહ્યો છે. જો સંજુ આ મેચમાં મોટી ઈનિંગ રમે છે, તો સંજુ સેમસન ટીકાકારોના મોઢા બંધ કરી દેશે.





