CSK vs PBKS : IPL 2026 ની રોમાંચક સફરમાં આજે સિઝનની સાતમી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને પંજાબ કિંગ્સ (PBKS) એકબીજા સામે ટકરાશે. આ મેચ ચેન્નઈના પ્રતિષ્ઠિત MA ચિદમ્બરમ સ્ટેડિયમ એટલે કે ચેપોક ખાતે રમાવાની છે. જ્યાં એક તરફ પંજાબ પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે, ત્યાં બીજી તરફ ચેન્નઈ પોતાની પહેલી જીતની શોધમાં મેદાનમાં ઉતરશે.
ચેપોકમાં પંજાબનો દબદબો
ઐતિહાસિક રીતે જોઈએ, તો ચેપોક સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. અહીં બંને ટીમો વચ્ચે રમાયેલી 9 મેચોમાંથી પંજાબ 5-4 ની લીડથી આગળ છે. ખાસ કરીને 2019 પછી રમાયેલી છેલ્લી ત્રણેય મેચમાં પંજાબે ચેન્નઈના જ હોમ ગ્રાઉન્ડ પર જીત મેળવી છે.
ટીમનું હાલનું પરફોર્મન્સ
પંજાબ કિંગ્સે આ સિઝનની શરૂઆત શાનદાર રીતે કરી છે, જેમાં તેમણે ગુજરાત ટાઇટન્સને હરાવીને આત્મવિશ્વાસ મેળવ્યો છે. તેનાથી વિપરીત, ચેન્નઈ સુપર કિંગ્સને તેમની છેલ્લી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે રુતુરાજ ગાયકવાડની ટીમ પર દબાણ રહેશે.
સ્ટાર ખેલાડીઓની ગેરહાજરી
ચેન્નઈના ચાહકો માટે માઠા સમાચાર એ છે કે, દિગ્ગજ ખેલાડી એમએસ ધોની અને ડેવાલ્ડ બ્રેવિસ આ મેચમાં પણ રમી શકશે નહીં. ધોની હાલમાં સ્નાયુ ખેંચાવાને કારણે રિહેબમાં છે, જ્યારે બ્રેવિસ સાઈડ સ્ટ્રેનથી પીડાઈ રહ્યો છે. આ બંને ખેલાડીઓ આગામી 2-3 મેચો માટે બહાર રહે તેવી શક્યતા છે.
પંજાબના કી-પ્લેયર્સ
પંજાબ માટે કૂપર કોનેલી ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ રહ્યો છે, જેને છેલ્લી મેચમાં શાનદાર 72 રન બનાવ્યા હતા. બોલિંગમાં યુઝવેન્દ્ર ચહલ અને વિજયકુમાર વૈશાખની જોડી ચેન્નઈના બેટ્સમેનો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.
આ પણ ખાસ વાંચો : શું ખાઈને મેદાનમાં બેટિંગ કરવા ઉતર્યો હતો વૈભવ સૂર્યવંશી? : CSK સામેની ધમાકેદાર ઇનિંગ પછી પોતે જ કર્યો ખુલાસો
ચેન્નઈનો પડકાર
CSK માટે સંજુ સેમસન અને સરફરાઝ ખાનનું ફોર્મ ચિંતાનો વિષય છે. છેલ્લી મેચમાં બોલિંગમાં પણ મેટ હેનરી અને નૂર અહેમદ મોંઘા સાબિત થયા હતા. હોમ ગ્રાઉન્ડ પર અંશુલ કંબોજ પાસેથી ટીમને ફરી સારા પ્રદર્શનની આશા રહેશે.
પીચ અને હવામાનનો મિજાજ
ચેપોકની પીચ હંમેશા સ્પિનરોની મદદગાર રહી છે. અહીં જેમ મેચ આગળ વધે તેમ બેટિંગ કરવી મુશ્કેલ બને છે. હવામાનની વાત કરીએ તો ચેન્નઈમાં કાળઝાળ ગરમી અને ભેજનું પ્રમાણ વધારે રહેશે, જોકે વરસાદની કોઈ શક્યતા નથી.





