FIFA World Cup 2026 : ફૂટબોલના ઇતિહાસમાં એક અનોખી અને ક્યારેય ન બનેલી ઘટના સામે આવી છે. ફિફા વર્લ્ડ કપમાં પેરાગ્વેના સ્ટાર ખેલાડી મિગુએલ અલ્મિરોનને એક એવા નિયમ હેઠળ મેદાનની બહાર મોકલવામાં આવ્યો છે, જે નિયમ હેઠળ અત્યાર સુધી કોઈ પણ ખેલાડીને સજા મળી નથી. અલ્મિરોન મેદાન પર વિરોધી ખેલાડી સાથે વાત કરતી વખતે પોતાનું મોં ઢાંકવા બદલ રેડ કાર્ડ મેળવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે.
મેચ દરમિયાન બનેલી ઘટના
કેલિફોર્નિયાના સાન્ટા ક્લેરામાં રમાઈ રહેલી વર્લ્ડ કપની ગ્રુપ D મેચમાં પેરાગ્વે અને તુર્કીની ટીમો સામસામે હતી. મેચના પ્રથમ હાફના સ્ટોપેજ સમય (વધારાના સમય) દરમિયાન પેરાગ્વેની ટીમ 1-0થી આગળ ચાલી રહી હતી. આ સમયે ભૂતપૂર્વ ન્યૂકેસલ ખેલાડી મિગુએલ અલ્મિરોન તુર્કીના ખેલાડી મેર્ટ મુલ્ડુર સામે કંઈક ટિપ્પણી કરી રહ્યો હતો અને તે દરમિયાન તેણે પોતાનું મોં હાથથી ઢાંકી દીધું હતું. આ ઘટના બાદ VAR (વિડીયો આસિસ્ટન્ટ રેફરી) દ્વારા સમીક્ષા કરવામાં આવી અને અલ્મિરોનને સીધું રેડ કાર્ડ આપીને મેદાનની બહાર મોકલી દેવાયો હતો.
આ પણ ખાસ વાંચો : કોણ છે ભારતીય મૂળની ઓસ્ટ્રેલિયન ક્રિકેટર Ira Aery? : શાનદાર પ્રદર્શનની સાથે સુંદરતાથી આ સુંદરીએ લોકોને મંત્રમુગ્ધ કર્યા
શું છે ફિફાનો આ નવો નિયમ?
ફિફા દ્વારા આ વર્ષે એપ્રિલ મહિનામાં જ એક નવા નિયમની જાહેરાત કરવામાં આવી હતી. આ નિયમ મુજબ, જો કોઈ ખેલાડી મેદાન પર વિરોધી ટીમના ખેલાડી સાથે બોલાચાલી અથવા મુકાબલા દરમિયાન પોતાનું મોં ઢાંકશે, તો તેને સીધું જ રેડ કાર્ડ આપવામાં આવશે. ફિફાના જણાવ્યા અનુસાર, વર્લ્ડ કપમાં આ નિયમ લાવવાનો મુખ્ય હેતુ ફૂટબોલમાંથી જાતિવાદ (રેસિઝમ) ને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો છે.
આ પણ ખાસ વાંચો : 60 વર્ષ પછી FIFAમાં તૂટ્યો આ ઐતિહાસિક રેકોર્ડ : માત્ર 26 વર્ષની ઉંમરે જોનાથન ડેવિડે કરી કમાલ
નવો નિયમ બનાવવાનું મુખ્ય કારણ
આ વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરી મહિનામાં ચેમ્પિયન્સ લીગની એક મેચ દરમિયાન મોટો વિવાદ થયો હતો. બેનફિકાના વિંગર ગિયાનલુકા પ્રેસ્ટિઆની પર આરોપ હતો કે તેણે રિયલ મેડ્રિડના સ્ટાર ખેલાડી વિનિસિયસ જુનિયર પર વંશીય ટિપ્પણી કરી હતી. જોકે પ્રેસ્ટિઆનીએ આ આરોપોને નકારી કાઢ્યા હતા, પરંતુ હોમોફોબિક વર્તન માટે તેના પર 6 મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, જેમાંથી 3 મેચ સસ્પેન્ડ રાખવામાં આવી હતી. આ વિવાદ બાદ જ ફિફાએ મોં ઢાંકવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો હતો જેથી ખેલાડીઓ શું બોલે છે તે સ્પષ્ટ જોઈ શકાય.
આ પણ ખાસ વાંચો : પોર્ટુગલનો હીરો જ ટીમ માટે બન્યો મોટો પ્રશ્ન... : 25 ટચ, 0 શોટ ઓન ટાર્ગેટ અને વધતી ટીકા વચ્ચે સંઘર્ષ કરતો રોનાલ્ડો
ફિફા પ્રમુખનું મોટું નિવેદન
ફિફાના પ્રમુખ ગિયાની ઇન્ફન્ટિનો આ નવા નિયમના ખૂબ મોટા સમર્થક રહ્યા છે. માર્ચ મહિનામાં આ નિયમ અંગે વાત કરતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, જો તમારી પાસે છુપાવવા માટે કંઈ નથી, તો તમે કંઈક બોલતી વખતે પોતાનું મોં કેમ છુપાવો છો? આ બાબત ખૂબ જ સરળ છે. આ નિયમ પાછળનો હેતુ મેદાન પર રમતની પારદર્શિતા જાળવી રાખવાનો છે.
મેદાન પર મચ્યો ભારે હોબાળો
અલ્મિરોનને અચાનક રેડ કાર્ડ બતાવવામાં આવતા જ મેદાન પર ભારે હોબાળો મચી ગયો હતો. પેરાગ્વેના સબસ્ટિટ્યુટ (વધારાના) ખેલાડીઓ દોડીને મેદાનની અંદર આવી ગયા હતા અને રેફરી સાથે દલીલ કરવા લાગ્યા હતા. મેદાન પર ખૂબ જ તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ ગઈ હતી કારણ કે કોઈ પણ સમજી શકતું ન હતું કે અલ્મિરોનને કઈ ભૂલ માટે મેદાનની બહાર મોકલવામાં આવી રહ્યો છે. આ નિર્ણયથી પેરાગ્વેની આખી ટીમ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી.





