CSK vs RR : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માં ફરી એકવાર એક નવો સિતારો ચમક્યો છે. માત્ર 15 વર્ષની ઉંમરે દિગ્ગજ બોલરોને હંફાવનાર વૈભવ સૂર્યવંશીએ પોતાની વિસ્ફોટક બેટિંગથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) જેવી મજબૂત ટીમ સામે તેને જે રીતે બેટિંગ કરી, તે જોઈને સોશિયલ મીડિયા પર તેની જ ચર્ચા થઈ રહી છે.
મેદાન પર મચાવ્યું તોફાન
રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા વૈભવ સૂર્યવંશીએ આ મેચમાં માત્ર 15 બોલમાં હાફ-સેન્ચુરી પૂરી કરી હતી. તેની આ આક્રમક ઇનિંગે આખા સ્ટેડિયમમાં બેઠેલા પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ચેન્નઈના મેટ હેનરી અને નૂર અહેમદ જેવા એક્સપિરિયન્સ ઇન્ટરનેશનલ બોલરો હતા, પરંતુ વૈભવની બેટિંગ આગળ કોઈનું કંઈ ચાલ્યું નહીં. વૈભવ સૂર્યવંશીએ ચારેબાજુ ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરીને ધૂમ મચાવી હતી.
જીતનું મજેદાર રહસ્ય
મેચ પૂરી થયા બાદ રાજસ્થાન રોયલ્સની ટીમ બસમાં એક ખૂબ જ રમુજી નજારો જોવા મળ્યો હતો. ટીમના સાથી ખેલાડી ધ્રુવ જુરેલે જ્યારે વૈભવની મજાક કરતા પૂછ્યું કે, તારી આ તોફાની ઇનિંગ પાછળનું રહસ્ય શું છે, ત્યારે વૈભવે હસતા હસતા જવાબ આપ્યો, "હું આજે રાજભોગ મીઠાઈ ખાઈને મેચમાં ગયો હતો." આ સાંભળીને આખી ટીમ હસવા લાગી હતી.
બર્થડે સેલિબ્રેશનનું જોરદાર બહાનું
વૈભવ સૂર્યવંશીએ મેચના 3 દિવસ પહેલા જ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. જોકે, તેને મેચ પછી પ્રેઝેન્ટેશનમાં જણાવ્યું કે, તે બર્થડે પર કેક કાપવાનું ટાળ્યું હતું. તેણે મજાકમાં કહ્યું કે, "મારે કેક કાપવી હતી, પણ હું જલ્દી ઊંઘી ગયો હતો જેથી કોઈ મારા મોઢા પર કેક ન લગાવી શકે." ખરેખર તો તેને મેદાન પર રનનો વરસાદ કરી પોતાની જાતને સૌથી મોટી બર્થડે ગિફ્ટ આપી છે.
ટીમની શાનદાર શરૂઆત
રાજસ્થાન રોયલ્સે આ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને આઠ વિકેટથી હરાવીને ટૂર્નામેન્ટમાં દમદાર શરૂઆત કરી છે. વૈભવની આ ઇનિંગને કારણે રાજસ્થાન માટે જીત મેળવવી ખૂબ જ સરળ બની ગઈ હતી. સોશિયલ મીડિયા પર ફેન્સ હવે તેને ભારતનો નવો સુપરસ્ટાર માની રહ્યા છે.





