Vaibhav Suryavanshi : દાંબુલાના મેદાન પર ભારત-A અને શ્રીલંકા-A વચ્ચે રમાયેલી ત્રિકોણીય સિરીઝની ચોથી મેચમાં ક્રિકેટ ચાહકોને હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. આ રોમાંચક મેચ ટાઈ થયા બાદ સુપર ઓવર સુધી ખેંચાઈ હતી, જેમાં ભારતની હાર થઈ હતી. પરંતુ મેચ પૂરી થતાં જ મેદાન પર ખેલાડીઓ વચ્ચે ખેલદિલીના બદલે ઉગ્ર વિવાદ જોવા મળ્યો હતો. ભારતીય ટીમના યુવા અને આક્રમક ઓપનર વૈભવ સૂર્યવંશીએ મેચ પૂરી થયા બાદ શ્રીલંકાના એક ખેલાડી સાથે ઉગ્ર ચર્ચા કરી હતી અને ગુસ્સામાં આવીને તેને જોરદાર ધક્કો મારી દીધો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ક્રિકેટ જગતમાં તેના વર્તનની ભારે ટીકા થઈ રહી છે.
મેદાન પર કેવી રીતે સર્જાયો હંગામો?
આ સમગ્ર વિવાદની શરૂઆત સુપર ઓવરના છેલ્લા બોલ પર થઈ હતી. શ્રીલંકા-Aના બોલર કુગાથાસ માથુલને એક પરફેક્ટ યોર્કર ફેંકીને ભારતીય બેટ્સમેનને ક્લીન બોલ્ડ કર્યો અને પોતાની ટીમને જીત અપાવી દીધી હતી. મેચ જીતતાની સાથે જ માથુલન અને શ્રીલંકાના અન્ય ખેલાડીઓએ મેદાન પર ખૂબ જ આક્રમક અંદાજમાં ઉજવણી કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે વિવાદનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી, પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે વૈભવ સૂર્યવંશી કાં તો માથુલનની ઉજવણી કરવાની રીતથી ખૂબ નારાજ હતો અથવા તો પેવેલિયન પરત ફરતી વખતે શ્રીલંકન ખેલાડીઓએ તેને કંઈક કહી દીધું હતું. આનાથી ગુસ્સે ભરાયેલા 15 વર્ષના વૈભવે શ્રીલંકાના ખેલાડીઓ સાથે ઉગ્ર દલીલો શરૂ કરી દીધી અને જોતજોતામાં મામલો એટલો વધી ગયો કે તેણે શ્રીલંકાના એક પ્લેયરને ધક્કો મારી દીધો હતો.
નિરોશન ડિકવેલાએ કરવો પડ્યો બચાવ
મેદાન પર જ્યારે બંને ટીમના ખેલાડીઓ વચ્ચે સ્થિતિ નિયંત્રણ બહાર જઈ રહી હતી, ત્યારે શ્રીલંકાના અનુભવી ખેલાડી નિરોશન ડિકવેલાએ તાત્કાલિક વચ્ચે પડવું પડ્યું હતું. ડિકવેલાએ દોડીને વૈભવ સૂર્યવંશીને પકડી લીધો અને શ્રીલંકન ખેલાડીઓથી તેને દૂર કર્યો હતો, જેથી મામલો વધુ ન બગડે. આ ઘટના બાદ જ્યારે બંને ટીમના ખેલાડીઓ પરંપરાગત રીતે એકબીજા સાથે હાથ મિલાવી રહ્યા હતા, ત્યારે પણ વૈભવના ચહેરા પર ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો અને તે ખુશ નહોતો. તે સતત કંઈક બોલી રહ્યો હતો, જેના કારણે ભારતીય ટીમના અન્ય સાથી ખેલાડીઓએ તેને પકડીને પેવેલિયન તરફ લઈ જવો પડ્યો હતો અને માંડ-માંડ શાંત પાડ્યો હતો. આ લાઈવ મેચ જોઈ રહેલા કોમેન્ટેટર્સે પણ ટિપ્પણી કરી હતી કે આટલી રોમાંચક મેચના અંતે આવા પ્રકારનું અણછાજતું વર્તન બિલકુલ યોગ્ય નથી.
77 વર્ષથી અતૂટ છે ભારતીય ક્રિકેટરનો આ મહારેકોર્ડ: સચિન-કોહલી પણ ન કરી શક્યા આ કારનામું...
સુપર ઓવર પહેલા અને પછીનો હાઈ વોલ્ટેજ ડ્રામા
આ મેચમાં માત્ર ખેલાડીઓ વચ્ચે જ નહીં, પરંતુ અમ્પાયરો સાથે પણ ભારે ડ્રામા જોવા મળ્યો હતો. જ્યારે મુખ્ય મેચ ટાઈ થઈ ત્યારે સાંજ ઘણી નમી ગઈ હતી અને અમ્પાયરોનું કહેવું હતું કે ઓછા પ્રકાશના કારણે હવે સુપર ઓવર રમાડવી શક્ય નથી. આ સાંભળીને ભારતીય કેપ્ટન તિલક વર્મા અમ્પાયરો સાથે બાખડી પડ્યો હતો અને લાંબી દલીલો કરી હતી, જેના કારણે આખરે અમ્પાયરોએ સુપર ઓવર કરાવવાનો નિર્ણય લેવો પડ્યો હતો. આ સિવાય સુપર ઓવર દરમિયાન પણ એક મોટી ભૂલ સામે આવી હતી, જેમાં અરશદ ખાનના ફુલટોસ બોલ પર શ્રીલંકન બેટ્સમેન કેચ આઉટ થયો અને ભારતીય ટીમ મેદાનની બહાર જવા લાગી હતી. પરંતુ જ્યારે ટીવી રિપ્લેમાં જોવામાં આવ્યું ત્યારે ખબર પડી કે એ બોલ બેટ્સમેનની કમરથી ઉપર હતો, જેથી અમ્પાયરે તેને નો-બોલ જાહેર કર્યો અને ભારતીય ફિલ્ડરોને ફરીથી મેદાન પર બોલાવીને છેલ્લો બોલ નખાવવો પડ્યો હતો.
પાકિસ્તાની ખેલાડીઓ સાથે પણ જૂના વિવાદોની કડી
વૈભવ સૂર્યવંશીનો આ આક્રમક અને ગુસ્સાવાળો અંદાજ ક્રિકેટના મેદાન પર કોઈ નવી વાત નથી, તે પહેલા પણ પાકિસ્તાન સામેની મેચોમાં ઘણી વખત વિવાદોમાં આવી ચૂક્યો છે. વર્ષ 2025ના અંડર-19 એશિયા કપની ફાઇનલમાં જ્યારે પાકિસ્તાને ભારતને 348 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો, ત્યારે વૈભવ માત્ર 26 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તે સમયે પાકિસ્તાની ફાસ્ટ બોલર અલી રઝાએ તેની વિકેટ લીધા બાદ વૈભવની સામે જઈને ખૂબ જ આક્રમક ઈશારાઓ કર્યા હતા, જેના જવાબમાં વૈભવે ગુસ્સામાં આવીને પોતાના શૂઝ (બૂટ) તરફ ઈશારો કરીને પાકિસ્તાની બોલરને નીચો દેખાડવાનો પ્રયાસ કર્યો હતો. આ સિવાય 2026ના અંડર-19 વર્લ્ડ કપની સુપર સિક્સ મેચમાં પણ જ્યારે ભારતીય બોલર વિહાન મલ્હોત્રાએ પાકિસ્તાનના અલી હસનની વિકેટ લીધી, ત્યારે વૈભવ પાકિસ્તાની બેટ્સમેનની સામે જઈને ઉગ્ર ઉજવણી કરવા લાગ્યો હતો અને મામલો એટલો ગરમ થઈ ગયો હતો કે વિહાન મલ્હોત્રાએ પોતે દોડીને વૈભવને પાછળ ખેંચવો પડ્યો હતો.
ટીમ ઈન્ડિયામાં સિલેક્શન બાદ ફોર્મમાં કડાકો
રાજસ્થાન રોયલ્સ તરફથી IPLમાં ધમાકેદાર પ્રદર્શન કર્યા બાદ વૈભવ સૂર્યવંશીને પહેલીવાર ભારતની સીનિયર T20 ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. તેને આગામી આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસ તેમજ એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. પરંતુ આ મોટી જાહેરાત બાદથી જ વૈભવનું ફોર્મ અચાનક ગાયબ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે અને તે રન બનાવવા માટે સતત સંઘર્ષ કરી રહ્યો છે. શ્રીલંકામાં રમાઈ રહેલી આ ત્રિકોણીય સિરીઝની 3 મેચોમાં તે માત્ર 79 રન જ બનાવી શક્યો છે, જેમાં તેની ઇનિંગ્સ 14, 44 અને 21 રનની રહી છે. આ મહત્વની મેચમાં પણ તે માત્ર 14 બોલમાં 21 રન બનાવીને ખૂબ જ સસ્તામાં આઉટ થઈ ગયો હતો, જે ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય છે.
માર્ચમાં ફ્રાન્સનો કેપ્ટન, જૂનમાં મોરોક્કોનો હીરો!: માત્ર 18 વર્ષની ઉંમરે 100 મેચનો અનુભવ, બ્રાઝિલ સામે બતાવ્યો ક્લાસ
સચિન તેંડુલકરનો ઐતિહાસિક રેકોર્ડ તૂટવાના આરે
માત્ર 15 વર્ષની નાની ઉંમરે ક્રિકેટની દુનિયામાં સન્સેશન બનેલો વૈભવ સૂર્યવંશી ટૂંક સમયમાં જ એક એવો ઈતિહાસ રચવા જઈ રહ્યો છે જે આજ સુધી કોઈ કરી શક્યું નથી. જો તે જૂન કે જુલાઈ મહિનામાં આયર્લેન્ડ અથવા ઈંગ્લેન્ડ સામેની મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થશે અને પોતાનું ડેબ્યૂ કરશે, તો તે ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારો સૌથી નાની ઉંમરનો પુરુષ ક્રિકેટર બની જશે. આ સાથે જ તે ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખશે. સચિન તેંડુલકરે વર્ષ 1989માં પાકિસ્તાન સામે જ્યારે ડેબ્યૂ કર્યું ત્યારે તેમની ઉંમર 16 વર્ષ અને 205 દિવસની હતી, જ્યારે વૈભવ માત્ર 15 વર્ષની ઉંમરે જ આ સિદ્ધિ મેળવી લેશે.
IPLમાં ક્રિસ ગેલનો રેકોર્ડ તોડનાર ખેલાડી
વૈભવ સૂર્યવંશીએ હાલમાં જ પૂરી થયેલી IPL સિઝનમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. તેણે 16 ઇનિંગ્સમાં 237.30ના અવિશ્વસનીય સ્ટ્રાઇક રેટથી કુલ 776 રન બનાવ્યા હતા અને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવીને 'ઓરેન્જ કેપ' પોતાના નામે કરી હતી. તેના આ શાનદાર પ્રદર્શન માટે તેને 'મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર' (MVP) અને 'ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન' નો એવોર્ડ પણ મળ્યો હતો. આ સિઝનમાં વૈભવે કુલ 72 સિક્સર ફટકારી હતી, જેની સાથે જ તેને ક્રિસ ગેલના વર્ષ 2012ના 59 સિક્સરના ઐતિહાસિક રેકોર્ડને પણ ધ્વસ્ત કરી દીધો હતો. આ સિવાય આ વર્ષની શરૂઆતમાં અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ઈંગ્લેન્ડ સામે 175 રનની તોફાની ઇનિંગ રમીને તેણે ભારતને વર્લ્ડ કપ જીતાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. વૈભવનું કહેવું છે કે તે માત્ર ટીમમાં રહેવા નથી માંગતો પરંતુ આગામી 10થી 20 વર્ષ સુધી વૈશ્વિક ક્રિકેટ પર રાજ કરવા માંગે છે.





