Avani Chavda : ગુજરાતના બોટાદ શહેરની એક સામાન્ય મધ્યમ વર્ગની દીકરીએ ક્રિકેટના મેદાન પર ઈતિહાસ રચી દીધો છે. બોટાદની પ્રતિભાશાળી ક્રિકેટર અવની ચાવડાની BCCI દ્વારા ભારતીય અંડર-19 મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ મેળવ્યા બાદ અવની આગામી 22 જૂનના રોજ શ્રીલંકા ખાતે યોજાનારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોમાં ભારતીય ટીમ વતી રમવા માટે રવાના થશે. સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી પસંદગી પામનાર તે એકમાત્ર ખેલાડી છે, જેના કારણે તેના પરિવાર સહિત સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છે.
બોટાદ અને સૌરાષ્ટ્ર માટે ઐતિહાસિક ક્ષણ
મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતી અવની ચાવડાએ સાબિત કરી દીધું છે કે જો મનમાં અડગ વિશ્વાસ અને મહેનત કરવાની તૈયારી હોય તો કોઈ પણ મુકામ હાસલ કરી શકાય છે. અવનીએ પોતાના અભ્યાસની સાથે-સાથે રમતગમત પ્રત્યેના સમર્પણને ક્યારેય ઓછું થવા દીધું નથી. સતત ગ્રાઉન્ડ પર પરસેવો વહાવીને તેણે આજે આ મોટું સ્થાન મેળવ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અંડર-19 મહિલા ટીમ માટે માત્ર અવનીની જ પસંદગી થઈ છે, જે તેની અદ્ભુત રમત અને કૌશલ્યની સાબિતી આપે છે.
પાકિસ્તાન સામે ભારતીય ટીમનો શાનદાર વિજય: સ્મૃતિ મંધાનાની ધમાકેદાર અડધી સદી અને દીપ્તિ શર્માની 5 વિકેટનો કમાલ
આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનું નામ રોશન કરશે
અવનીની આ આંતરરાષ્ટ્રીય સ્તરે પસંદગી થતાં જ તેના સગા-સંબંધીઓ, મિત્રો અને રમતપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ખુશીના અવસરે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા દ્વારા પણ અવની ચાવડાને પુષ્પગુચ્છ આપીને વિશેષ સન્માનિત કરવામાં આવી હતી અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આગામી 22 જૂનના રોજ શ્રીલંકાના મેદાન પર અવની ભારતીય અંડર-19 મહિલા ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરીને બોટાદ અને ભારત દેશનું નામ રોશન કરવા જઈ રહી છે. તેની આ સફર અન્ય અનેક દીકરીઓ માટે પ્રેરણારૂપ બનશે.
FIFA World Cup 2026: 36 વર્ષ બાદ સ્કોટલેન્ડની ઐતિહાસિક વાપસી! હૈતીને 1-0થી હરાવી જોન મેકગિને લખ્યો નવો ઈતિહાસ
કોચ કિરણ સોલંકી અને પરિવારનો અનમોલ સાથ
પોતાની આ મોટી સફળતા પાછળ અવનીએ તેના પરિવાર અને કોચના અથાણ સહયોગને મુખ્ય કારણ ગણાવ્યું છે. અવનીના કોચ કિરણ સોલંકીએ જણાવ્યું હતું કે તેઓ શરૂઆતથી જ અવનીની ક્રિકેટ રમવાની શૈલી અને તેની મહેનતથી ખૂબ પ્રભાવિત હતા. ગ્રાઉન્ડ પર તેની શાનદાર બોલિંગ જોઈને કોચને પૂરો વિશ્વાસ હતો કે અવની એક દિવસ ચોક્કસ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચશે. આજે દીકરીને આ મુકામ પર જોઈને મધ્યમ વર્ગના પરિવારની આંખોમાં ખુશીના આંસુ છે અને આખો જિલ્લો ગર્વ અનુભવી રહ્યો છે.






