અમદાવાદ ગ્રામ્ય પોલીસને પ્રોહિબિશન મુદ્દે મોટી સફળતા મળી છે. અમદાવાદ Local Crime Branch દ્વારા સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કાર્યવાહી દરમિયાન એક ટોયોટા ફોર્ચ્યુનર કારમાંથી કુલ ₹23.74 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ કાર્યવાહી રાજ્યમાં દારૂની હેરાફેરી અને ગેરકાયદેસર વેચાણ સામે ચલાવવામાં આવતી ઝુંબેશના ભાગરૂપે કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રાકશ જાટ દ્વારા જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓ સામે કડક અને પરિણામલક્ષી કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.
ચોક્કસ બાતમીના આધારે ગોઠવાઈ નાકાબંધી
આ કામગીરી દરમિયાન એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. કરમતીયા ના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો દ્વારા પ્રોહિબિશન વિરોધી અભિયાન હાથ ધરાયું હતું. તપાસ દરમિયાન હેડ કોન્સ્ટેબલ અનુપસિંહ સોલંકીઅને દિલાવરસિંહ વાઘેલા ને ચોક્કસ બાતમી મળી હતી કે થોળ તરફથી એક ટોયોટા ફોર્ચ્યુનર કારમાં દારૂનો જથ્થો ભરાઈને આવી રહ્યો છે. 0આ બાતમીના આધારે પોલીસે સાણંદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિધરાડ રેલવે ક્રોસિંગ બ્રિજ પાસે નાકાબંધી ગોઠવી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ ફોર્ચ્યુનર કાર નંબર GJ-23-CB-7473 ને અટકાવી તપાસ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: અમદાવાદ LCB ની મોટી કાર્યવાહી : 12 પશુચોરી કેસનો આરોપી ઝડપાયો
4368 બોટલો સાથે લાખોનો મુદ્દામાલ ઝડપાયો
પોલીસ તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 4368 નાની-મોટી બોટલો મળી આવી હતી. આ દારૂની કિંમત અંદાજે ₹5,64,240 હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. તે ઉપરાંત વાહન સહિતનો કુલ મુદ્દામાલ ₹23,74,590નો હોવાનું સામે આવ્યું છે. પોલીસે સમગ્ર જથ્થો કબ્જે કરીને વાહન પણ જપ્ત કર્યું છે. આ મામલે નરપતકુમાર રબારી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી મૂળ રાજસ્થાન રાજ્યના જાલોર જિલ્લાના સાંચોર તાલુકાના અરણાય ગામનો રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ‘મ્યુલ હંટ 2.0’ હેઠળ મોટી કાર્યવાહી : ₹631 કરોડથી વધુના સાયબર ફ્રોડ કેસમાં 13 આરોપીની ધરપકડ
સાણંદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો
આ સમગ્ર મામલે સાણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેમજ તેનો સપ્લાય ક્યાં થવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ કેસમાં અન્ય વ્યક્તિઓ અથવા હેરાફેરીના મોટા નેટવર્કની સંડોવણી હોવાની શક્યતા પણ તપાસ હેઠળ છે.
આ પણ વાંચો: અમદાવાદમાં RBI કરન્સી ચેસ્ટમાંથી ₹8.70 કરોડની ચોરી! : મુખ્ય આરોપી ઝડપાયો, ચોરીની રીત સાંભળીને પોલીસ પણ ચોંકી
રાજ્યમાં દારૂ હેરાફેરી સામે સતત અભિયાન
ગુજરાતમાં દારૂબંધી કાયદો અમલમાં હોવા છતાં સમયાંતરે અલગ અલગ જિલ્લાઓમાંથી દારૂ હેરાફેરીના કેસો સામે આવતા રહે છે. ખાસ કરીને હાઈવે અને આંતરરાજ્ય રૂટ મારફતે દારૂ સપ્લાય કરવાનો પ્રયાસ થતો હોવાના અનેક કેસોમાં પોલીસે કાર્યવાહી કરી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા તાજેતરમાં પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ સામે ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પોલીસનું કહેવું છે કે ગેરકાયદેસર દારૂના વેપાર સામે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.





