Home Gujarat Ahmedabad Ahmedabad Bank Of Baroda Rbi Currency Chest Theft Lcb

અમદાવાદમાં RBI કરન્સી ચેસ્ટમાંથી ₹8.70 કરોડની ચોરી! : મુખ્ય આરોપી ઝડપાયો, ચોરીની રીત સાંભળીને પોલીસ પણ ચોંકી

ચોરીમાં પકડાયેલ આરોપીના દ્રશ્યો
Published by: Chintan Chavda
Last Updated: May 23, 2026, 11:29 AM IST

અમદાવાદના કાલુપુર ગાંધીરોડ વિસ્તારમાં આવેલી Bank of Baroda ની RBI કરન્સી ચેસ્ટમાંથી આશરે ₹8 કરોડ 70 લાખની મોટી ચોરીનો ભંડાફોડ થયો છે. આ મામલે લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-3એ મુખ્ય આરોપીને ₹2.20 કરોડની રોકડ સાથે ઝડપી પાડ્યો છે. આરોપી બેંકમાં જ જોઈન્ટ કસ્ટોડિયન તરીકે ફરજ બજાવતો હોવાનું બહાર આવ્યું છે.

મળતી વિગતો મુજબ, હરમસિદ્ધ અર્જુનભાઈ કડીયારા નામનો આરોપી કાલુપુર સ્થિત બેંક ઓફ બરોડાની RBI કરન્સી ચેસ્ટમાં જોઈન્ટ કસ્ટોડિયન તરીકે કામ કરતો હતો. આરોપીએ 6 જાન્યુઆરી 2026 થી 13 મે 2026 દરમિયાન ગેરરીતિથી રોકડની ચોરી કરી હતી. આરોપીએ ‘ઇ-કુબેર કરન્સી ચેસ્ટ’ પોર્ટલમાં ખોટા ચેસ્ટ બેલેન્સ સર્ટિફિકેટ અને ખોટી ચેસ્ટ સ્લિપ સબમિટ કરી હિસાબોમાં ગડબડ કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

LCB ઝોન-3 ની કાર્યવાહી દરમિયાન આરોપી ઝડપાયો

આ ગંભીર ગુનાની તપાસ માટે અમદાવાદ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઝોન-3 LCB સ્ક્વોડે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે 22 મે 2026 ના રોજ સોલા વિસ્તારના એનએફસી રોડ પર આવેલા એવરેસ્ટ એન્ક્લેવમાંથી મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: 2027 સુધી રહેશે શનિની ખાસ દ્રષ્ટિ! : આ 3 રાશિઓના જીવનમાં આવશે મોટો ટર્નિંગ પોઇન્ટ! જાણો શું પડશે અસર

પુછપરછ દરમિયાન આરોપીએ ચોરી કરેલી રકમમાંથી કેટલાક રૂપિયા પોતાની કારમાં સંતાડ્યા હોવાનું કબૂલ્યું હતું. ત્યારબાદ પોલીસે પંચોની હાજરીમાં ગાડીની તપાસ કરતાં ₹2.20 કરોડની રોકડ રકમ જપ્ત કરી હતી. આ ઉપરાંત એક કાર અને ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ ₹2.26 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે લેવાયો છે.

ચોરીની રીત સાંભળીને પોલીસ પણ ચોંકી

પોલીસ તપાસમાં સામે આવેલી માહિતી મુજબ આરોપીએ બેંકમાં લોડિંગ-અનલોડિંગનું કામ કરતા જુલ્ફીકાર અન્સારી અને સુલતાન અન્સારી નામના વ્યક્તિઓ સાથે મળીને આ આખી ચોરીને અંજામ આપ્યો હતો. આરોપીઓએ બેંકના સ્ટોર રૂમમાં રાખેલી નોટોની પેટીઓમાંથી ધીમે ધીમે નોટોના બંડલ કાઢી અન્ય પેટીઓમાં વહેંચી દીધા હતા. ત્યારબાદ આ પેટીઓ ટ્રોલીમાં ભરીને બેંકની બહાર લઈ જવાઈ હતી.

આ પણ વાંચો: શાળાની ફી મુદ્દે દિલ્હી હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય : વાલીઓ માટે શું બદલાશે? જાણો સંપૂર્ણ માહિતી

મળતી માહિતી મુજબ, આરોપીઓએ ₹500ની નોટોની રીમ અલગ કરીને ત્રણ પેટીઓમાં ભરી હતી. જેમાંથી બે પેટીઓ મુખ્ય આરોપીએ પોતાના ઘરે રાખી હતી, જ્યારે એક પેટી સહઆરોપીઓ પોતાના સાથે લઈ ગયા હતા. પોલીસના અંદાજ મુજબ આ સમગ્ર ચોરીમાં આશરે ₹8થી ₹9 કરોડ જેટલી રકમ સામેલ હતી.

હજુ બાકી રકમની શોધખોળ ચાલુ

પોલીસે હાલ મુખ્ય આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. બાકીની રકમ ક્યાં છે, તેમાં અન્ય કોણ સંડોવાયેલા છે અને આ ગેરરીતિ કેટલા સમયથી ચાલી રહી હતી તે મુદ્દે તપાસ તેજ બનાવાઈ છે. પ્રાથમિક તપાસમાં આંતરિક સુરક્ષા અને મોનીટરીંગ સિસ્ટમ અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now