RR vs RCB : IPL 2026 માં આજે એક અત્યંત રસપ્રદ મુકાબલો જોવા મળશે, જે ખરા અર્થમાં 'યુવા પ્રતિભા vs અનુભવ' ની લડાઈ બનશે. એક તરફ રાજસ્થાન રોયલ્સ પાસે યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, રવિ બિશ્નોઈ અને રિયાન પરાગ જેવા જોશીલા યુવા ખેલાડીઓ છે, જેઓ પોતાના દમદાર ફોર્મથી વિરોધી ટીમોને હંફાવી રહ્યા છે. તો બીજી તરફ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુમાં વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, ભુવનેશ્વર કુમાર, જીતેશ શર્મા, જેકબ ડફી અને ટિમ ડેવિડ જેવા મહારથીઓ છે, જેઓ પાસે વર્ષોનો અનુભવ અને મેચ પલટાવવાની ક્ષમતા છે. ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં આજે સાંજે આ યુવા જોશ અને અનુભવની તાકાત વચ્ચે શ્રેષ્ઠતાની જંગ જામશે.
હેડ ટુ હેડ રેકોર્ડ
આંકડાની દૃષ્ટિએ જોઈએ તો અત્યાર સુધી રમાયેલી 34 મેચોમાંથી બેંગલુરુએ 17 મેચ જીતીને પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે, જ્યારે રાજસ્થાનના ફાળે 14 વિજય આવ્યા છે. જોકે, વર્તમાન સિઝનમાં બન્ને ટીમો જે રીતે અજેય રહી છે, તે જોતા આંકડા ગમે તે હોય પણ મેદાન પર કાંટાની ટક્કર થવાની પૂરેપૂરી શક્યતા છે.
રાજસ્થાનની યુવા બ્રિગેડ
રાજસ્થાન રોયલ્સ આ વખતે મેદાનમાં નવી ઉર્જા સાથે ઉતરી છે. રિયાન પરાગની કેપ્ટનશીપ હેઠળ યુવા ખેલાડીઓ આક્રમક ક્રિકેટ રમી રહ્યા છે. યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક બેટિંગ અને રવિ બિશ્નોઈ અને રવીન્દ્ર જાડેજાની ફિરકી રાજસ્થાન માટે હથિયાર સાબિત થઈ રહી છે. જેના કારણે રાજસ્થાન ટીમનો આત્મવિશ્વાસ સાતમા આસમાને છે કારણ કે, તેઓ પોઈન્ટ ટેબલમાં પણ પ્રથમ સ્થાને બિરાજમાન છે.
બેંગલુરુની એક્સપિરિયન્સ ગેંગ
બેંગલુરુની ટીમ આ સિઝનમાં તેના અનુભવી ખેલાડીઓના જોરે મજબૂત દેખાઈ રહી છે. વિરાટ કોહલીનું બેટ રન ફટકારી રહ્યું છે, જ્યારે ભુવનેશ્વર કુમારની સ્વિંગ બોલિંગ સામે બેટ્સમેનો સંઘર્ષ કરી રહ્યા છે. જેકબ ડફી અને ટિમ ડેવિડ જેવા વિદેશી ખેલાડીઓ પણ ટીમને મજબૂતી આપી રહ્યા છે. અનુભવી ખેલાડીઓની આ ફૌજ આજે રાજસ્થાનના યુવા જોશને રોકવા માટે તૈયાર છે.
આ પણ ખાસ વાંચો : કોણ છે આ ધુરંધર? : આ ખેલાડીની ઇનિંગે બદલી મેચની દિશા અને દશા!
પિચ અને હવામાનનો મિજાજ
ગુવાહાટીની પિચ બેટ્સમેનો માટે સ્વર્ગ સમાન માનવામાં આવે છે. અહીં રનનો મોટો સ્કોર જોવા મળી શકે છે. જોકે, ક્રિકેટ ચાહકો માટે એક ચિંતાના સમાચાર પણ છે. આજે ગુવાહાટીમાં વરસાદની 56% શક્યતા છે. જો વરસાદ વિઘ્ન બને તો મેચની ઓવરમાં કાપ મૂકવામાં આવી શકે છે. મેચ દરમિયાન તાપમાન 17 થી 29 ડિગ્રીની વચ્ચે રહેશે.





