Home Sports IPL 2026 Mukul Chaudhary Ipl 2026 Lsg Vs Kkr Finisher Profile

કોણ છે આ ધુરંધર? : આ ખેલાડીની ઇનિંગે બદલી મેચની દિશા અને દશા!

Mukul Choudhary
Published by: Aryan Shah
Last Updated: Apr 10, 2026, 06:59 AM IST

Who is this player : 9 એપ્રિલ, 2026 ની એ સાંજ કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ મેદાન પર IPL ના ઇતિહાસની સૌથી રોમાંચક મેચોમાંની એક મેચ રમાઈ હતી. લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચેની આ 15 મી મેચ માત્ર હાઇ-વોલ્ટેજ ડ્રામા ન હતો, પરંતુ ભારતીય ક્રિકેટના જગતમાં એક નવા સિતારાનો ઉદય હતો. 21 વર્ષીય યુવા બેટર મુકુલ ચૌધરીએ જે રીતે અશક્યને શક્ય કરી બતાવ્યું, તેને સમગ્ર ક્રિકેટ જગતને સ્તબ્ધ કરી દીધું છે. એક તબક્કે લખનઉની હાર નિશ્ચિત જણાતી હતી, પરંતુ મુકુલ ચૌધરી કોલકાતાની જીત વચ્ચે મજબૂત દીવાલ બનીને ઊભો રહ્યો. પોતાની વિસ્ફોટક બેટિંગના દમ પર તેને લખનઉને 3 વિકેટે રોમાંચક વિજય અપાવ્યો, ક્રિકેટ જગતને હવે મુકુલના રૂપમાં એક નવો આક્રમક 'ફિનિશર' મળી ગયો છે.

KKR સામે રમી તોફાની ઈનિંગ

મેચની વાત કરીએ તો, KKR એ પહેલા બેટિંગ કરતાં 181 રન બનાવ્યા હતા. લખનઉની ટીમ જ્યારે લક્ષ્યનો પીછો કરવા ઉતરી ત્યારે એક સમયે ટીમ 128 રનમાં 7 વિકેટ ગુમાવી ચૂકી હતી. બધાને લાગ્યું કે, આ સ્થિતિમાંથી લખનઉ હારી જશે, પણ મુકુલ ચૌધરીએ હિંમત ન હારી. તેને માત્ર 27 બોલમાં 54 રન ફટકાર્યા, જેમાં 7 ગગનચુંબી સિક્સર અને 2 ચોગ્ગા સામેલ હતા. 200 ના સ્ટ્રાઇક રેટથી રમીને તેને KKR ના બોલરોને લાચાર કરી દીધા હતા.

આ પણ ખાસ વાંચો : CSK એ Prashant Veer પર કેમ ખર્ચ્યા ₹14.20 કરોડ?

કોણ છે મુકુલ ચૌધરી?

મુકુલ ચૌધરી રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના વતની છે. તેમનો અહીં સુધી પહોંચવાનો રસ્તો ઘણો મુશ્કેલ હતો. તેમના પિતા દલીપ ચૌધરી એક શિક્ષક હતા. દીકરાને ક્રિકેટર બનાવવા માટે પિતાએ દિવસ-રાત મહેનત કરી અને આર્થિક સ્થિતિ સુધારીને જયપુર શિફ્ટ થયા. મુકુલે સીકરની SBS ક્રિકેટ એકેડમીમાં 5-6 વર્ષ સુધી સખત ટ્રેનિંગ લીધી અને ત્યારબાદ તે ઉચ્ચ સ્તરે રમવા માટે આગળ વધ્યો.

ભાવુક થયા મુકુલ ચૌધરી

આ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યા બાદ મુકુલ ભાવુક થઈ ગયો હતો. તેને જણાવ્યું કે, તેના પિતાનું સપનું હતું કે, તેમનો દીકરો દેશ માટે ક્રિકેટ રમે. પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં મુકુલે 12-13 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. આજે તેની મહેનત રંગ લાવી છે અને તેને સાબિત કરી દીધું છે કે, જો મનમાં જીતવાનો ઈરાદો હોય તો ગમે તેવા મુશ્કેલ સંજોગોમાં પણ સફળતા મેળવી શકાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now