Home Sports IPL 2026 Rajasthan Royals Vs Mumbai Indians Ipl 2026 Match Result Yashasvi Jaiswal Performance

રાજસ્થાન રોયલ્સની જીતની હેટ્રિક : મુંબઈ ઇન્ડિયન્સને 27 રને હરાવી સતત ત્રીજી જીત મેળવી

IPL 2026, Rajasthan Royals
Published by: Vishal Dave
Last Updated: Apr 07, 2026, 07:30 PM IST

IPL 2026માં રાજસ્થાન રોયલ્સનો વિજય રથ અટકવાનું નામ નથી લઈ રહ્યો. વરસાદથી પ્રભાવિત રોમાંચક મુકાબલામાં રાજસ્થાન રોયલ્સ દ્વારા મુંબઈ ઇન્ડિયન્સના દિગ્ગજ ખેલાડીઓને પરાજય આપી 27 રને શાનદાર જીત હાંસલ કરવામાં આવી છે. યશસ્વી જાયસ્વાલની તોફાની બેટિંગ અને બોલર્સના શાનદાર પ્રદર્શનના જોરે રાજસ્થાન દ્વારા જીતની હેટ્રિક લગાવવામાં આવી છે.

રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચમાં વરસાદને કારણે ઓવરોની સંખ્યા ઘટાડીને 11 કરવામાં આવી હતી. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે નિર્ધારિત 11 ઓવરમાં 150 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. જેના જવાબમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ માત્ર 123 રન જ બનાવી શકી હતી. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે.

યશસ્વી અને વૈભવની આક્રમક બેટિંગ ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમે મુંબઈના બોલર્સની લાઇન લેન્થ બગાડી નાખી હતી. સ્ટાર બેટર યશસ્વી જાયસ્વાલે માત્ર 32 બોલમાં 77 રનની આક્રમક ઇનિંગ રમી હતી. બીજી તરફ યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ પણ તેને પૂરો સાથ આપતા માત્ર 14 બોલમાં 39 રન ફટકાર્યા હતા. આ જોડીએ મુંબઈ ઇન્ડિયન્સના બોલિંગ આક્રમણને ધ્વસ્ત કરીને ટીમને 150 ના મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી.

મુંબઈના દિગ્ગજો ફરી એકવાર નિષ્ફળ 151 રનના મોટા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઇન્ડિયન્સની શરૂઆત અત્યંત નબળી રહી હતી. ટીમનો સ્કોર 46 રન સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં ટોચના 5 બેટર્સ પેવેલિયન ભેગા થઈ ગયા હતા. અનુભવી રોહિત શર્મા માત્ર 5 રન બનાવી શક્યો હતો જ્યારે સૂર્યકુમાર યાદવ 6 રન પર આઉટ થયો હતો. તિલક વર્માએ 14 રનનું યોગદાન આપ્યું હતું. બીમારી બાદ વાપસી કરનાર કેપ્ટન હાર્દિક પંડ્યા બેટિંગમાં માત્ર 9 રન બનાવી શક્યો અને બોલિંગમાં પણ તેને કોઈ સફળતા મળી નહોતી.

લોઅર ઓર્ડરની લડત એળે ગઈ મુંબઈ તરફથી નમન ધીરે 13 બોલમાં 25 રન અને શેરફાન રધરફોર્ડે 8 બોલમાં 25 રન ફટકારીને જીતની થોડી આશા જગાડી હતી. જોકે રાજસ્થાનના બોલર્સ સામે મુંબઈના 10 માંથી માત્ર 3 ખેલાડીઓ જ બે આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યા હતા. અંતે મુંબઈ ઇન્ડિયન્સ લક્ષ્યાંકથી 27 રન દૂર રહી ગયું હતું અને રાજસ્થાન રોયલ્સે સતત ત્રીજી જીત સાથે ઇતિહાસ રચ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now