PM Modi Visit 2026: ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠા અને આર્થિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પાંચ દેશોના અત્યંત મહત્ત્વના પ્રવાસે રવાના થઈ રહ્યા છે. 15 મેથી 20 મે, 2026 દરમિયાન યોજાનારા આ પ્રવાસમાં PM મોદી યુનાઈટેડ આરબ એમિરેટ્સ (UAE), નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટાલીની મુલાકાત લેશે. આ પ્રવાસનો મુખ્ય હેતુ વેપાર, રોકાણ, ઊર્જા અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં વૈશ્વિક ભાગીદારો સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવાનો છે. આ મુલાકાત માત્ર રાજકીય દૃષ્ટિએ જ નહીં, પરંતુ આર્થિક દૃષ્ટિએ પણ ભારત માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. ખાસ કરીને સેમીકન્ડક્ટર અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) જેવા ભવિષ્યના ક્ષેત્રોમાં ભારત યુરોપિયન અને આરબ દેશો સાથે મળીને નવી વ્યૂહનીતિ તૈયાર કરશે. PM મોદીના આ પ્રવાસ પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે, કારણ કે, આ દરમિયાન અનેક વ્યૂહાત્મક કરારો પર હસ્તાક્ષર થવાની પ્રબળ શક્યતા છે.
યુએઈ અને નેધરલેન્ડમાં વ્યૂહાત્મક બેઠકો
પ્રધાનમંત્રી મોદી પોતાના પ્રવાસની શરૂઆત અબુ ધાબીથી કરશે, જ્યાં તેઓ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે મુલાકાત કરશે. અહીં ઊર્જા સુરક્ષા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ અંગે ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ, 15થી 17 મે દરમિયાન PM નેધરલેન્ડની મુલાકાતે જશે. ત્યાં તેઓ ડચ પ્રધાનમંત્રી રાબ જેટેન સાથે મુલાકાત કરીને જળ વ્યવસ્થાપન અને કૃષિ ટેક્નોલોજી પર ભાર મૂકશે. આ ઉપરાંત, તેઓ નેધરલેન્ડના કિંગ વિલેમ-એલેક્ઝાન્ડર અને ક્વીન મેક્સિમા સાથે પણ સૌજન્ય મુલાકાત લેશે.
કેન્દ્ર સરકારે 29 જૂના શ્રમ કાયદા રદ કર્યા, 4 નવા શ્રમ કાયદા ઘડ્યા: અઠવાડિયામાં 4 દિવસના કાર્ય, PF કપાત સુધી આ નિયમો બદલાયા
સ્વીડનમાં ગ્લોબલ બિઝનેસ લીડર્સ સાથે મંથન
17 અને 18 મેના રોજ PM મોદી સ્વીડન પહોંચશે. અહીં તેઓ સ્વીડિશ પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટરસન સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. આ પ્રવાસનું એક મુખ્ય આકર્ષણ યુરોપિયન ઉદ્યોગ જગતના દિગ્ગજો સાથેની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ હશે. PM મોદી યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વાન ડેર લેયેન સાથે મળીને વિશ્વના મોટા ઉદ્યોગપતિઓને સંબોધિત કરી શકે છે, જેમાં સપ્લાય ચેઈન અને હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
હવે એક મહિનામાં નહીં ભરાવી શકાય રૂ.5000થી વધુનું પેટ્રોલ-ડીઝલ: જાણો શું છે નવા નિયમો
નોર્વેમાં 'ઈન્ડિયા-નોર્ડિક સમિટ' પર વિશેષ ધ્યાન
પ્રવાસના અંતિમ ચરણમાં 19 મેના રોજ પ્રધાનમંત્રી નોર્વેના ઓસ્લો પહોંચશે. અહીં તેઓ ત્રીજી 'ઈન્ડિયા-નોર્ડિક સમિટ'માં ભાગ લેશે. આ સમિટ અત્યંત મહત્વની છે કારણ કે તેમાં ડેનમાર્ક, ફિનલેન્ડ, આઈસલેન્ડ અને સ્વીડનના રાષ્ટ્રાધ્યક્ષો પણ સામેલ થશે. PM મોદી નોર્વેના PM જોનાસ ગાર સ્ટોર સાથે મળીને ઉત્તર ધ્રુવીય ક્ષેત્રમાં સહયોગ અને ગ્રીન એનર્જી અંગે ચર્ચા કરશે.
શું હોય છે ફ્યૂલ રેશનિંગ?: ફ્રાંસ-જર્મનીની જેમ ભારતમાં પણ લાગુ થશે ફ્યૂલ ક્વોટા સિસ્ટમ?
સેમીકન્ડક્ટર અને સંરક્ષણ ક્ષેત્રે નવી ભાગીદારી
ભારત હાલમાં સેમીકન્ડક્ટર હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આ પ્રવાસ દરમિયાન સ્વીડન અને નેધરલેન્ડ જેવી ટેક્નોલોજીકલ પાવરહાઉસ કંપનીઓ સાથે મોટા કરાર થવાની આશા છે. આ ઉપરાંત સંરક્ષણ ક્ષેત્રે 'મેક ઈન ઈન્ડિયા' હેઠળ નવી ટેક્નોલોજીના ટ્રાન્સફર અને સંયુક્ત ઉત્પાદન અંગે પણ વાટાઘાટો થશે. આ પાંચ દેશોની મુલાકાતથી ભારતની આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઈનમાં ભૂમિકા વધુ મજબૂત બનશે.






