Uddhav Thackeray rebel MP's: સંસદના ચોમાસુ સત્રની શરૂઆતના બે દિવસ પહેલા જ શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)ના છ બળવાખોર સાંસદોને પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં સામેલ થવા એટલે કે વિલય કરવાની મંજૂરી મળી ગઈ છે. શનિવારે મોડી સાંજે સામે આવેલા એક મોટા રાજકીય ઘટનાક્રમમાં લોકસભા સચિવાલયે શિવસેના (UBT) ના બળવાખોર સાંસદોને એકનાથ શિંદેની અસલી શિવસેનામાં વિલય કરવાની મંજૂરી આપી દીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના 9 લોકસભા સાંસદોમાંથી 6 સાંસદોએ બળવો કર્યો હતો. 17 જૂનના રોજ આ બળવાખોર સાંસદોએ લોકસભાના સ્પીકર ઓમ બિરલાને પત્ર સોંપીને પોતાને એક અલગ જૂથ તરીકે માન્યતા આપવાની માંગ કરી હતી.
એક મહિનામાં નિર્ણય
18 જુલાઈના રોજ એટલે કે બરાબર એક મહિના પછી લોકસભા સચિવાલય તરફથી તેમના વિલયને મંજૂરી મળી ગઈ. નિયમ મુજબ બે તૃતીયાંશ (2/3) થી વધુ સાંસદોએ એકસાથે પાર્ટી છોડી હોવાથી, પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ તેમની સાંસદ સભ્યપદ સામે કોઈ ખતરો ન રહ્યો. આ વિલય બાદ લોકસભામાં શિંદે જૂથના કુલ સાંસદોની સંખ્યા વધીને 13 થઈ ગઈ છે. મહારાષ્ટ્રની 48 લોકસભા બેઠકોમાંથી, એકનાથ શિંદેની શિવસેનાએ મહાયુતિ ગઠબંધનમાં બેઠકોની વહેંચણી મુજબ 15 બેઠકો પર ચૂંટણી લડીને 7 બેઠકો જીતી હતી. જ્યારે ઉદ્ધવ જૂથે મહાવિકાસ અઘાડી એટલે કે કોંગ્રેસ અને એનસીપી (શરદ પવાર) સાથેની વહેંચણી હેઠળ 21 બેઠકો પર ચૂંટણી લડીને 9 બેઠકો મેળવી હતી.
બળવાખોર સાંસદોએ ઉદ્ધવ ઠાકરે પર શું આરોપ લગાવ્યો હતો?
સાંસદોએ પત્રમાં ઉદ્ધવ ઠાકરેથી અલગ થવાનું કારણ જણાવતા દાવો કર્યો હતો કે, ઠાકરે જૂથના વરિષ્ઠ નેતાઓ શિવસેનાનું કોંગ્રેસમાં વિલય કરવા માંગતા હતા. ઉદ્ધવ ઠાકરે પોતાની વિચારધારા બદલી ચૂક્યા છે. તેથી પાર્ટીનું અસ્તિત્વ બચાવવા માટે અમે અલગ થઈ રહ્યા છીએ.
'ઓપરેશન ટાઈગર' પર એકનાથ શિંદેનું નિવેદન
'ઓપરેશન ટાઈગર' અંગે વાત કરતા મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ જણાવ્યું કે જે લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે, તેઓ વિશ્વાસના કારણે આવું કરી રહ્યા છે. ભલે તે સાંસદો હોય કે અન્ય ઘણા લોકો જેઓ છેલ્લા 3-4 વર્ષમાં અમારી સાથે જોડાયા છે, તેમને શિવસેના, મારા પર અને અમારી ટીમ પર પૂરો ભરોસો છે. તેઓ બધા સારી રીતે જાણે છે કે અમે અમારા વચનો પાળીએ છીએ અને અમારી વાત પર અડગ રહીએ છીએ. અમે પાર્ટીઓ તોડવાનું કે તેમાં ભાગલા પાડવાનું કામ નથી કરતા. અમે લોકોને જોડનારા માણસો છીએ. અમે અહીં તેમના મતવિસ્તારના લોકોને ન્યાય અપાવવા અને જનતા પ્રત્યેની તેમની જવાબદારીઓ પૂરી કરવા આવ્યા છીએ. અમે ચોક્કસપણે તેમને પૂરો સાથ આપીશું."
શિંદેએ વધુમાં ઉમેર્યું કે, "અમે તેમને વિકાસ કાર્યો માટે ભંડોળ (ફંડ) આપીશું. અમે ગૃહમંત્રી અમિત શાહ સાથે તેમની બેઠક પણ કરાવી છે અને અમે એ સુનિશ્ચિત કરીશું કે તેમના વિસ્તારોના વિભાગીય કામો પૂરા થાય. વાર્તા હંમેશા એક સરખી જ હોય છે - જો કોઈ પાર્ટી છોડે છે, તો એવું કહેવામાં આવે છે કે તેણે પૈસા લીધા છે. જ્યાં સુધી તેઓ તે જૂથ સાથે હોય છે ત્યાં સુધી તેમને સારા ગણવામાં આવે છે; અને જેવા તેઓ છોડી દે છે, તેમને ખરાબ માની લેવાય છે. અમારા પર સવાલ ઉઠાવનારાઓએ પોતે આત્મમંથન અને પોતાનું મૂલ્યાંકન કરવાની જરૂર છે."
શું કહે છે પક્ષપલટા વિરોધી કાયદો?
બંધારણની દસમી અનુસૂચિમાં આપેલા નિયમ મુજબ કોઈપણ પક્ષના સભ્યોને અયોગ્ય જાહેર થવાથી બચવા માટે, ઓછામાં ઓછા બે-તૃતીયાંશ (2/3) સાંસદોનું એકસાથે અલગ થવું અનિવાર્ય છે. આ કિસ્સામાં ઉદ્ધવ ઠાકરે જૂથના 9 માંથી 6 સાંસદોએ (જે બરાબર બે-તૃતીયાંશ ભાગ થાય છે) એકસાથે પાર્ટીનો સાથ છોડ્યો હતો. આ જ કારણે તેમના પર પક્ષપલટા વિરોધી કાયદો લાગુ પડ્યો નહીં અને તેમનું સાંસદ પદ સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યું.





