CBSE : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 12ની પૂરક (Supplementary) પરીક્ષા 2026 માટે સુધારેલી ડેટશીટ જાહેર કરી છે. બોર્ડના પરીક્ષા નિયંત્રક ડૉ. સંયમ ભારદ્વાજ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા કાર્યક્રમ મુજબ હવે તમામ વિષયોની પૂરક પરીક્ષાઓ 28 જુલાઈ 2026ના રોજ એક જ દિવસે યોજાશે. અગાઉ આ પરીક્ષા 15 જુલાઈના રોજ યોજાવાની હતી, પરંતુ બોર્ડે સુધારેલા સમયપત્રક સાથે નવી તારીખ જાહેર કરી છે. CBSEએ વિદ્યાર્થીઓને સત્તાવાર વેબસાઇટ પરથી નવી ડેટશીટ તપાસવાની સલાહ આપી છે જેથી તેઓ પોતાના વિષયની પરીક્ષાનો સમય, સમયગાળો અને અન્ય જરૂરી વિગતોની ખાતરી કરી શકે. પરીક્ષા અંગેની તમામ નવીન સૂચનાઓ પણ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે.
મુખ્ય વિષયોની પરીક્ષા સવારે 10:30થી બપોરે 1:30 સુધી
28 જુલાઈના રોજ યોજાનારી પરીક્ષામાં હિન્દી, અંગ્રેજી, ગણિત, એપ્લાઇડ મેથ્સ, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન, ઇતિહાસ, રાજનીતિશાસ્ત્ર, ભૂગોળ, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, એકાઉન્ટન્સી, બિઝનેસ સ્ટડીઝ, કમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેટિક્સ પ્રેક્ટિસિસ, ફિઝિકલ એજ્યુકેશન, હોમ સાયન્સ, એન્ટરપ્રિન્યોરશિપ, લીગલ સ્ટડીઝ, બાયોટેકનોલોજી સહિતના મુખ્ય વિષયોનો સમાવેશ થાય છે. આ તમામ વિષયોની પરીક્ષા સવારે 10:30 વાગ્યે શરૂ થશે અને બપોરે 1:30 વાગ્યે પૂર્ણ થશે, એટલે કે પરીક્ષાનો સમયગાળો ત્રણ કલાકનો રહેશે. જોકે, વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર વાંચવા માટે વધારાના 15 મિનિટનો સમય પણ આપવામાં આવશે.
આ પણ ખાસ વાંચો : દેશની સૌથી મોટી પરીક્ષા એજન્સીમાં સરકારી નોકરીની સુવર્ણ તક! : 2,00,000 સુધી મળશે પગાર, જાણો કોણ કરી શકશે અરજી
કેટલાક વિષયો માટે રહેશે માત્ર 2 કલાકની પરીક્ષા
CBSEએ કેટલાક વિશિષ્ટ વિષયો માટે બે કલાકનો સમય નક્કી કર્યો છે. તેમાં હિન્દુસ્તાની સંગીત (વોકલ અને મેલોડિક ઇન્સ્ટ્રુમેન્ટ), પેઇન્ટિંગ, એપ્લાઇડ આર્ટ (કોમર્શિયલ આર્ટ), યોગ, અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડેટા સાયન્સ અને ફિઝિકલ એક્ટિવિટી ટ્રેનર જેવા વિષયોનો સમાવેશ થાય છે. આ વિષયોની પરીક્ષા સવારે 10:30થી બપોરે 12:30 વાગ્યા સુધી યોજાશે. ઉપરાંત રિટેલ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, વેબ એપ્લિકેશન, ઓટોમોટિવ, ફાઇનાન્સિયલ માર્કેટ મેનેજમેન્ટ, ટૂરિઝમ, બ્યુટી એન્ડ વેલનેસ, એગ્રીકલ્ચર, ફૂડ પ્રોડક્શન, બેંકિંગ, માર્કેટિંગ, હેલ્થકેર, ઇન્સ્યોરન્સ, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, માસ મીડિયા સ્ટડીઝ, ફેશન સ્ટડીઝ અને ઇલેક્ટ્રોનિક્સ ટેક્નોલોજી જેવા અનેક વોકેશનલ વિષયોની પરીક્ષાઓ પણ 28 જુલાઈએ જ યોજાશે.
પરીક્ષા કેન્દ્ર પર આ નિયમોનું પાલન ફરજિયાત
CBSEએ તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા સંબંધિત માર્ગદર્શિકાનું કડક પાલન કરવાની સૂચના આપી છે. પરીક્ષા કેન્દ્રમાં મોબાઇલ ફોન, સ્માર્ટવોચ, કેલ્ક્યુલેટર અથવા કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવાની મનાઈ રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર વિદ્યાર્થીઓ સામે બોર્ડના નિયમો મુજબ કાર્યવાહી થઈ શકે છે. વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચવું, એડમિટ કાર્ડ સાથે રાખવું અને પરીક્ષા દરમિયાન સંપૂર્ણ શિસ્ત જાળવવી જરૂરી રહેશે.
આ પણ ખાસ વાંચો : ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય! : ગ્રીન કાર્ડ મેળવવું બનશે મુશ્કેલ, ભારતીય વિદ્યાર્થીઓ માટે પણ બદલાયા વિઝાના નિયમો
ડેટશીટ કેવી રીતે ડાઉનલોડ કરશો?
ધોરણ 12ની પૂરક પરીક્ષાની નવી ડેટશીટ મેળવવા માટે વિદ્યાર્થીઓએ CBSEની સત્તાવાર વેબસાઇટ પર જઈ 'Latest Announcement' વિભાગમાં ઉપલબ્ધ Class 12 Supplementary Examination 2026 Date Sheet લિંક પર ક્લિક કરવું. ત્યારબાદ PDF ફાઇલ ખુલશે, જેને ડાઉનલોડ કરીને વિષયવાર તારીખ, સમય અને પરીક્ષાની અવધિ જાણી શકાશે.





