Home Gujarat Palitana Lion Attack Maldhari Rescue Operation Bhavnagar

Lion Attack30 મિનિટ સુધી કાળુભાઈના માથે ચઢી બેસનારો સિંહ 24 કલાકથી ગાયબ : વરસતા વરસાદમાં વન વિભાગના 25 લોકોની ટીમ સાવજની શોધમાં મેદાને

માલધારીને આંટી મારીને બેસનાર સિંહ ગાયબ
Published by: Vishal Dave
Last Updated: Jul 07, 2026, 09:55 AM IST

Lion Attack: ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરાજીયા ગામે માલધારી યુવાન પર સિંહના હુમલાની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. માલધારી કાળુભાઈ પરમારને પગની આંટી મારીને જકડી રાખનાર સિંહ છેલ્લા 24 કલાકથી વન વિભાગના હાથ લાગ્યો નથી. સતત વરસતા વરસાદ વચ્ચે વન વિભાગની 25થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમો સિંહને શોધવા માટે મેદાને છે.

ઘટના સવારે અંદાજે 8 વાગ્યાની આસપાસ બની હતી. માહિતી મુજબ, સિંહ મારણ છીનવાઈ જતાં હિંસક બન્યો હતો અને ગરાજીયા ગામના રેવન્યુ વિસ્તારમાં માલધારી કાળુભાઈ પરમાર પર તૂટી પડ્યો હતો. હુમલા દરમિયાન સિંહે કાળુભાઈના પગને આંટી મારી હતી અને હાથને જડબામાં દબોચી લીધો હતો. આશરે અડધો કલાક સુધી જીવ અને મોત વચ્ચે સંઘર્ષ ચાલ્યો હતો. આ દરમિયાન કાળુભાઈએ ગભરાયા વગર અસાધારણ ધીરજ દાખવી હતી અને સિંહને હાથ ફેરવીને શાંત રાખવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચોઃ સિંહો કેમ બની રહ્યા છે આક્રમક? : માણસો પર વધી રહેલા હુમલાઓ પાછળનું મોટું કારણ જાણો

30 મિનિટ સુધી સિંહની પકડમાં રહ્યા માલધારી

પ્રાથમિક માહિતી મુજબ, સિંહે કાળુભાઈને દબોચ્યા બાદ લાંબા સમય સુધી છોડ્યા નહોતા. આસપાસના લોકો બૂમો પાડતા રહ્યા અને કોઈકએ પથ્થરમારો પણ કર્યો હતો. આ દરમિયાન કાળુભાઈના શરીરના કેટલાક ભાગોમાં ઈજા થતાં લોહી પણ નીકળ્યું હતું. તેમ છતાં તેમણે ગભરાટમાં કોઈ અચાનક હરકત ન કરતાં સાવચેતીપૂર્વક પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આશરે અડધા કલાક બાદ સિંહ કાળુભાઈને છોડીને નજીકની ઝૂંપડી તરફ ગયો હતો. થોડો સમય ત્યાં રહ્યા બાદ તે ઝાડી-ઝાંખરામાં ચાલ્યો ગયો અને બાદમાં જંગલ વિસ્તાર તરફ નીકળી ગયો હતો. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં દહેશત ફેલાઈ ગઈ હતી અને તરત જ વન વિભાગને જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: માલધારી પર સિંહના હુમલાનો અત્યાર સુધીનો સૌથી ખતરનાક Live Video : માણસના પગ પર આંટી મારીને બેઠો સિંહ, જુઓ માથે મોત બેઠું હોય ત્યારે શું હાલ થાય

વરસાદ વચ્ચે વન વિભાગનું સઘન કોમ્બિંગ ઓપરેશન

ઘટનાની જાણ થતાં જ પાલિતાણા વન વિભાગ હરકતમાં આવ્યું હતું. 6 જુલાઈના રોજ સવારે લગભગ 11 વાગ્યાથી સાવજને શોધવા માટે અલગ-અલગ ટીમોને જંગલ અને રેવન્યુ વિસ્તારમાં ઉતારવામાં આવી હતી. છેલ્લા 24 કલાકથી ભારે વરસાદી માહોલ વચ્ચે વન વિભાગ સતત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે. વન વિભાગ દ્વારા 25થી વધુ અધિકારી અને કર્મચારીની ટીમો બનાવીને કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ટીમોમાં રેપિડ એક્શન ટીમ, રેસ્ક્યૂ ટીમ, વન્યજીવ રેન્જ સ્ટાફ, અનુભવી ટ્રેકર્સ અને વેટરનરી ડૉક્ટરની વિશેષ ટીમ સામેલ છે. સિંહને સુરક્ષિત રીતે પકડવા માટે ટ્રેન્ક્વિલાઈઝર ગન, ટ્રેપ કેજ, રિંગ કેજ, ભીડો કેજ સહિતના સાધનો તૈયાર રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો: સિંહના સકંજામાંથી કઇ રીતે છૂટ્યો માલધારી? : ગ્રામજનોએ સિંહ પર પથ્થર માર્યા પછી શું થયું? જાણો મોતના મુખમાંથી છૂટ્યા પછી યુવકે શું કહ્યું

ચાર ગામના વિસ્તારમાં સિંહની મૂવમેન્ટ નોંધાઈ

વન વિભાગના જણાવ્યા મુજબ, સિંહ સોનપરી ગામના રેવન્યુ ડુંગર વિસ્તારમાંથી નીકળી ગરાજીયા ગામના રેવન્યુ વિસ્તાર થઈ શેત્રુંજી ડુંગર અનામત જંગલ તરફ જવાના માર્ગે જોવા મળ્યો હતો. હાલ ગરાજીયા, જીવાપર, સોનપરી અને થોરાળી ગામોના રેવન્યુ વિસ્તારમાં સિંહની મૂવમેન્ટ નોંધાઈ રહી છે. આ વિસ્તારોમાં વન વિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ગામડાઓમાં સ્થાનિકોને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે. વન વિભાગે લોકોને અફવાઓથી દૂર રહેવા, અનાવશ્યક રીતે જંગલ કે રેવન્યુ વિસ્તારમાં ન જવા અને સિંહ દેખાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા અપીલ કરી છે.

આ પણ વાંચોઃ લલ્લુભાઈની સિંહ સાથે સંઘર્ષની 10 મિનિટ : કાળુભાઈનો સિંહના સકંજામાં અડધો કલાક, 2001માં પણ બન્યો હતો આવો કિસ્સો

પહેલા હેમુભાઈના ઘરે ગયો, પછી કાળુભાઈ પર હુમલો

હુમલાના ઘટનાક્રમ મુજબ, સિંહ સૌપ્રથમ ગરાજીયા ગામમાં હેમુભાઈના ઘરે ગયો હતો. ત્યાં તેણે હેમુભાઈ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ હેમુભાઈ કોઈ રીતે બચી નીકળ્યા હતા. ત્યારબાદ સિંહ વાડામાં ઘૂસ્યો અને વંડી ઠેકીને કાળુભાઈ પરમારના ઘર તરફ ગયો હતો.

કાળુભાઈ ગાયને ઘાસચારો આપવા માટે બહાર નીકળ્યા હતા ત્યારે સિંહે અચાનક તેમના પર હુમલો કર્યો હતો. સિંહે તેમને દબોચી લીધા હતા અને પગની આંટી મારીને નીચે જકડી રાખ્યા હતા. આ દૃશ્ય જોઈ આસપાસના લોકોમાં ચીસાચીસ મચી ગઈ હતી. લોકો મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ સિંહની નજીક જવામાં જોખમ હોવાથી સૌ કોઈ દૂરથી જ બૂમો પાડી રહ્યા હતા.

આ પણ વાંચોઃ માલધારી પર સિંહના હુમલા બાદ સરકાર એક્શનમાં : વન મંત્રીએ આપ્યું મોટું નિવેદન, જાણો હવે શું કરવાની છે સરકાર

રેસ્ક્યૂ ટીમ કેવી રીતે કરે છે કામગીરી?

વન્યપ્રાણી રેસ્ક્યૂ ઓપરેશનમાં માત્ર પ્રાણીને પકડવાની કામગીરી જ નહીં, પરંતુ વિસ્તારની સંપૂર્ણ સ્થિતિનું મૂલ્યાંકન પણ કરવામાં આવે છે. રેસ્ક્યૂ ટીમ પહેલા પ્રાણીની હિલચાલ, પગલાંના નિશાન, મારણની સ્થિતિ અને પ્રાણી કઈ દિશામાં ગયું તેની માહિતી એકત્ર કરે છે. જરૂર પડે તો કેમેરા ટ્રેપ લગાવવામાં આવે છે. ટ્રેપ કેજ ગોઠવવામાં આવે છે અને વેટરનરી ડૉક્ટરની ટીમ ટ્રેન્ક્વિલાઈઝ કરવાની તૈયારી રાખે છે. પ્રાણી ઘાયલ, બીમાર કે વધુ આક્રમક છે કે નહીં તે પણ તપાસવામાં આવે છે. આ તમામ કામગીરીનો હેતુ માણસ અને વન્યપ્રાણી બંનેની સુરક્ષા જાળવવાનો હોય છે.

આ પણ વાંચો: સુરતમાં વરસાદી આફત વચ્ચે રસ્તા પર ઉતરી ચંદન ઘો : વન્યજીવને રસ્તા પર જોઈને લોકોમાં ફફડાટ

લોકોમાં ભય, વન વિભાગની સાવચેતીની અપીલ

પાલિતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહની મૂવમેન્ટ નોંધાતા લોકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને માલધારી પરિવારો અને પશુપાલકોને સાવચેતી રાખવા કહેવામાં આવ્યું છે. વરસાદી માહોલ અને ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારોને કારણે સર્ચ ઓપરેશન વધુ પડકારજનક બન્યું છે. વન વિભાગનું કહેવું છે કે સિંહને સુરક્ષિત રીતે લોકેશન પર લાવી પકડવાનો પ્રયાસ ચાલુ છે. હાલમાં ટીમો સતત વિસ્તારનું સ્કેનિંગ કરી રહી છે. સિંહને બિનજરૂરી રીતે ચેડાં ન કરવા, ભીડ એકત્ર ન કરવી અને વન વિભાગની કામગીરીમાં સહકાર આપવો જરૂરી છે. આ ઘટનાએ ફરી એકવાર માનવ વસાહત અને વન્યજીવ વિસ્તાર વચ્ચે વધતા સંપર્કનો મુદ્દો ગંભીર રીતે સામે લાવ્યો છે. વન્યપ્રાણીઓના રહેઠાણ નજીક રહેતા લોકો માટે સાવચેતી અને વન વિભાગ સાથે સમયસર સંકલન અત્યંત જરૂરી બની ગયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now