Home Gujarat Palitana Lion Attack On Cattle Herder Garajiya Village Gujarat News

માલધારી પર સિંહના હુમલાનો અત્યાર સુધીનો સૌથી ખતરનાક Live Video : માણસના પગ પર આંટી મારીને બેઠો સિંહ, જુઓ માથે મોત બેઠું હોય ત્યારે શું હાલ થાય

Palitana Lion Attack
Play Video
Published by: Nirali Gohil
Last Updated: Jul 06, 2026, 07:10 AM IST

Palitana Lion Attack: પાલીતાણા પંથકમાં સિંહોની અવરજવર નવી વાત નથી, પરંતુ ગરાજીયા ગામમાં જે બન્યું તેનાથી આખું ગામ સ્તબ્ધ બની ગયું છે. અત્યાર સુધી લોકો સિંહને દૂરથી પસાર થતો કે, પશુઓનો શિકાર કરતો જોતાં આવ્યા છે, પરંતુ આ વખતે જે દ્રશ્યો સામે આવ્યા છે તે સ્થાનિકોના કહેવા પ્રમાણે કદાચ પહેલીવાર જોવા મળ્યા છે. એક બાજુ ખુલ્લું મેદાન, આસપાસ માલઢોર ચરાઈ રહ્યું હતું અને રોજની જેમ પશુપાલક પોતાના કામમાં વ્યસ્ત હતો. ત્યારે જ અચાનક જંગલ તરફથી ત્રાટકેલી સિંહણે સમગ્ર દ્રશ્યને પળવારમાં ભયાનક બનાવી દીધું. થોડી જ ક્ષણોમાં સિંહણે પશુપાલક પર હુમલો કરી દીધો અને એવી સ્થિતિ સર્જાઈ કે જાણે જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ ચાલી રહી હોય. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ ઘટના માત્ર હુમલા પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ કેટલાક સમય માટે સિંહણે પશુપાલકને પોતાના કબજામાં રાખ્યો હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. આ દ્રશ્યો જોઈ ગ્રામજનોમાં ભય સાથે આશ્ચર્યની લાગણી પણ ફેલાઈ ગઈ છે, કારણ કે આવી ઘટના અગાઉ ક્યારેય સામે આવી નહોતી.

માલઢોર ચરાવતા સમયે ત્રાટક્યો વનરાજ

પ્રાથમિક માહિતી મુજબ, ગરાજીયા ગામના પશુપાલક કાળુભાઈ બોઘાભાઈ પરમાર પોતાના માલઢોરને ચરાવવા માટે ગામની સીમ નજીક ગયા હતા. તે દરમિયાન અચાનક એક સિંહે તેમના પર હુમલો કરી દીધો.

હુમલો એટલો અચાનક અને ગંભીર હતો કે, આસપાસના લોકો પણ એક ક્ષણ માટે ગભરાઈ ગયા હતા. ઘટનાના કેટલાક દિલધડક દ્રશ્યો સામે આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે, જેમાં સિંહ અને પશુપાલક વચ્ચેનો સંઘર્ષ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો કહે છે કે, સામાન્ય રીતે સિંહ માનવ પર સીધો હુમલો કરતો નથી, પરંતુ આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે. શું સિંહણ ભટકી ગયો હતો? શું તેને કોઈ ખતરો લાગ્યો હતો? કે પછી જંગલ વિસ્તાર સીમિત થતાં વન્ય પ્રાણીઓ હવે માનવ વસાહતોની વધુ નજીક પહોંચી રહ્યા છે?

જીવ બચાવવા માટેનો જંગ, ગંભીર ઈજાઓ છતાં બચી ગયો પશુપાલક

સિંહણના હુમલામાં કાળુભાઈ પરમારને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે ભારે સંઘર્ષ બાદ તેઓ સિંહણના ચંગુલમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત પશુપાલકને તાત્કાલિક પાલીતાણા માનસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે, જંગલ વિસ્તાર સાથે જોડાયેલા ગામોમાં રહેતા લોકો દરરોજ જોખમ વચ્ચે જીવન જીવી રહ્યા છે.

આ પણ વાંચો: ઘરની ઓસરીમાં નિરાંતે સૂતો હતો પશુપાલક : અચાનક આવી પહોંચ્યો સિંહ અને પછી...

ગ્રામજનોમાં ભય, વન વિભાગ સામે ઉઠી માંગ

ઘટના બાદ ગરાજીયા સહિત આસપાસના ગામોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ગ્રામજનોનું કહેવું છે કે, છેલ્લા કેટલાક સમયથી વન્ય પ્રાણીઓની અવરજવર ગામોની નજીક વધી રહી છે. લોકોએ વન વિભાગ સમક્ષ માંગ કરી છે કે, ગામોની નજીક સતત દેખાતા સિંહોને સુરક્ષિત રીતે જંગલના આંતરિક વિસ્તારોમાં ખસેડવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો ભવિષ્યમાં વધુ ગંભીર અને જીવલેણ ઘટનાઓ બનવાની શક્યતા નકારી શકાય નહીં.

માનવ અને વનરાજ વચ્ચે વધતો સંઘર્ષ

ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહોની વધતી સંખ્યા એક તરફ સંરક્ષણની સફળતા દર્શાવે છે, પરંતુ બીજી તરફ માનવ-વન્યજીવ સંઘર્ષ પણ વધી રહ્યો છે. પશુપાલકો અને ખેડૂતો હવે રોજિંદા જીવનમાં સતત જોખમનો સામનો કરી રહ્યા છે. ગરાજીયા ગામની આ ઘટના માત્ર એક હુમલો નથી, પરંતુ તે એ સંકેત પણ છે કે, વન્ય પ્રાણીઓ અને માનવ વસાહતો વચ્ચેનું અંતર ઝડપથી ઘટી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now