Home Gujarat Godhra Chandipura Virus Two Children Death Health Department Alert

ગોધરા તાલુકામાં ચાંદીપુરા વાયરસથી બે માસૂમ બાળકોનાં મૃત્યુ : આરોગ્ય વિભાગ એલર્ટ; અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વે અને દવા છંટકાવ

હેલ્થ વિભાગની ટીમ
Image Credit: AI
Published by: Chintan Chavda
Last Updated: Jul 07, 2026, 10:28 AM IST

ગાંધીનગર/ગોધરા: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વીંઝોલ અને જીતપુરા ગામમાં ચાંદીપુરા વાયરસના કારણે બે માસૂમ બાળકોનાં મૃત્યુ થયાની પુષ્ટિ થતાં રાજ્યનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ એલર્ટ બન્યું છે. બંને બાળકોના લેબોરેટરી રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થયા બાદ રાજ્ય સરકારે અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક નિયંત્રણાત્મક પગલાં શરૂ કર્યા છે.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું કે આ ઘટના અત્યંત દુઃખદ છે, પરંતુ હાલમાં ગભરાવાની જરૂર નથી. સમયસર સાવચેતી અને આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરવાથી વાયરસના ફેલાવાને રોકી શકાય છે.

આ પણ વાંચો: સુરતમાં મેઘરાજાનો તાંડવ: એક કલાકમાં 6 ઇંચ વરસાદથી શહેર જળબંબાકાર : રેડ એલર્ટ વચ્ચે 28 મુસાફરોનું રેસ્ક્યૂ; જનજીવન ઠપ્પ

અસરગ્રસ્ત ગામોમાં મેડિકલ ટીમો તૈનાત

આરોગ્ય મંત્રીના જણાવ્યા અનુસાર, જ્યાં કેસ નોંધાયા છે તે વિસ્તારોમાં તપાસ દરમિયાન 'સેન્ડ ફ્લાય' (Sand Fly) નામની માખીની હાજરી જોવા મળી છે. આ જીવાત સામાન્ય રીતે કાચા મકાનોની તિરાડો અને ભેજવાળા સ્થળોએ વસવાટ કરતી હોવાથી સમગ્ર વિસ્તારના ઘરોમાં દવાનો સઘન છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે.

ગોધરા અને વડોદરા મેડિકલ કોલેજની વિશેષ તબીબી ટીમોને અસરગ્રસ્ત ગામોમાં મોકલવામાં આવી છે. ઉપરાંત સ્થાનિક આરોગ્ય વિભાગની ટીમો ઘરે-ઘરે જઈ આરોગ્ય સર્વે, શંકાસ્પદ દર્દીઓની તપાસ અને લોકોને જાગૃત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે કરી રહી છે.

અગાઉ અસરગ્રસ્ત વિસ્તારોમાં પણ તકેદારી

મંત્રીએ જણાવ્યું કે વર્ષ 2024 દરમિયાન જ્યાં ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા હતા તે તમામ જિલ્લાઓ અને ગામોમાં પણ સાવચેતીના ભાગરૂપે ફરીથી સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. રાજ્યના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સમુદાય આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલોમાં જરૂરી દવાઓ, જંતુનાશક પાવડર અને અન્ય આવશ્યક સામગ્રીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

તેમણે માતા-પિતાને અપીલ કરતાં જણાવ્યું કે જો કોઈ બાળકમાં અચાનક ઊંચો તાવ, ઉલ્ટી, ખેંચ આવવી, બેભાન થવું અથવા અન્ય ગંભીર લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વિના નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલમાં સારવાર માટે પહોંચવું જોઈએ.

આ પણ વાંચો: ભરૂચના અંકલેશ્વરમાં 1.97 ઇંચ વરસાદથી ડાયવર્ઝન બ્રિજ ધોવાયો : 4 ગામોના લોકોને 15 કિમીનો ફેરાવો

હાલ અન્ય કોઈ કેસ નોંધાયો નથી

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે હાલ વીંઝોલ અને જીતપુરા ગામ સિવાય રાજ્યના અન્ય કોઈ વિસ્તારમાં ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાયો નથી. તેમણે લોકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ કરી હતી.

તેમણે ઉમેર્યું કે કાચા મકાનોની તિરાડો પૂરવી, ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવી, પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવી તેમજ બાળકોને માખી અને અન્ય જીવાતોથી બચાવવા માટે જરૂરી સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે.

આ બેઠકમાં ગ્રામ્ય આરોગ્ય કમિશનર રતનકંવર ગઢવી ચારણ, જાહેર આરોગ્ય અધિક નિયામક ડૉ. નીલમ પટેલ સહિત આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now