Home Gujarat Bharuch Ankleshwar Navagam Karavel Diversion Bridge Washed Away Rain

ભરૂચના અંકલેશ્વરમાં 1.97 ઇંચ વરસાદથી ડાયવર્ઝન બ્રિજ ધોવાયો : 4 ગામોના લોકોને 15 કિમીનો ફેરાવો

અંકલેશ્વરમાં 1.97 ઇંચ વરસાદથી ધોવાયેલો નવાગામ-કરાવેલ ડાયવર્ઝન માર્ગ
Published by: OBS Bureau
Last Updated: Jul 07, 2026, 10:10 AM IST

ભરૂચ: જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં રાત્રિ દરમિયાન પડેલા 1.97 ઇંચ વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. સૌથી વધુ અસર નવાગામ અને કરાવેલ ગામને જોડતા ડાયવર્ઝન માર્ગ પર જોવા મળી, જ્યાં વરસાદી પાણીના જોરદાર પ્રવાહમાં ડાયવર્ઝન બ્રિજ ધોવાઈ ગયો.

વરસાદી પાણીના પ્રવાહમાં ડાયવર્ઝન બ્રિજ ધોવાયો

નવાગામ-કરાવેલને જોડતો ડાયવર્ઝન બ્રિજ ધસમસતા વરસાદી પાણીના પ્રવાહને કારણે તૂટી જતાં સમગ્ર માર્ગ બંધ થઈ ગયો છે. માર્ગ ધોવાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગ્રામજનોએ પોતાની રીતે માર્ગ બંધ કર્યો

ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ કોઈ અકસ્માત ન સર્જાય તે માટે તાત્કાલિક સેફ્ટી બેરિયર ટેપ લગાવી માર્ગ પરની અવરજવર બંધ કરી દીધી હતી. બ્રિજ ધોવાઈ જવાને કારણે કોઈ વાહન અથવા રાહદારી જોખમમાં ન મુકાય તે માટે સ્થાનિકોએ જાગૃતતા દાખવી હતી.

બ્રિજના કામમાં વિલંબથી ગ્રામજનોમાં રોષ

સ્થાનિકોના જણાવ્યા મુજબ ડાયવર્ઝન બ્રિજના કાયમી કામમાં લાંબા સમયથી વિલંબ થઈ રહ્યો છે. જો સમયસર કામગીરી પૂર્ણ કરવામાં આવી હોત તો વરસાદમાં આવી મુશ્કેલી સર્જાઈ ન હોત. તંત્રની ઢીલી કામગીરીને કારણે હવે ગ્રામજનોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ચાર ગામોના લોકોને 15 કિમીનો વધારાનો ફેરાવો

ડાયવર્ઝન બ્રિજ ધોવાઈ જતાં અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકાના આશરે ચાર ગામોના લોકોને શાળા, કોલેજ, નોકરી, હોસ્પિટલ અને અન્ય દૈનિક કામકાજ માટે અંદાજે 15 કિલોમીટરનો વધારાનો ફેરાવો કરીને જવું પડશે. જેના કારણે વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને ખેડૂતોને સૌથી વધુ મુશ્કેલી પડી રહી છે.

આ પણ વાંચો: સુરતમાં મેઘરાજાનો તાંડવ: એક કલાકમાં 6 ઇંચ વરસાદથી શહેર જળબંબાકાર : રેડ એલર્ટ વચ્ચે 28 મુસાફરોનું રેસ્ક્યૂ; જનજીવન ઠપ્પ

તાત્કાલિક સમારકામની ગ્રામજનોની માંગ

ગ્રામજનોએ તંત્રને વહેલી તકે માર્ગ અને ડાયવર્ઝન બ્રિજનું સમારકામ શરૂ કરવાની માંગ કરી છે. આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી વચ્ચે જો ઝડપથી કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો લોકોની મુશ્કેલીમાં વધુ વધારો થવાની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now