Lion Attack Gujarat: ગિર પંથકમાં વધતા સિંહ હુમલાઓ હવે માત્ર આંકડાઓ સુધી સીમિત નથી રહ્યા. દરેક હુમલા પાછળ કોઈ પરિવારની ચિંતા, કોઈ ગામનો ભય અને કોઈ વ્યક્તિનો મોત સામેનો સંઘર્ષ છુપાયેલો છે. છેલ્લા એક મહિનામાં અમરેલી જિલ્લામાં સિંહ હુમલાની પાંચ ગંભીર ઘટનાઓ સામે આવી છે, જેમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. બીજી તરફ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગરજીયા ગામમાં માલધારી કાળુભાઈ બોઘાભાઈ પરમારનો સિંહ સાથેનો અડધા કલાકનો જીવલેણ સંઘર્ષ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટનાની વચ્ચે આજે 25 વર્ષ જૂનો એક કિસ્સો ફરી ચર્ચામાં આવ્યો છે. વર્ષ 2001માં ખાંભા ગીરના ભાડ ગામના ખેડૂત લલ્લુભાઈ વશરામભાઈ શેલડીયાએ પણ સિંહ સામે જીવના જોખમે બાથ ભીડી હતી. 10 મિનિટ સુધી ચાલેલી આ જંગમાં લલ્લુભાઈએ માત્ર પોતાની હિંમત અને હાજરજવાબીથી સિંહને હરાવીને જીવ બચાવ્યો હતો. હવે કાળુભાઈ અને લલ્લુભાઈની આ બે ઘટનાઓ માનવ અને વન્યજીવ વચ્ચે વધતા સંઘર્ષની જીવંત સાક્ષી બની ગઈ છે.
ગરજીયામાં કાળુભાઈનો અડધો કલાકનો સંઘર્ષ
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગરજીયા ગામે આજે સવારે બનેલી ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા. માલધારી કાળુભાઈ બોઘાભાઈ પરમાર પોતાના પશુઓને ઘાસચારો આપવા જઈ રહ્યા હતા, ત્યારે અચાનક એક સિંહ વાડામાંથી બહાર નીકળ્યો અને તેમના પર હુમલો કરી દીધો. સિંહે કાળુભાઈનો હાથ પોતાના જડબામાં દબાવી લીધો હતો અને તેમના પગ પર આંટી મારીને બેસી ગયો હતો. લગભગ અડધો કલાક સુધી કાળુભાઈ સિંહના સકંજામાં ફસાયેલા રહ્યા હતા. આ દરમિયાન પરિવારજનો અને ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા, પરંતુ કોઈને સમજાતું નહોતું કે શું કરવું. લોકોએ સિંહને ભગાડવા માટે પથ્થરમારો પણ કર્યો હતો, પરંતુ તેનો ખાસ અસરકારક પરિણામ મળ્યું નહોતું. આ સમગ્ર સમયગાળા દરમિયાન કાળુભાઈએ અદ્ભૂત સંયમ જાળવી રાખ્યો હતો. તેઓ ગભરાયા નહોતા, બૂમાબૂમ કરી નહોતી અને શાંતિપૂર્વક બેઠા રહી સિંહને પંપાળતા રહ્યા હતા.
લગભગ અડધા કલાક બાદ સિંહે પોતે જ કાળુભાઈને છોડીને નજીકની ઝૂંપડી તરફ ચાલ્યો ગયો. હાલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત કાળુભાઈને પ્રથમ પાલીતાણા સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા.
2001માં લલ્લુભાઈએ સિંહ સામે 10 મિનિટ સુધી બાથ ભીડી હતી
આવી જ એક ઘટના આજથી લગભગ 25 વર્ષ પહેલાં વર્ષ 2001માં બની હતી. ખાંભા ગીરના ભાડ ગામમાં પણ આવી જ એક દિલધડક ઘટના બની હતી. તે સમયે ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોની અવરજવર આજની સરખામણીએ ખૂબ ઓછી હતી. મીતિયાળા જંગલમાંથી શિકારની શોધમાં નીકળેલો એક સિંહ ભાડ ગામની સીમ સુધી પહોંચી ગયો હતો. તે સમયે વાડીએથી ઘરે પરત ફરી રહેલા ખેડૂત લલ્લુભાઈ વશરામભાઈ શેલડીયા અને તેમની પત્ની અચાનક સિંહ સામે આવી ગયા હતા. કોઈ પૂર્વ સંકેત વગર સિંહે સીધો લલ્લુભાઈ પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન લગભગ 10 મિનિટ સુધી બંને વચ્ચે જીવલેણ સંઘર્ષ ચાલ્યો હતો. સિંહના હોઠ પકડીને જીવ બચાવ્યો હતો.
લલ્લુભાઈના જણાવ્યા અનુસાર, હુમલા દરમિયાન સિંહે તેમના શરીરના વિવિધ ભાગોમાં નવ જેટલી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. છાતીના ભાગમાં બે જગ્યાએ ફ્રેક્ચર થયા હતા અને શ્વાસનળી પણ ગંભીર રીતે પ્રભાવિત થઈ હતી. હુમલા દરમિયાન સિંહે તેમને બે વખત ઊંચકીને જમીન પર પછાડી દીધા હતા. પરંતુ લલ્લુભાઈએ હિંમત હારી નહોતી. તેમણે પોતાની આખી તાકાત લગાવીને સિંહનું મોઢું અને હોઠ મજબૂત રીતે પકડી રાખ્યા હતા. આ કારણે સિંહ માટે હુમલો ચાલુ રાખવો મુશ્કેલ બન્યો હતો. યોગ્ય તક મળતા લલ્લુભાઈએ સિંહને જોરદાર લાત મારી હતી અને આખરે સિંહ ત્યાંથી ભાગી ગયો હતો. હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં લલ્લુભાઈએ પોતાનો શર્ટ ઉતારીને છાતી પર બાંધી લોહી રોકવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ સારવાર માટે લઈ જવાયા હતા.
આ પણ વાંચો: સિંહના સકંજામાંથી કઇ રીતે છૂટ્યો માલધારી? : ગ્રામજનોએ સિંહ પર પથ્થર માર્યા પછી શું થયું? જાણો મોતના મુખમાંથી છૂટ્યા પછી યુવકે શું કહ્યું
લલ્લુભાઈ કહે છે, આજે સ્થિતિ 2001 કરતાં વધુ ગંભીર
લલ્લુભાઈ શેલડીયા આજે પણ માને છે કે, તેઓ નસીબના બળે બચી ગયા હતા. પરંતુ તેઓ કહે છે કે, હાલની સ્થિતિ વર્ષ 2001 કરતાં ઘણી વધુ ચિંતાજનક બની ગઈ છે. તેમના જણાવ્યા મુજબ, ગિર પંથકમાં સિંહોની સંખ્યા વધવાની સાથે હવે તેમની અવરજવર રહેણાંક વિસ્તારો સુધી પહોંચી ગઈ છે. ગામોમાં વારંવાર દેખાતા સિંહો અને સતત વધી રહેલા હુમલાઓ હવે લોકો માટે રોજિંદી ચિંતાનો વિષય બની ગયા છે.
હવે સવાલ વન વિભાગ સામે
કાળુભાઈના અડધા કલાકના સંઘર્ષ અને લલ્લુભાઈની દસ મિનિટની બહાદુરી માત્ર વ્યક્તિગત કિસ્સાઓ નથી. આ બંને ઘટનાઓ ગિર વિસ્તારને અડીને વસતા હજારો લોકોના જીવનમાં રહેલા જોખમનું પ્રતિબિંબ છે.
સિંહોની વધતી વસતિ અને વિસ્તરતા માનવ વસવાટ વચ્ચે માનવ-વન્યજીવ સંઘર્ષ હવે મોટો પડકાર બની ગયો છે. સ્થાનિકો સતત માંગ કરી રહ્યા છે કે વન વિભાગ સિંહોની અવરજવર પર સતત નજર રાખે, જોખમગ્રસ્ત વિસ્તારોમાં ઝડપી પ્રતિસાદ વ્યવસ્થા ઉભી કરે અને લોકોની સુરક્ષા માટે કડક પગલાં ભરે. કારણ કે આજે કાળુભાઈ બચી ગયા, લલ્લુભાઈ પણ બચી ગયા, પરંતુ દરેક વખતે નસીબ સાથ આપશે તેની કોઈ ખાતરી નથી.
પાંચ હુમલામાં ચાર લોકોના મોત, વધી રહ્યો છે માનવ-સિંહ સંઘર્ષ
ગત એક મહિનામાં અમરેલી જિલ્લામાં સિંહ હુમલાની પાંચ ગંભીર ઘટનાઓ સામે આવી છે. આ હુમલાઓમાં 4 લોકોના મોત થયા છે જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. ખેડૂતો, માલધારીઓ અને ગ્રામજનો હવે ખેતરોમાં જતાં પણ ભય અનુભવી રહ્યા છે. નાના બાળકોને એકલા બહાર મોકલવામાં લોકો અચકાય છે અને રાત્રિના સમયે ગામોમાં ભયનું વાતાવરણ છવાઈ જાય છે.






