Vadodara News: એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષ B.Comના પ્રવેશને લઈને વિવાદ ઊભો થયો છે. યુનિવર્સિટીના સેનેટ સભ્ય કપિલ જોષીએ રવિવારે જણાવ્યું હતું કે પ્રવેશ પ્રક્રિયા અંગે અનેક ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે પ્રવેશ પરીક્ષા અને વધારાની ફી સહિતના કેટલાક નિર્ણયો વિદ્યાર્થીઓના હિતને અસર કરતા હોવાનું જણાય છે અને સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ જોવા મળ્યો છે.
FY B.Comમાં પ્રવેશ માટે હજારો વિદ્યાર્થીઓએ G-CAS પોર્ટલ મારફતે નોંધણી કરાવી હતી. નોંધણી માટે ₹300 ફી ચૂકવ્યા બાદ વિદ્યાર્થીઓ પાસેથી અલગથી ₹200ની પ્રવેશ પરીક્ષા ફી લેવામાં આવી હોવાનું જણાવાયું છે. સેનેટ સભ્યનો દાવો છે કે જ્યારે પ્રવેશ બેઠકો અને અરજદારોની સંખ્યા વચ્ચે મોટો તફાવત ન હોય ત્યારે આવી પરીક્ષા લેવાની જરૂરિયાત શું હતી તે અંગે સ્પષ્ટતા થવી જોઈએ.
પ્રવેશ પરીક્ષા અને ફી અંગે ઉઠ્યા પ્રશ્નો
એવો દાવો કરવામાં આવ્યો છે કે વધારાની પ્રવેશ પરીક્ષાના કારણે અનેક વિદ્યાર્થીઓ ગૂંચવણમાં મુકાયા. કેટલાક વિદ્યાર્થીઓએ નોંધણી કર્યા બાદ પરીક્ષાની અલગ ફી ભરવામાં ચૂક કરી હોવાના કારણે પરીક્ષા આપી શક્યા નહોતા અને પરિણામે તેઓ પ્રવેશ પ્રક્રિયાથી વંચિત રહ્યા હોવાનું જણાવાયું છે. કપિલ જોષીએ વધુમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે પ્રવેશ પરીક્ષાના આધારે મેરિટ નક્કી કરવાની પ્રક્રિયા કેટલી પારદર્શક છે તે અંગે પણ પ્રશ્નો ઊભા થાય છે. તેમના મતે, રાજ્યના ઉચ્ચતર માધ્યમિક બોર્ડના પરિણામને આધાર બનાવી સીધા પ્રવેશની પ્રક્રિયા વધુ સરળ બની શકી હોત.
વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન ન મળ્યાનો દાવો
આ વર્ષે FY B.Com Honors અને FY B.Com Operational જેવા અલગ-અલગ વિકલ્પો ઉપલબ્ધ હતા. પરંતુ પૂરતા માર્ગદર્શનના અભાવે અનેક વિદ્યાર્થીઓએ ખોટા વિકલ્પ પસંદ કર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પરીક્ષા દરમિયાન પણ પૂરતી માહિતી ન મળતા સારા ગુણ મેળવનારા કેટલાક વિદ્યાર્થીઓ પણ પ્રવેશથી વંચિત રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ દાવાઓને કારણે પ્રવેશ પ્રક્રિયામાં પારદર્શિતા અને અસરકારક માહિતી પ્રસાર અંગે પ્રશ્નો ઊભા થયા છે. જોકે, આ અંગે યુનિવર્સિટી તરફથી સત્તાવાર સ્પષ્ટતા હજુ સુધી સામે આવી નથી.
ગાંધીનગરમાં અચાનક વાતાવરણ પલટાયું! : હળવા વરસાદી ઝાપટાંથી અસહ્ય ઉકળાટ વચ્ચે નાગરિકોને મળી મોટી રાહત
SC/ST વિદ્યાર્થીઓને લગતા મુદ્દાઓ
પ્રેસ નોટમાં SC અને ST વિદ્યાર્થીઓને મળતી રાહતોનો પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રવેશ પરીક્ષાની ફીમાં અનામત વર્ગના વિદ્યાર્થીઓને કોઈ વિશેષ રાહત આપવામાં આવી નથી, જ્યારે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આવા વર્ગોને ફી રાહત આપવામાં આવતી હોય છે.
સાથે જ, 45 ટકા ગુણની લાયકાતની શરત અને અનામત બેઠકો ભરવાની પ્રક્રિયા અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. સેનેટ સભ્યે દાવો કર્યો છે કે આ બાબતે UGC તથા રાજ્ય સરકારની માર્ગદર્શિકાઓનું પાલન થયું છે કે નહીં તેની તપાસ થવી જોઈએ.





