Chhotaudepur News: છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મોટી ઝડુલી ગામમાં આજે બપોરે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે. જેમાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી બે સગી બહેનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી ફરી વળી છે અને બે માસૂમ દીકરીઓ ગુમાવનાર પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટના આજે બપોરે આશરે 12 વાગ્યાની આસપાસ બની હતી. મોટી ઝડુલી ગામના રહેવાસી બુધરીયાભાઈ ભીલની બે પુત્રીઓ 4.5 વર્ષની નીરુમતીબેન ભીલ અને 3.5 વર્ષની મીનાક્ષીબેન ભીલ—પોતાના ઘરની આસપાસ રમી રહી હતી. રમતા-રમતા આ બંને બાળકીઓ અજાણતા જ ત્યાં આવેલા પાણી ભરેલા એક ખાડામાં ખાબકી હતી. પાણી ઊંડું હોવાથી બંને બાળકીઓ તેમાં ગરકાવ થઈ ગઈ હતી.
થોડીવાર બાદ આસપાસના લોકોને ઘટનાની જાણ થતા જ દોડધામ મચી ગઈ હતી. ગ્રામજનો અને પરિવારના સભ્યોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બંને બાળકીઓને બહાર કાઢી હતી અને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દોડાવી હતી. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબે તપાસીને બંને બહેનોને મૃત જાહેર કરી હતી. એકસાથે બે સંતાનોને ગુમાવનાર માતા-પિતાના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
કોના બાપની દિવાળી! : MS યુનિવર્સિટીના B.Com પ્રવેશમાં નવો વિવાદ; 20 લાખનું ગેરકાયેદાસર ઉઘરાણું!
આ દુર્ઘટનાને લઈને ગ્રામજનોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. માણકા તાલુકા પંચાયતના સદસ્ય કેમજીભાઈ ભીલે આ મામલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ ઘટના માત્ર અકસ્માત નથી, પરંતુ 'કુપ્પા પાણી પુરવઠા યોજના'ની ઘોર બેદરકારીનું પરિણામ છે. જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય રીતે કામગીરી ન કરવાને કારણે આ ખાડો ખુલ્લો રહી ગયો હતો, જે બે નિર્દોષ બાળકીઓના મોત માટે જવાબદાર છે.
પીડિત પરિવાર અને ગ્રામજનોએ વહીવટી તંત્ર પાસે આ સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ કરી છે. તેમજ આ માનવીય ભૂલ અને બેદરકારી બદલ જે કોઈ જવાબદાર કર્મચારીઓ કે અધિકારીઓ હોય, તેમની સામે કડકમાં કડક કાનૂની પગલાં લેવાની અપીલ કરવામાં આવી છે. આ કરુણ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.





