Palitana Garjiya Village Lion Attack: સામાન્ય રીતે સિંહ દર્શન માટે લોકો ગીર જતા હોય છે. જ્યાં દૂરથી પણ સિંહને જોઈને લોકોના ધબકારા વધી જતા હોય છે. ડર લાગવા લાગતો હોય છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ જ જંગલનો હાવજ જ્યારે તમારા માથે બેઠો હોય તો મૃત્યુ કેટલું નજીકથી દેખાવા લાગે. આવું જ કંઈક ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આવેલા ગરજીયા ગામમાં રહેતા પશુપાલક કાળુભાઈ સાથે પણ બન્યું હતું. જીવ અને મોત વચ્ચેનો સંઘર્ષ શું હોય તેની સાક્ષી બનેલી ઘટનામાં કાળુભાઈ લગભગ અડધો કલાક સુધી સિંહના પંજામાં ફસાયેલા રહ્યા હતા. હાથ સિંહના જડબામાં દબાયેલો હતો, પગ પર આંટી મારીને સિંહ બેઠો હતો અને સામે મૃત્યુ ઊભું હોય તેવી સ્થિતિમાં માલધારીએ એક-એક મિનિટ પસાર કરી હતી. જોકે કાળુભાઈની બહાદુરી અને સમયસરના પ્રયાસોના કારણે તેમનો જીવ બચી ગયો હતો.
માલઢોરને નિણ આપવા ગયા અને બની ગઈ મોત સામેની જંગ
પ્રાથમિક માહિતી મુજબ, કાળુભાઈ બોઘાભાઈ પરમાર પોતાના માલઢોરને નિણ આપવા માટે ઘર નજીક ગયા હતા. તે દરમિયાન અચાનક ગામમાં ઘૂસી આવેલા સિંહે તેમના પર હુમલો કરી દીધો હતો. હુમલો એટલો અચાનક હતો કે, કાળુભાઈને સંભાળવાનો સમય પણ મળ્યો નહોતો. સિંહે તેમના હાથને પોતાના દાંતમાં દબાવી દીધો હતો અને પગ પર આંટી મારીને તેમને પોતાની પકડમાં રાખ્યા હતા. એક સમયે એવું લાગી રહ્યું હતું કે, હવે માલધારી માટે બચવું અશક્ય બની જશે. કાળુભાઈ સતત પોતાને છોડાવવા માટે સંઘર્ષ કરતા રહ્યા, પરંતુ સિંહની મજબૂત પકડ સામે તેઓ લાચાર બની ગયા હતા.
બૂમો સાંભળીને દોડી આવ્યા ગામલોકો
સિંહના હુમલામાં ફસાયેલા કાળુભાઈની બૂમો સાંભળીને પાડોશીઓ અને ગામલોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સામેનું દ્રશ્ય જોઈ સૌ ચોંકી ઉઠ્યા હતા. એક તરફ ઘાયલ હાલતમાં માલધારી અને બીજી તરફ તેના પર બેઠેલો સિંહ જોઈ લોકો દંગ રહી ગયા હતા. ગામલોકોએ હિંમત ભેગી કરી અને કાળુભાઈને બચાવવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. લોકો બૂમાબૂમ કરવા લાગ્યા અને સિંહને ભગાડવા માટે પથ્થરમારો કર્યો હતો. લગભગ 30 મિનિટ સુધી ચાલેલા આ સંઘર્ષ બાદ આખરે સિંહ ત્યાંથી ખસી ગયો અને કાળુભાઈને સિંહના પંજામાંથી છોડાવવામાં સફળતા મળી હતી.
‘મારો હાથ જડબામાં જકડી લીધો, અડધો કલાક છોડ્યો નહીં’
ઈજાગ્રસ્ત કાળુભાઈ પરમારે જણાવ્યું કે, હું સવારમાં સાડા દસ વાગ્યે મારી ગાયને ઘાસચારો નાખવા માટે જતો હતો. સિંહણ બજારમાં બેઠી હતી. તેણે અચાનક મારી ઉપર હુમલો કર્યો હતો. પહેલા મારી પીઠ ઉપર મારીને મને પાડી દીધો અને પછી મારો હાથ તેના મોઢામાં લીધો હતો. લગભગ અડધો કલાક પકડી રાખ્યો હતો. આ પ્રકારની પહેલી જ વાર ઘટના બની છે, પશુઓ અને માણસ ઉપર પણ હુમલો કરે છે. બીજા એક માણસની ઉપર પણ હુમલો કર્યો હતો પણ તે ભાગીને નીકળી ગયો હતો.
મોતના મુખમાંથી પરત ફર્યા કાળુભાઈ
સિંહના હુમલામાં કાળુભાઈ બોઘાભાઈ પરમારને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘટનાના તરત બાદ તેમને પ્રથમ પાલીતાણા માનસિંહજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવારની જરૂરિયાત જણાતા ભાવનગરની સર ટી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, કાળુભાઈને હુમલા દરમિયાન મોતના દર્શન થયા હતા. જોકે ગામલોકોની સમયસરની મદદ અને બહાદુરીના કારણે આજે તેઓ જીવિત છે.
આ મામલે કાળુભાઈના ભાઈના સગા મુન્નાભાઈ ગમરા જણાવે છે કે, સવારે કાળુભાઈ 8 વાગે વાળામાં ગાયોને નિણ આપવા માટે ગયા હતા. ત્યારે જનાવરે આવી હુમલો કરી દીધો હતો. ફોરેસ્ટને જાણ કર્યા બાદ કાળુભાઈને પાલીતાણા હોસ્પિટલ ખસેડાયા, ફોરેસ્ટ વિભાગને અનેક વખત રજૂઆત છતાં કોઈ કામગીરી ન કરાતા પ્રાણીઓ ઘેરીને હુમલા કરે છે. દિવસે દિવસે વધતા હુમલાને કારણે 50 % બાળકો શાળાએ જઈ શકતા નથી. 1 વર્ષથી વધુ સમયથી આ સમસ્યાથી ગામના લોકો પીડાઈ રહ્યા છે.
ગામમાં ભયનો માહોલ, વન વિભાગ સામે ઉઠી માંગ
ઘટના બાદ ગરજીયા ગામમાં ભારે ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ વન વિભાગ સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી સિંહોની ગામોમાં અવરજવર વધી રહી છે અને હવે રહેણાંક વિસ્તારોમાં પણ હુમલાની ઘટનાઓ વધી રહી છે. સ્થાનિક લોકોએ વન વિભાગને વન્ય પ્રાણીઓને માનવ વસાહતોથી દૂર ખસેડવા તેમજ ગામોમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવા માંગ કરી છે.
વન વિભાગે શરૂ કરી તપાસ
સિંહના હુમલાની આ ઘટનાને લઈ વન વિભાગે તપાસ હાથ ધરી છે. અધિકારીઓ દ્વારા હુમલાના કારણો અને સિંહની હિલચાલ અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. ગરજીયા ગામની આ ઘટનાએ ફરી એકવાર ગિર અને આસપાસના વિસ્તારોમાં માનવ અને વન્યજીવો વચ્ચે વધી રહેલા સંઘર્ષને ઉજાગર કર્યો છે. કાળુભાઈ માટે આ માત્ર એક હુમલો નહોતો, પરંતુ જીવ અને મોત વચ્ચેનો એવો સંઘર્ષ હતો, જેમાં ગામના લોકો દેવદૂત બની તેમની મદદે પહોંચ્યા અને એક જીવને બચાવી લીધો.






