Home Gujarat Lion Attack Gujarat Palitana Savarkundla Two Separate Incidents

"દરેક હુમલા પછી માત્ર તપાસ નહીં, કાયમી ઉકેલ જરૂરી છે" : એક જ દિવસમાં 2 વિસ્તારમાં સિંહોના હુમલાથી પ્રાણી પ્રેમીઓ ચિંતામાં

Lion Attack Gujarat
Play Video
Published by: Nirali Gohil
Last Updated: Jul 06, 2026, 10:16 AM IST

Lion Attack Gujarat: ગુજરાતના ગિર પંથક અને આસપાસના વિસ્તારોમાં સિંહોની વધતી અવરજવર હવે ગ્રામજનો માટે ગંભીર ચિંતાનો વિષય બની રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ભાવનગર જિલ્લાના પાલીતાણા અને અમરેલી જિલ્લાના સાવરકુંડલા વિસ્તારમાં સિંહના હુમલાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવતા લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે. સતત વધી રહેલા હુમલાઓએ વન વિભાગની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે. એક તરફ પાલીતાણાના ગરજીયા ગામમાં પશુપાલક પર સિંહે જીવલેણ હુમલો કર્યો છે, તો બીજી તરફ સાવરકુંડલા વિસ્તારમાં પણ સિંહના હુમલાની ઘટના સામે આવી છે. ગ્રામજનોનું કહેવું છે કે રહેણાંક વિસ્તારો સુધી સિંહોની પહોંચ હવે સામાન્ય બની ગઈ છે, જેના કારણે રાત્રિના સમયે બહાર નીકળવું પણ જોખમી બન્યું છે.

ગરજીયા ગામે પશુપાલક પર જીવલેણ હુમલો

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગરજીયા ગામમાં વધુ એક વખત વન્ય પ્રાણીના હુમલાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, કાળુભાઈ બોઘાભાઈ પરમાર નામના પશુપાલક માલઢોર ચરાવવા ગયા હતા ત્યારે અચાનક સિંહે તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં કાળુભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિક લોકોની મદદથી તેમને તાત્કાલિક સારવાર માટે પાલીતાણા માનસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાને પગલે સમગ્ર ગામમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી ગામની આસપાસ સિંહોની અવરજવર વધી રહી છે, છતાં વન વિભાગ તરફથી પૂરતી કાર્યવાહી કરવામાં આવી રહી નથી.

આ પણ વાંચો: 30 મિનિટ સુધી માથા પર બેઠું હતું મોત! : માલધારીનો હાથ દાંતમાં દબાવી પગ પર આંટી મારીને બેઠો હતો સિંહ, જુઓ કેવી રીતે કાઢી એક-એક મિનિટ

સાવરકુંડલામાં પણ સિંહનો આતંક યથાવત

અમરેલી જિલ્લાના સાવરકુંડલા વિસ્તારમાં પણ તાજેતરમાં સિંહના હુમલાની ઘટના સામે આવી છે. સતત બનતી આવી ઘટનાઓને કારણે ગ્રામજનોમાં અસુરક્ષાની લાગણી વધી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, રહેણાંક વિસ્તારોની નજીક સિંહોનું આવાગમન વધી રહ્યું છે, જેના કારણે પશુપાલકો અને ખેડૂતો માટે જીવનું જોખમ ઊભું થયું છે. ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા લોકો રાત્રિના સમયે બહાર રહેતા હોવાથી હુમલાની સંભાવના વધી જાય છે.

વન વિભાગ સામે ઉઠ્યા સવાલ

પાલીતાણા અને સાવરકુંડલામાં બનેલી ઘટનાઓ બાદ વન વિભાગ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ગ્રામજનોની માંગ છે કે ગામોની આસપાસ ફરી રહેલા વન્ય પ્રાણીઓને તાત્કાલિક સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં ખસેડવામાં આવે અને માનવ વસાહતોની નજીક સતત પેટ્રોલિંગ કરવામાં આવે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, વારંવાર હુમલાની ઘટનાઓ સામે આવી રહી હોવા છતાં કોઈ લાંબા ગાળાની અસરકારક યોજના અમલમાં મૂકવામાં આવી નથી. જેના કારણે ગ્રામજનો સતત ભયના માહોલમાં જીવન જીવવા મજબૂર બન્યા છે.

વાઇલ્ડ લાઇફ એક્ટિવિસ્ટે વ્યક્ત કરી ચિંતા

વાઇલ્ડ લાઇફ એક્ટિવિસ્ટ મયંક ભટ્ટે જણાવ્યું હતું કે, એક જ દિવસે સિંહો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં મનુષ્યો પર હુમલા થયા. પાલિતાણા, સાવરકુંડલામાં સિંહો દ્વારા મનુષ્યો પર હુમલા કરવામાં આવ્યા હતા. જેવી રીતે સિંહોના હુમલા મનુષ્યો પર વધી રહ્યા છે. જેને લઈને આપણે સિંહોના વ્યવસ્થાપન માટે વનવિભાગ પુરવાર થયા છે. જે નવા વિસ્તાર પાલિતાણામાં સિંહો જ્યારે વિચરણ કરતા હોય તો તેના મેનેજમેન્ટ પ્લાન બનાવવાની જરૂર છે. સમગ્ર વિશ્વમાં જ્યારે માત્ર ગુજરાતની પાસે જ એશિયાઈ સિંહો છે. ત્યારે વનવિભાગ અને સરકારની ખૂબ જ મોટી જવાબદારી થઈ જાય છે.

આ પણ વાંચો: સિંહના સકંજામાંથી કઇ રીતે છૂટ્યો માલધારી? : ગ્રામજનોએ સિંહ પર પથ્થર માર્યા પછી શું થયું? જાણો મોતના મુખમાંથી છૂટ્યા પછી યુવકે શું કહ્યું

ગીર નેશનલ પાર્કની અંદર રહેતા સિંહો કરતા 2 ગણા સિંહો ભાવનગર, ગીર વિસ્તારમાં વિચરતા હોય તો, તે માટેના મેનેજમેન્ટ સરકારને કરવા જરૂરી છે. માત્ર વળતર ચૂકવી કે સિંહોને આ જીવનકેદ આપી દેવી દુખદ બાબત છે. આના કારણે વન્યજીવોની સાયકલ બગડી રહી છે. જેના પર વનવિભાગ કામ કરી પેટ્રોલિંગ વધારી કામગીરી કરે. આવી અનેક બાબતોને ધ્યાનમાં રાખી વ્યવસ્થાપનો કરવા જોઈએ. મનુષ્ય અને સિંહો વચ્ચે જે રોજેરોજ ઘર્ષણ વધી રહ્યું છે. તે પ્રમાણે વ્યવસ્થાપનો ઉભા કરવા જોઈએ. એશિયાઈ સિંહ ગુજરાતનું ગૌરવ છે. જ્યારે મનુષ્યનું સિંહ સાથે ઘર્ષણ સર્જાશે, લોકોના જીવ જશે, ત્યારે ગુજરાતના ગૌરવને કલંક લાગી જશે. જેનો બધો ક્ષેય સરકાર અને વનવિભાગને જશે. વધુમાં તેઓ કહે છે કે, માનવ અને વન્યજીવો વચ્ચેનો સંઘર્ષ છેલ્લા કેટલાક વર્ષોમાં વધી રહ્યો છે. તેમણે સૂચવ્યું હતું કે સિંહોના હિલચાલના વિસ્તારોનું વૈજ્ઞાનિક રીતે મોનીટરીંગ કરવામાં આવે અને રહેણાંક વિસ્તારોમાં તેમની અવરજવર અટકાવવા માટે અસરકારક પગલાં લેવામાં આવે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, જો સમયસર યોગ્ય આયોજન અને વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આવી ઘટનાઓમાં વધુ વધારો થઈ શકે છે. અંતમાં તેમણે વનમંત્રી અને મુખ્યમંત્રીજીને તેમના દ્વારા લાંબાગાળાના આયોજનો કરવા અપિલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: માલધારી પર સિંહના હુમલાનો અત્યાર સુધીનો સૌથી ખતરનાક Live Video : માણસના પગ પર આંટી મારીને બેઠો સિંહ, જુઓ માથે મોત બેઠું હોય ત્યારે શું હાલ થાય

શું વન વિભાગ કડક પગલાં ભરશે?

સતત વધી રહેલા હુમલાઓ વચ્ચે હવે સૌથી મોટો સવાલ એ છે કે, શું વન વિભાગ માનવ અને વન્યજીવો વચ્ચેના વધતા સંઘર્ષને અટકાવવા માટે કોઈ કડક અને અસરકારક પગલાં ભરશે? કે પછી ગ્રામજનોને હજુ પણ આવી ઘટનાઓના ભય સાથે જ જીવન પસાર કરવું પડશે? પાલીતાણા અને સાવરકુંડલાની તાજી ઘટનાઓએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે ગિર પંથક અને આસપાસના વિસ્તારોમાં વન્યજીવ વ્યવસ્થાપન હવે માત્ર પર્યાવરણનો નહીં, પરંતુ માનવ સુરક્ષાનો પણ મહત્વનો મુદ્દો બની ગયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now