Home Gujarat Mumbai Ahmedabad Bullet Train Largest Tbm Starts Tunnel Work

4 માળની ઊંચાઈ, 500 હાથી જેટલું વજન... : અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં દેશનું સૌથી મોટું TBM કામે લાગ્યું

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે કાર્યરત 3,100 ટન વજનનું દેશનું સૌથી મોટું ટનલ બોરિંગ મશીન
Published by: OBS Bureau
Last Updated: Jul 06, 2026, 11:47 AM IST

મુંબઈ: દેશના મહત્ત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટને વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ મળી છે. મુંબઈના વિક્રોલીથી ભારતના ઇતિહાસનું સૌથી મોટું રેલ ટનલ બોરિંગ મશીન (Tunnel Boring Machine-TBM) કાર્યરત કરવામાં આવ્યું છે. આ વિશાળકાય મશીન હવે બુલેટ ટ્રેન માટે અંડરગ્રાઉન્ડ ટનલનું ખોદકામ કરશે. પ્રોજેક્ટનો આ તબક્કો સમગ્ર યોજનાનો સૌથી જટિલ અને ટેક્નિકલ રીતે પડકારજનક ભાગ માનવામાં આવે છે, કારણ કે ટનલ મુંબઈના ગીચ રહેણાંક વિસ્તારો અને મીઠી નદીની નીચેથી પસાર થવાની છે.

ચાર માળની ઇમારત જેટલો વ્યાસ, 500 હાથીઓ જેટલું વજન

આ ટનલ બોરિંગ મશીનનો વ્યાસ 13.6 મીટર છે, જે લગભગ ચાર માળની ઇમારત જેટલી ઊંચાઈ ધરાવે છે. તેનું કુલ વજન આશરે 3,100 ટન છે, જે લગભગ 500 એશિયાઈ હાથીઓના વજન જેટલું ગણાય છે. મશીનની કુલ લંબાઈ 96 મીટર છે, જે ફૂટબોલના મેદાન જેટલી લાંબી છે. ભારતના રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઇતિહાસમાં આ કદનું TBM પ્રથમ વખત ઉપયોગમાં લેવાઈ રહ્યું છે.

આ મશીનના સંચાલન માટે જમીનની સપાટી પર અત્યાધુનિક કંટ્રોલ સિસ્ટમ, વીજ પુરવઠો, મટીરિયલ હેન્ડલિંગ અને મોનિટરિંગની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેથી સતત અને સુરક્ષિત રીતે ખોદકામ થઈ શકે.

21 કિલોમીટર લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ બનશે

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ કુલ 21 કિલોમીટર લાંબી ભૂગર્ભ ટનલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેમાં અંદાજે 16 કિલોમીટરનો ભાગ આ વિશાળ TBM દ્વારા ખોદવામાં આવશે, જ્યારે બાકીના લગભગ 5 કિલોમીટરનો ભાગ ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ મેથડ (NATM) દ્વારા અગાઉ પૂર્ણ કરવામાં આવ્યો છે. આ ટનલ સિંગલ-ટ્યુબ ડિઝાઇન પર આધારિત છે, જેમાં બુલેટ ટ્રેનના બંને ટ્રેક એક જ ટનલમાં રહેશે. TBM આગળ વધે તેમ ખોદકામ અને કોંક્રીટ લાઇનિંગનું કામ એકસાથે થતું હોવાથી સમયની બચત સાથે ટનલ વધુ મજબૂત અને સુરક્ષિત બને છે.

મીઠી નદી અને ગીચ વસાહતોની નીચેથી પસાર થશે ટનલ

આ ટનલ મુંબઈના સૌથી વ્યસ્ત વિસ્તારો, ઊંચી રહેણાંક ઇમારતો, મુખ્ય માર્ગો અને મીઠી નદીની નીચેથી પસાર થશે. આવી જટિલ ભૂગર્ભ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 'મિક્સશીલ્ડ ટેક્નોલોજી'નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ટેક્નોલોજી એવા વિસ્તારોમાં ખાસ અસરકારક માનવામાં આવે છે જ્યાં જમીનમાં પાણીનું પ્રમાણ વધુ હોય. તેની મદદથી જમીન ધસી પડવાની શક્યતા ઘટે છે અને ઉપરના રસ્તા, ઇમારતો તથા અન્ય માળખાઓને નુકસાન પહોંચાડ્યા વિના ટનલનું સુરક્ષિત નિર્માણ શક્ય બને છે.

20 માળની ઇમારત જેટલો ઊંડો શાફ્ટ તૈયાર

આ વિશાળ TBMને જમીનની અંદર ઉતારવા માટે વિક્રોલીમાં લગભગ 56 મીટર ઊંડો શાફ્ટ બનાવવામાં આવ્યો છે, જે લગભગ 20 માળની ઇમારત જેટલી ઊંડાઈ ધરાવે છે. અહીં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પાવર સબ-સ્ટેશન, બેકઅપ જનરેટર અને અન્ય ટેક્નિકલ સુવિધાઓ ગોઠવવામાં આવી છે.

ખોદકામ દરમિયાન જમીનની સપાટી પર કોઈ અનિચ્છનીય અસર ન થાય તે માટે અદ્યતન સેન્સર્સ, ટિલ્ટ મીટર, સીસ્મોગ્રાફ અને રિયલ-ટાઈમ મોનિટરિંગ સિસ્ટમ કાર્યરત છે. આ તમામ ઉપકરણો સતત માહિતી કંટ્રોલ રૂમ સુધી પહોંચાડે છે, જેથી કોઈપણ અસામાન્ય સ્થિતિમાં તાત્કાલિક પગલાં લઈ શકાય.

100 ટનની કોંક્રીટ રિંગથી ટનલ બનશે વધુ મજબૂત

ટનલને લાંબા ગાળે સુરક્ષિત અને વોટરપ્રૂફ બનાવવા માટે થાણેના મહાપે કાસ્ટિંગ યાર્ડમાં આશરે 7,700 કોંક્રીટ રિંગ તૈયાર કરવામાં આવી રહી છે. દરેક રિંગનું વજન લગભગ 100 ટન છે. આ રિંગ્સ TBM દ્વારા ખોદાયેલી ટનલમાં તરત જ સ્થાપિત કરવામાં આવશે. ટનલમાં પાણીનું લીકેજ અટકાવવા માટે ડબલ-લેયર રબર સીલ અને આધુનિક વોટરપ્રૂફિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ કારણે ભવિષ્યમાં ટનલની મજબૂતી અને સલામતી વધુ સુનિશ્ચિત બનશે.

આ પણ વાંચો: રામ મંદિર વિવાદ: ₹5 કરોડનું સુવર્ણમઢિત રામચરિતમાનસ સુરક્ષિત : ટ્રસ્ટે અફવાઓને ફગાવી

ભારતના હાઈ-સ્પીડ રેલ નેટવર્ક માટે ઐતિહાસિક તબક્કો

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ભારતનું પ્રથમ હાઈ-સ્પીડ રેલ કોરિડોર છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ બંને શહેરો વચ્ચેની મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે. ટનલનું નિર્માણ આ સમગ્ર યોજનાનો સૌથી મુશ્કેલ તબક્કો માનવામાં આવે છે. દેશના સૌથી મોટા TBM દ્વારા ખોદકામ શરૂ થતાં હવે પ્રોજેક્ટને નવી ગતિ મળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now