Talaja ITI: સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) વિશે ઘણીવાર એવી માન્યતા હોય છે કે અહીં માત્ર ટેકનિકલ શિક્ષણ આપવામાં આવે છે, પરંતુ ભાવનગર જિલ્લાના તળાજામાં આવેલી સરકારી ITIએ આ માન્યતા બદલી નાખી છે. ગુજરાતની શ્રેષ્ઠ ITI તરીકે ઓળખ મેળવનારી તળાજા ITI આજે ઉદ્યોગો સાથેના મજબૂત જોડાણ, આધુનિક તાલીમ અને 100 ટકા પ્લેસમેન્ટના કારણે રાજ્યના યુવાનો માટે સફળ કારકિર્દીનું વિશ્વસનીય કેન્દ્ર બની છે. વર્ષ 2008થી કાર્યરત આ સંસ્થાએ છેલ્લા કેટલાક વર્ષોમાં માત્ર રાજ્યમાં જ નહીં, પરંતુ દેશભરની અગ્રણી કંપનીઓ વચ્ચે પણ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. અહીં તાલીમ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને અભ્યાસ બાદ નોકરી માટે ભટકવું પડતું નથી. અત્યાર સુધીમાં 1,675થી વધુ યુવાનોને વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓમાં રોજગારી મળી ચૂકી છે, જે આ સંસ્થાની સૌથી મોટી સિદ્ધિ માનવામાં આવે છે.
ત્રણ વર્ષથી એક પણ બેઠક ખાલી નથી
તળાજા ITIની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે છેલ્લા સતત ત્રણ વર્ષથી અહીં એક પણ બેઠક ખાલી રહી નથી. દર વર્ષે પ્રવેશ માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અરજી કરે છે. છેલ્લા પાંચ વર્ષથી આ સંસ્થા ભાવનગર જિલ્લામાં પ્રથમ ક્રમે રહી છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ તેના પ્રત્યે વિશ્વાસ સતત વધ્યો છે. હાલમાં સંસ્થામાં છ અલગ-અલગ ટેકનિકલ ટ્રેડમાં અંદાજે 320 વિદ્યાર્થીઓ તાલીમ મેળવી રહ્યા છે. અભ્યાસક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને માત્ર ટેકનિકલ જ્ઞાન જ નહીં, પરંતુ ઉદ્યોગોમાં સફળતા માટે જરૂરી સોફ્ટ સ્કિલ્સ, ટીમ વર્ક, વ્યક્તિત્વ વિકાસ અને નિયમિત ઇન્ડસ્ટ્રિયલ વિઝિટ દ્વારા વાસ્તવિક કાર્યસ્થળનો અનુભવ પણ આપવામાં આવે છે.
સ્કિલ ઇન્ડિયામાં રાજ્યમાં પ્રથમ સ્થાન
તળાજા ITIના વિદ્યાર્થીઓ વિવિધ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં પણ પોતાની પ્રતિભા સાબિત કરી રહ્યા છે. સંસ્થાની તાલીમાર્થી પૂજા દુધરેજીયાએ 'સ્કિલ ઇન્ડિયા' સ્પર્ધાના સોફ્ટવેર ટેસ્ટિંગ વિભાગમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને ₹51 હજારનું સરકારી ઇનામ મેળવ્યું હતું. આ સિદ્ધિ સંસ્થાની ગુણવત્તાસભર તાલીમ અને માર્ગદર્શનની સાબિતી આપે છે.
ઉદ્યોગો સાથે સીધું જોડાણ, અભ્યાસ સાથે જ મળે પ્રેક્ટિકલ અનુભવ
તળાજા ITIની સૌથી મોટી વિશેષતા એ છે કે તે 'પાર ડ્રગ્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ' સાથે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ કાર્યરત છે. આ મોડલના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન જ ઉદ્યોગોમાં કામ કરવાની તક મળે છે અને તેઓ વાસ્તવિક કાર્યપ્રણાલી સાથે પરિચિત બને છે. સંસ્થાએ દેશની 74થી વધુ જાણીતી કંપનીઓ સાથે સમજૂતી કરાર (MoU) કર્યા છે. પરિણામે અભ્યાસ પૂર્ણ થતાં જ વિદ્યાર્થીઓને કેમ્પસ પ્લેસમેન્ટ દ્વારા રોજગારીની તક મળે છે. અદાણી સોલર, હોન્ડા, મારુતિ સુઝુકી સહિત અનેક પ્રતિષ્ઠિત કંપનીઓ અહીં નિયમિત કેમ્પસ ભરતી યોજીને વિદ્યાર્થીઓને સીધા ઓફર લેટર આપે છે.
શીખવાની સાથે વ્યક્તિત્વ વિકાસ પર પણ ભાર
સંસ્થા માત્ર ટેકનિકલ કુશળતા સુધી મર્યાદિત નથી. વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, શિસ્ત, સમયપાલન અને વ્યાવસાયિક વર્તન જેવા ગુણો વિકસે તે માટે વિશેષ તાલીમ આપવામાં આવે છે. શાંત, હરિયાળું અને ટોબેકો-ફ્રી કેમ્પસ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સકારાત્મક વાતાવરણ પૂરું પાડે છે.
ગુજરાતમાં પ્રથમ ક્રમે, મળ્યો 'બેસ્ટ ITI' એવોર્ડ
તળાજા ITIએ પોતાની ગુણવત્તાસભર કામગીરીના આધારે વર્ષ 2023-24માં સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સાથે સંસ્થાને 'બેસ્ટ ITI' એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી હતી. આ સિદ્ધિ માત્ર સંસ્થાના શિક્ષકો અને વિદ્યાર્થીઓની મહેનતનું પરિણામ નથી, પરંતુ ઉદ્યોગો સાથેના મજબૂત જોડાણ અને રોજગારલક્ષી શિક્ષણ મોડલની સફળતાનું પણ પ્રતિબિંબ છે.
યુવાનો માટે આત્મનિર્ભરતાનું સરનામું
આજના સમયમાં માત્ર ડિગ્રી મેળવવી પૂરતી નથી, રોજગારલક્ષી કૌશલ્ય મેળવવું પણ એટલું જ જરૂરી બની ગયું છે. તળાજા ITIએ આ દિશામાં એક સફળ મોડલ ઉભું કર્યું છે, જ્યાં તાલીમ સાથે રોજગારની તકો પણ ઉપલબ્ધ થાય છે. 100 ટકા પ્લેસમેન્ટ, ઉદ્યોગો સાથે સીધું જોડાણ અને આધુનિક તાલીમના કારણે આ સંસ્થા આજે માત્ર ભાવનગર કે ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે એક પ્રેરણાદાયી મોડલ તરીકે ઉભરી આવી છે.






