Shyama Prasad Mukherjee: પ્રખર રાષ્ટ્રવાદી વિચારક અને ભારતીય જન સંઘના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિના અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે રાખવામાં આવેલા ડૉ. મુખર્જીના તૈલચિત્ર સમક્ષ મુખ્યમંત્રીએ પુષ્પાંજલિ અર્પણ કરીને તેમની રાષ્ટ્રસેવા અને વિચારો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે સોશિયલ મીડિયા પર પણ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને યાદ કરતાં જણાવ્યું કે તેમણે કાશ્મીરના સંપૂર્ણ વિલીનીકરણ અને દેશના તમામ નાગરિકોને સમાન અધિકારો મળે તે માટે અંતિમ શ્વાસ સુધી સંઘર્ષ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે "એક દેશમાં બે વિધાન, બે પ્રધાન અને બે નિશાન" જેવી વ્યવસ્થાને દૂર કરવાનું ડૉ. મુખર્જીનું વિઝન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સાકાર થયું છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના વિચારો અને 'રાષ્ટ્ર પ્રથમ'ની ભાવના દેશના દરેક નાગરિકમાં માતૃભૂમિ પ્રત્યે સમર્પણની ભાવના સતત પ્રજ્વલિત રાખશે અને આવનારી પેઢીઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત બની રહેશે.
વિધાનસભા પોડિયમ ખાતે યોજાયો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ
ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે યોજાયેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, દંડક બાલકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય રીટાબહેન પટેલ, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ગાંધીનગરના મેયર મીરાબહેન પટેલ, શહેર ભાજપાના અધ્યક્ષ ડૉ. આશિષ દવે, ઉપમેયર તેમજ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને વિધાનસભાના સચિવ પંડ્યા સહિત અનેક આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: નવસારીના મટવાડમાં ધોળે દિવસે દીપડો દેખાતાં ફફડાટ : શાળા નજીક દેખાયો; વનવિભાગ-પોલીસે હાથ ધરી સર્ચ ઓપરેશન
ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીનું યોગદાન કેમ મહત્વનું?
ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી સ્વતંત્ર ભારતના પ્રખર રાષ્ટ્રવાદી નેતા, શિક્ષણવિદ અને ભારતીય જન સંઘના સ્થાપક હતા. દેશની એકતા અને અખંડિતતા માટે તેમના વિચારોને ભારતીય રાજકારણમાં વિશેષ સ્થાન આપવામાં આવે છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીર સંબંધિત મુદ્દાઓ પર તેમની સ્પષ્ટ વિચારધારા અને 'એક દેશ, એક બંધારણીય વ્યવસ્થા' માટેનો સંઘર્ષ આજે પણ વ્યાપક રીતે યાદ કરવામાં આવે છે.






