Navsari News: નવસારી જિલ્લાના મટવાડ ગામમાં ધોળે દિવસે દીપડો દેખાતા સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટ ફેલાયો છે. ગામની શાળા નજીક અચાનક દીપડો જોવા મળતાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને ત્યાંથી પસાર થતા વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગ્રામજનોની નજરે ચડ્યા બાદ દીપડો નજીક આવેલા એક ગરનાળામાં જઈને છુપાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનોએ વનવિભાગને જાણ કરી હતી.
વનવિભાગ અને પોલીસની સંયુક્ત કાર્યવાહી
માહિતી મળતા જ સુપા રેન્જ વનવિભાગની ટીમ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને દીપડો માનવ વસાહતમાં પ્રવેશે નહીં તે માટે સમગ્ર વિસ્તારને સુરક્ષિત બનાવવામાં આવ્યો છે.
હાલ દીપડાને પાંજરે પૂરવા માટેની કામગીરી ચાલુ છે અને વનવિભાગ તેની સતત દેખરેખ રાખી રહ્યું છે. વનવિભાગ દ્વારા ગરનાળાની આસપાસ સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને દીપડાને સુરક્ષિત રીતે પાંજરે પૂરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ પણ સ્થળ પર બંદોબસ્ત ગોઠવીને લોકોને દીપડાથી દૂર રહેવા અને ભીડ ન એકત્ર કરવાની અપીલ કરી રહી છે.






