બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રિ-મોન્સૂન કામગીરી હવે ચર્ચાના કેન્દ્રમાં આવી છે. ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોવા છતાં શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે કરવામાં આવતી કામગીરી હજુ અધૂરી હોવાનું સામે આવતા સ્થાનિકોમાં અસંતોષ ફેલાયો છે.
દર વર્ષે ચોમાસા પહેલાં નગરપાલિકા દ્વારા શહેરના નાળા, ચેમ્બર અને વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થાની સફાઈ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. છતાં વરસાદ શરૂ થતા જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતી હોવાના આક્ષેપો સતત ઉઠતા રહ્યા છે.
લાખો રૂપિયાના ખર્ચ છતાં યથાવત સમસ્યા
ચાલુ વર્ષે પણ પ્રિ-મોન્સૂન પ્લાન હેઠળ શહેરમાં વિવિધ વિસ્તારોમાં સફાઈ અને ડ્રેનેજ વ્યવસ્થા સુધારવા માટે મોટા પાયે ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ હાલની સ્થિતિ જોતા કામ હજુ અડધી રીતે પણ પૂર્ણ થયું નથી. શહેરના અનેક વિસ્તારોમાં નાળા અને મોટા ચેમ્બરોની સંપૂર્ણ સફાઈ બાકી હોવાનું લોકો કહી રહ્યા છે. જેના કારણે જો આગામી દિવસોમાં વરસાદ શરૂ થશે તો ફરી પાણી ભરાવાની જૂની સમસ્યા સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસા પહેલાં કાગળ પર મોટી કામગીરી દર્શાવવામાં આવે છે, પરંતુ મેદાન પર તેની અસર પૂરતી જોવા મળતી નથી. જેના કારણે સામાન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
શહેરીજનોએ નગરપાલિકા સામે સવાલો ઉઠાવતા માંગ કરી છે કે વરસાદ શરૂ થાય તે પહેલાં પ્રિ-મોન્સૂન કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા અટકાવવા તાત્કાલિક અસરકારક પગલાં લેવા લોકો અપીલ કરી રહ્યા છે.સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓનું કહેવું છે કે વરસાદી પાણી ભરાતા રસ્તાઓ ખરાબ થાય છે, ટ્રાફિક સમસ્યા સર્જાય છે અને વેપાર-ધંધા પર પણ સીધી અસર પડે છે. ઉપરાંત ગંદુ પાણી ભરાતા રોગચાળાનો ખતરો પણ વધી જાય છે.
આ પણ વાંચો: ગુજરાતવાસીઓને મળશે ગરમીથી રાહત : જાણો હવામાન વિભાગે આપી દીધી વરસાદના આગમનની પાક્કી તારીખ!
પાલિકાનો બચાવ
બીજી તરફ પાલનપુર નગરપાલિકાના સત્તાધીશોએ આક્ષેપો સામે બચાવ કરતા જણાવ્યું છે કે હાલમાં પ્રિ-મોન્સૂન કામગીરીનું આશરે 30થી 35 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. પાલિકા તંત્રના જણાવ્યા મુજબ, ચોમાસું શરૂ થાય તે પહેલાં બાકી રહેલી કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવશે. સાથે જ શહેરના મુખ્ય નાળા અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા વધુ સક્રિય બનાવવા કામગીરી ચાલી રહી હોવાનું કહેવામાં આવ્યું છે. તેમ છતાં સ્થાનિકોમાં પ્રશ્ન એ છે કે જ્યારે ચોમાસું નજીક આવી ગયું છે ત્યારે હજુ સુધી માત્ર ત્રીસ ટકા જેટલી કામગીરી પૂર્ણ થવી શું તંત્રની બેદરકારી નથી?
દર વર્ષે પુનરાવર્તિત થતી સમસ્યા
પાલનપુર શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા નવી નથી. દર વર્ષે ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દૃશ્યો સામે આવતા રહ્યા છે. જેના કારણે સ્થાનિકો હવે પ્રિ-મોન્સૂન કામગીરીની ગુણવત્તા અને પારદર્શિતા પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે. માત્ર સફાઈ પૂરતી નથી પરંતુ શહેરની ડ્રેનેજ વ્યવસ્થાનું લાંબા ગાળાનું આધુનિક આયોજન પણ જરૂરી છે. ઝડપી શહેરીકરણ વચ્ચે જૂની નિકાલ વ્યવસ્થા હવે પૂરતી અસરકારક સાબિત થતી નથી.
આ પણ વાંચો: ગીરના સિંહો પર રોગચાળાનું સંકટ : વનવિભાગનું હાઈએલર્ટ, 20થી વધુ સિંહ પર સતત નજર
ચોમાસા પહેલાં તંત્ર માટે અગ્નિપરીક્ષા
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી અને વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં પાલનપુર નગરપાલિકા માટે આગામી થોડા દિવસ અગ્નિપરીક્ષા સમાન બની શકે છે. જો સમયસર કામગીરી પૂર્ણ નહીં થાય તો વરસાદ શરૂ થતા જ શહેરમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. હાલ સ્થાનિકો તંત્ર પાસેથી ઝડપી અને અસરકારક કામગીરીની અપેક્ષા રાખી રહ્યા છે.






