ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા પદાધિકારીઓની વરણીનો દોર શરૂ થયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભવ્ય જીત બાદ હવે ભાજપે રાજ્યની મહાનગરપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર અને અન્ય મહત્વના હોદ્દાઓ પર પોતાના ઉમેદવારોને બેસાડ્યા છે. ભાવનગર, સુરેન્દ્રનગર અને નવી રચાયેલી આણંદ-કરમસદ મહાનગરપાલિકામાં આજે યોજાયેલી પ્રથમ સાધારણ સભાઓમાં નવા સુકાનીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
ભાવનગર મનપામાં ઉષા તલરેજા બન્યા નવા મેયર
ભાવનગર મહાનગરપાલિકાની પ્રથમ સાધારણ સભામાં નવા મેયર અને અન્ય હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી હતી. ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર ડૉ. મનીષ બંસલની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં મેયર પદ માટે ભાજપના ઉષાબેન તલરેજા અને કોંગ્રેસના જશુબેન બારૈયા વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી. મતદાન દરમિયાન ભાજપના ઉમેદવાર ઉષાબેન તલરેજાને 44 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના જશુબેન બારૈયાને માત્ર 8 મત મળ્યા હતા. બહુમતી મળતા ઉષાબેન તલરેજાની ભાવનગર મહાનગરપાલિકાના નવા મેયર તરીકે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
મેયરની જાહેરાત બાદ ઉષાબેન તલરેજાએ અધ્યક્ષ સ્થાન સંભાળ્યું હતું. ત્યારબાદ ડેપ્યુટી મેયર પદ માટે ભાજપના અશોક બારૈયા અને કોંગ્રેસના કિશન મેર વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના અશોક બારૈયાની ડેપ્યુટી મેયર તરીકે પસંદગી થઈ હતી. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કિશન મહેતા, શાસક પક્ષના નેતા તરીકે લાલભા વાળા અને દંડક તરીકે રિંકુબેન માંગુકિયાની વરણી કરવામાં આવી હતી.
દિપીકા પટેલ બન્યા આણંદ-કરમસદના મેયર
રાજ્યની નવી રચાયેલી આણંદ-કરમસદ મહાનગરપાલિકામાં પણ પ્રથમ વખત પદાધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી. મનપાના ઇતિહાસમાં પ્રથમ મેયર બનવાનું ગૌરવ દિપીકાબેન પટેલને મળ્યું છે. પ્રદેશ ભાજપ તરફથી આવેલા બંધ પરબિડીયાના મેન્ડેડ બાદ સર્વસંમતિથી તેમના નામ પર મહોર મારવામાં આવી હતી. આ સાથે જ આણંદ મહાનગરપાલિકાને પ્રથમ મહિલા મેયર પણ મળી છે. ડેપ્યુટી મેયર તરીકે કમલેશ ડાભી અને કારોબારી સમિતિના ચેરમેન તરીકે મયુર સુથારની પસંદગી કરવામાં આવી છે. નવા હોદ્દેદારોના નામ જાહેર થતાં જ ભાજપ કાર્યકર્તાઓએ ફૂલહાર અને વધામણાં સાથે ઉજવણી કરી હતી.
સુરેન્દ્રનગરનાં મેયર બન્યા રાકેશ રાઠોડ
સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં પણ ભાજપે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. રાકેશભાઈ રાઠોડને નવા મેયર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સાથે જ સ્મિતાબેન રાવલને ડેપ્યુટી મેયર અને નીખિલભાઈ ચાંપાનેરીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત સ્વાતિબેન માંડલિયાને દંડક અને પિન્ટુબેન અસાણિયાને શાસક પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરમાં નવા પદાધિકારીઓની જાહેરાત બાદ ભાજપ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાતવાસીઓને મળશે ગરમીથી રાહત : જાણો હવામાન વિભાગે આપી દીધી વરસાદના આગમનની પાક્કી તારીખ!
નવા સુકાનીઓ સામે મોટા પડકાર
નવી ટીમો સામે હવે શહેરોના વિકાસકાર્યોને વધુ વેગ આપવાનો મોટો પડકાર રહેશે. ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી, ડ્રેનેજ, ટ્રાફિક અને શહેરી સુવિધાઓને વધુ મજબૂત બનાવવાની અપેક્ષા લોકો રાખી રહ્યા છે. નવી રચાયેલી આણંદ-કરમસદ મહાનગરપાલિકા માટે તો શરૂઆતનો સમય વધુ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. કારણ કે મનપાના સ્તરે શહેરને નવી સુવિધાઓ અને આયોજનબદ્ધ વિકાસ તરફ આગળ વધારવાની જવાબદારી હવે નવા પદાધિકારીઓ પર રહેશે.





