ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ છેલ્લા લગભગ એક મહિનાથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે સુરત મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓના નામો આખરે જાહેર થઈ ગયા છે. ભાજપ દ્વારા સુરત મનપાના મેયર તરીકે માયાબેન માવાણીના નામ પર મહોર મારવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરીની પસંદગી કરવામાં આવી છે.
આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલ, શાસક પક્ષના નેતા તરીકે અલ્પાબહેન મહેતા અને દંડક તરીકે ઉર્મિલા ત્રિપાઠીના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. સુરત મનપાના આ નવા હોદ્દેદારોને લઈને છેલ્લા ઘણા દિવસોથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી હતી.
સુરતમાં નામ માટે થયો વિલંબ
ભાજપે 26 મેના રોજ અમદાવાદ, નવસારી, ગાંધીધામ, મોરબી, જામનગર, પોરબંદર, નડિયાદ અને મહેસાણા સહિત કુલ આઠ મહાનગરપાલિકાઓના પદાધિકારીઓના નામ જાહેર કરી દીધા હતા. ત્યારબાદ આજે વડોદરા, સુરેન્દ્રનગર, ભાવનગર, વાપી, આણંદ-કરમસદ અને રાજકોટ મનપાના હોદ્દેદારોના નામોની જાહેરાત પણ થઈ ગઈ હતી.
પરંતુ સુરત મનપાના પદાધિકારીઓના નામ જાહેર કરવામાં અસામાન્ય વિલંબ થતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. રાજ્યની અન્ય તમામ મનપાઓના નામ જાહેર થયા બાદ પણ સુરતના મેયર અને ડેપ્યુટી મેયરના નામો અટવાઈ જતા શહેરના રાજકીય વર્તુળોમાં અનેક અટકળો શરૂ થઈ ગઈ હતી.અહેવાલો મુજબ, ભાજપના અલગ-અલગ જૂથો વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહી હતી. નામોને લઈને અંતિમ સમીકરણ બેસાડવામાં મુશ્કેલી પડતા મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો: રાજકોટ મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓની વરણી : ડો. નેહલ શુક્લ બન્યા મેયર, પરેશ પીપળીયા સ્ટેન્ડિંગ ચેરમેન
સી.આર. પાટીલ અને હર્ષ સંઘવીની બેઠક બાદ નિર્ણય
સૂત્રો મુજબ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વચ્ચે સુરતના પદાધિકારીઓને લઈને મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. બપોરે લગભગ 1:30 વાગ્યે મેયર સહિતના હોદ્દેદારોના નામો પર અંતિમ સહમતિ બની હોવાનું માનવામાં આવે છે.
સુરત મનપામાં છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપનું મજબૂત પ્રભુત્વ રહ્યું છે. જોકે આ વખતે પદાધિકારીઓની પસંદગીમાં આંતરિક જૂથબંધી અને સ્થાનિક નેતાઓ વચ્ચેની સ્પર્ધા વધુ ખુલ્લી જોવા મળી હતી. રાજકીય વિશ્લેષકોના મત મુજબ, સુરત ભાજપમાં નવા અને જૂના નેતાઓ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ આ નિમણૂકોમાં જોવા મળે છે.
ત્રણ કલાક સુધી અટકળો
પદાધિકારીઓના નામ જાહેર થવામાં ત્રણ કલાકથી વધુનો વિલંબ થતા પાર્ટી કાર્યકર્તાઓ અને કોર્પોરેટરોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. શહેર ભાજપ કાર્યાલય બહાર સતત ચર્ચાઓ અને બેઠકઓનો દોર ચાલુ રહ્યો હતો.
ઈતિહાસમાં કદાચ પહેલીવાર એવું બન્યું હશે કે રાજ્યની લગભગ તમામ મહાનગરપાલિકાઓના હોદ્દેદારોના નામ જાહેર થઈ ગયા હોય અને સુરત માટે આટલી લાંબી રાહ જોવી પડી હોય. આ સમગ્ર પ્રક્રિયાએ સુરત ભાજપની આંતરિક રાજનીતિને ફરી ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધી છે.
સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલના નામોની જાહેરાત થઈ રહેલા વિલંબ અંગે હળવા અંદાજમાં ટિપ્પણી કરી હતી. તેમણે મજાકીય અંદાજમાં કહ્યું કે, “આ 115 જેટલા સભ્યો એટલા બધા મજબૂત છે કે તેમાંથી નામ શોધવાની જ તકલીફ પડી રહી છે. તેમની આ ટિપ્પણી બાદ હાજર કાર્યકર્તાઓમાં હાસ્યનું વાતાવરણ સર્જાયું હતું. જોકે રાજકીય રીતે જોવામાં આવે તો આ નિવેદન સુરત ભાજપની અંદરની સ્પર્ધાનું સંકેત પણ માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતના મહેસૂલ વિભાગમાં મોટો ફેરફાર : ડે.કલેક્ટર, મામલતદાર સહિત 27 અધિકારીઓની બદલી સાથે પ્રમોશન
હવે નવી ટીમ સામે કયા પડકાર?
સુરત મહાનગરપાલિકા રાજ્યની સૌથી મહત્વપૂર્ણ અને આર્થિક રીતે શક્તિશાળી મનપાઓમાંની એક ગણાય છે. શહેરમાં ઝડપી શહેરી વિકાસ, ટ્રાફિક, ડ્રેનેજ, પાણી પુરવઠો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મુદ્દાઓ આગામી સમયમાં નવી ટીમ માટે સૌથી મોટા પડકાર બની શકે છે.
ખાસ કરીને સુરત શહેર સતત વિસ્તરી રહ્યું હોવાથી શહેરી સુવિધાઓને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત વધી રહી છે. નવા મેયર અને ટીમ માટે આગામી કાર્યકાળમાં વિકાસ સાથે લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવું મહત્વપૂર્ણ રહેશે.





