રાજકોટ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ હવે રાજકોટ મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શહેરના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી અટકળો વચ્ચે ભાજપે ડો. નેહલ શુક્લના નામ પર મેયર તરીકે મહોર મારી છે. રાજકોટના નવા મેયર તરીકે બ્રાહ્મણ સમાજમાંથી આવતા ડો. નેહલ શુક્લની વરણી કરવામાં આવી છે, જે શહેરના 23મા મેયર બન્યા છે. છેલ્લી ઘડીએ પાર્ટી દ્વારા ઉમેદવારીમાં ફેરફાર કરીને ડો. નેહલ શુક્લને ટિકિટ આપવામાં આવી હતી. અગાઉ શૈલેષ જાનીનું નામ ચર્ચામાં હતું, પરંતુ તેમની ટિકિટ કાપીને નેહલ શુક્લને મેયર પદ માટે આગળ લાવવામાં આવ્યા હતા. નેહલ શુક્લ મેયર બનતા રૂપાણી પરિવાર, શુક્લ પરિવાર અને નથવાણી પરિવારમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
છેલ્લી ઘડીએ મળેલી ટિકિટથી મેયર પદ સુધીનો સફર
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન ભાજપ તરફથી ઉમેદવારીને લઈને અનેક રાજકીય અટકળો ચાલી રહી હતી. અંતિમ ક્ષણે શૈલેષ જાનીની ટિકિટ કાપીને ડો. નેહલ શુક્લને તક આપવામાં આવી હતી. હવે પાર્ટીએ તેમના પર વિશ્વાસ વ્યક્ત કરતાં શહેરના પ્રથમ નાગરિક તરીકે જવાબદારી સોંપી છે. રાજકીય વર્તુળોમાં આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, કારણ કે બ્રાહ્મણ સમાજમાંથી આવતા પ્રતિનિધિને મેયર પદ આપીને સામાજિક સમીકરણોને સંતુલિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પીપળીયાની પસંદગી
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પીપળીયાના નામની જાહેરાત કરવામાં આવી છે. પરેશ પીપળીયા લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે અને તેઓ વોર્ડ નંબર 6માંથી ચૂંટાઈને આવ્યા છે. શહેરના વિકાસકાર્યો અને નાણાકીય નિર્ણયો માટે સ્ટેન્ડિંગ કમિટીની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, ત્યારે પરેશ પીપળીયાની નિમણૂકને પણ રાજકીય રીતે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે.
દક્ષાબેન વસાણી બન્યા ડેપ્યુટી મેયર, લોહાણા સમાજને પ્રતિનિધિત્વ
રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણીના નામની જાહેરાત કરવામાં આવી છે. દક્ષાબેન લોહાણા સમાજમાંથી આવે છે. નોંધનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન લોહાણા સમાજના પુરુષ ઉમેદવારોને ટિકિટ ન મળતા વિવાદ સર્જાયો હતો. આગામી 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે લોહાણા સમાજમાંથી આવતી મહિલા નેતાને ડેપ્યુટી મેયર પદ સોંપીને સામાજિક સમીકરણોને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
OBC અને ક્ષત્રિય સમાજને પણ મહત્વની જવાબદારી
રાજકોટ મનપામાં શાસક પક્ષના નેતા તરીકે OBC સમાજમાંથી આવતા હિરેન ખીમાણીયાના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે દંડક તરીકે ક્ષત્રિય સમાજના સંજયસિંહ રાણાને જવાબદારી સોંપવામાં આવી છે.
ભાજપ દ્વારા વિવિધ સમાજોને પ્રતિનિધિત્વ આપીને સંગઠન અને રાજકીય સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.
નવી ટીમ સામે શહેર વિકાસની મોટી જવાબદારી
રાજકોટ શહેરમાં ટ્રાફિક, રસ્તા, સફાઈ, પાણી પુરવઠો અને શહેરી સુવિધાઓ જેવા અનેક મુદ્દાઓ પડકારરૂપ છે. આવી સ્થિતિમાં નવી ટીમ માટે આગામી અઢી વર્ષ વિકાસકાર્યોને ગતિ આપવાની અને નાગરિકોની અપેક્ષાઓ પૂર્ણ કરવાની મોટી જવાબદારી રહેશે.





