Home Gujarat Rajkot Rajkot Bageshwar Dham Dhirendra Shastri Program Controversy

રાજકોટમાં બાગેશ્વર ધામના કાર્યક્રમને લઈને વિવાદ તેજ : ‘અંધશ્રદ્ધાનો મહાકુંભ’ કહી એડવોકેટે ઉઠાવ્યા સવાલ

ધીરેન્દ્ર શાસ્ત્રી અને પુરષોત્તમ પીપળીયા
Published by: Chintan Chavda
Last Updated: May 27, 2026, 09:33 AM IST

રાજકોટમાં આગામી 5 થી 7 જૂન દરમિયાન યોજાનારી બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની ‘સનાતન સેતુ હનુમંત કથા’ અને દિવ્ય દરબારને લઈને હવે ખુલ્લો વૈચારિક વિવાદ શરૂ થયો છે. સામાજિક અગ્રણી અને એડવોકેટ પુરષોત્તમ પીપળીયાએ આ કાર્યક્રમને ‘અંધશ્રદ્ધાનો મહાકુંભ’ ગણાવી તેના વિરોધમાં કડક નિવેદનો આપતાં સમગ્ર મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. બીજી તરફ કાર્યક્રમના આયોજકો અને સમર્થકો આ આયોજનને સનાતન ધર્મના જાગરણ સાથે જોડીને તેનો બચાવ કરી રહ્યા છે.

રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાનારા આ કાર્યક્રમ માટે તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પરંતુ કાર્યક્રમ પહેલાં જ સમાજમાં શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની ચર્ચા ફરી એકવાર ગરમાઈ છે. પુરષોત્તમ પીપળીયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેમને ધાર્મિક કથાઓ, અનુષ્ઠાનો કે સનાતન ધર્મના પ્રચાર સામે કોઈ વાંધો નથી, પરંતુ ચમત્કારોના નામે લોકોમાં ભય અને વહેમ ફેલાવવાની પ્રવૃત્તિનો તેઓ સખત વિરોધ કરે છે.

તેમણે આક્ષેપ કર્યો હતો કે ધર્મના નામે ચમત્કારિક દાવાઓ કરીને ભોળી જનતાને ગેરમાર્ગે દોરવામાં આવે છે. લોકોની માનસિક નબળાઈ અને ભયનો લાભ લઈને તેમનું આર્થિક તેમજ ક્યારેક શારીરિક શોષણ પણ થતું હોય છે, જે કાયદાકીય રીતે પણ ગેરકાયદેસર છે. તેમના મતે, સમાજમાં વૈજ્ઞાનિક અભિગમ અને તર્કબદ્ધ વિચારસરણી મજબૂત થવી જોઈએ, જ્યારે આવા કાર્યક્રમો અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપે છે.

આ પણ વાંચો: બાજરીની ટેકાના ભાવે ખરીદી ખોરંભે : બારદાનના અભાવે ખેડૂતોની હાલત કફોડી, ભારતીય કિસાન સંઘે કૃષિ મંત્રીને કરી રજૂઆત

‘વિજ્ઞાનના યુગમાં તાંત્રિક વિદ્યા અસ્તિત્વમાં નથી’

પુરષોત્તમ પીપળીયાએ વધુમાં જણાવ્યું હતું કે આધુનિક વિજ્ઞાનના યુગમાં મેલીવિદ્યા, તાંત્રિક શક્તિ કે ચમત્કારો જેવી બાબતોનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ નથી. આવા દાવાઓ માત્ર લોકોમાં ભય ઊભો કરવા અને પોતાનો પ્રભાવ વધારવા માટે કરવામાં આવે છે. તેમણે દાવો કર્યો કે કોઈપણ વ્યક્તિ પાસે અલૌકિક શક્તિ હોવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.

આ દરમિયાન તેમણે ખુલ્લો પડકાર પણ ફેંક્યો હતો. તેમણે જણાવ્યું કે જો કોઈ પણ બાબા અથવા તાંત્રિક પોતાની પાસે ચમત્કારિક શક્તિ હોવાનો દાવો કરતા હોય, તો તેઓ તેમની સામે આવી પોતાની તમામ તાંત્રિક વિદ્યા અજમાવી શકે છે. “હું આવા કોઈપણ પડકારનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયાર છું,” એમ તેમણે કહ્યું હતું.

તેમના મતે, લોકોના મનમાં ભય પેદા કરીને તેમને આધ્યાત્મિક ઉપચાર કે ચમત્કારોના નામે પ્રભાવિત કરવામાં આવે છે. એકવાર વ્યક્તિ ભયના ચક્રમાં ફસાય પછી તે સરળતાથી આર્થિક શોષણનો ભોગ બને છે. તેમણે દાવો કર્યો કે સમાજમાં વધી રહેલી કેટલીક કૂપ્રથાઓ અને અંધવિશ્વાસ પાછળ પણ આવી માનસિકતા જવાબદાર છે.

સરકાર અને પ્રશાસન સામે પણ ઉઠાવ્યા સવાલ

પુરષોત્તમ પીપળીયાએ રાજ્ય સરકાર અને પ્રશાસનની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે ગુજરાતમાં અંધશ્રદ્ધા વિરોધી કાયદો અસ્તિત્વમાં હોવા છતાં તેની કડક અમલવારી થતી નથી. તેમના આરોપ મુજબ, રાજકીય દબાણ અને વોટબેંકની રાજનીતિના કારણે પ્રશાસન આવા કાર્યક્રમો સામે મૌન રહે છે.

તેમણે દાવો કર્યો કે જો સમયસર જાગૃતિ નહીં આવે તો સમાજમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ વધતું જશે અને સામાન્ય લોકો વધુ ગેરમાર્ગે દોરાશે. તેમણે સરકારને કાયદાની નિષ્પક્ષ અમલવારી કરવાની માંગ પણ કરી હતી.

આ પણ વાંચો: કચ્છના દરિયામાંથી ઝડપાયું અધધ...1000 કરોડનું કોકેઈન! : ATS-કોસ્ટગાર્ડના જોઇન્ટ ઓપરેશનમાં બ્રાઝિલથી ગુજરાત સુધીના ડ્રગ્સ સપ્લાયનો ભાંડો ફૂ્ટ્યો

આયોજકોનો બચાવ: ‘આ માત્ર હનુમાનજીની કથા’

આ સમગ્ર વિવાદ વચ્ચે કાર્યક્રમના આયોજકો તરફથી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર સનાતન સમિતિના આગેવાન મંગેશ દેસાઈએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર જોવા મળતો વિરોધ કોઈ વ્યાપક જનવિરોધ નથી, પરંતુ વ્યક્તિગત વિચારોનું પ્રતિબિંબ છે. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિને પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર છે.

મંગેશ દેસાઈના જણાવ્યા મુજબ, રાજકોટમાં યોજાનાર કાર્યક્રમ માત્ર હનુમાનજીની કથા અને સનાતન સંસ્કૃતિના પ્રચાર માટેનું ધાર્મિક આયોજન છે. તેમના મતે, તેને અંધશ્રદ્ધા સાથે જોડવું યોગ્ય નથી. તેમણે દાવો કર્યો કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દેશ અને દુનિયામાં સનાતન ધર્મના જાગરણનું કાર્ય કરી રહ્યા છે અને લાખો લોકો તેમને સાંભળવા માટે ઉમટી રહ્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે અંધશ્રદ્ધા તેને કહેવાય જ્યાં દોરા-ધાગા, છેતરપિંડી અથવા આર્થિક લાભ માટે ખોટા દાવાઓ કરવામાં આવે. જ્યારે આ આયોજનમાં માત્ર ધાર્મિક કથા અને આધ્યાત્મિક સંદેશો આપવામાં આવશે.

આ પણ વાંચો: અમિત શાહ 28-29 મે દરમિયાન ગુજરાત પ્રવાસે : ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં અનેક વિકાસ કાર્યોની આપશે ભેટ

રાજકોટમાં ત્રણ દિવસીય ભવ્ય આયોજન

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આગામી 5, 6 અને 7 જૂનના રોજ રાજકોટ આવી રહ્યા છે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે રોજ સાંજે 7:30 વાગ્યે ‘સનાતન સેતુ હનુમંત કથા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે દિવ્ય દરબારનું પણ આયોજન થશે.

ત્રણ વર્ષ બાદ રાજકોટમાં યોજાઈ રહેલા આ કાર્યક્રમ માટે મોટા પાયે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આયોજકોના દાવા મુજબ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેવાની શક્યતા છે. જોકે, કાર્યક્રમ પહેલાં જ ઊભા થયેલા આ વિવાદે સમગ્ર આયોજનને રાજકીય અને સામાજિક ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now