Home Gujarat Rajkot Rajkot Grandson Ki L Le D Grandfather Land Dispute Case

રાજકોટમાં દાદાની હત્યાનો ચોંકાવનારો ખુલાસો : પોતાના જ લોહીએ જીવ લીધો!

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન
Published by: Chintan Chavda
Last Updated: May 26, 2026, 01:30 PM IST

રાજકોટ શહેરમાં દાદાની હત્યાના બનાવમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વૃદ્ધ અરજણભાઈ મિયાત્રાના મોત પાછળ તેમના જ પૌત્રનો હાથ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી પૌત્ર મોહિત મિયાત્રાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ખેતીની જમીન અને તેના પર લેવામાં આવેલા ધિરાણને લઈને દાદા અને પૌત્ર વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. આ જ વિવાદ આખરે હત્યા સુધી પહોંચ્યો હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ છે.

જમીનના ધિરાણ મુદ્દે ચાલતો હતો વિવાદ

પોલીસના જણાવ્યા મુજબ આરોપી મોહિત મિયાત્રાના પિતાનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું અને તે અલગ રહેતો હતો. જ્યારે તેના દાદા અરજણભાઈ મિયાત્રા શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા હતા.

અરજણભાઈ પાસે ખેતીની જમીન હતી. આરોપી પૌત્રએ ખેતી કરવા માટે દાદા પાસે જમીન માંગતા દાદાએ તેને થોડો ભાગ વાવવા માટે આપ્યો હતો. બાદમાં રૂપિયા જરૂરી હોવાનું કહી પૌત્રએ દાદાની જમીન પર અંદાજે 2.50 લાખ રૂપિયાનું ધિરાણ લીધું હતું.

પોલીસ અનુસાર તેમાંમાંથી અંદાજે 1.54 લાખ રૂપિયાની ભરપાઈ કરવામાં આવી હતી, જ્યારે બાકીની રકમ ચૂકવવાની બાકી હતી. આ મુદ્દે દાદા અને પૌત્ર વચ્ચે વારંવાર બોલાચાલી થતી હતી.

આ પણ વાંચો: ગુજરાત ATSની મોટી કાર્યવાહી : ભંગારના ગોડાઉનની આડમાં ચાલતી ડ્રગ્સ ફેક્ટરી ઝડપાઈ, કરોડોનું મેફેડ્રોન જપ્ત

બોલાચાલી બાદ હુમલો

રાજકોટ ACP R. S. Bariaના જણાવ્યા મુજબ 25 મેની સવારે મોહિત મિયાત્રા દાદાના ઘરે ગયો હતો. ત્યાં ફરી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ પ્રથમ દાદાને ધક્કો માર્યો હતો. ત્યારબાદ તેમને ફળિયામાં રહેલી રેંકડીમાં પછાડ્યા હતા. આ પછી ઘરની ઓસરીમાં પડેલા લોખંડના ટેબલ અને પેવર બ્લોક વડે માથામાં હુમલો કરવામાં આવ્યો હતો.

ગંભીર ઈજાઓને કારણે અરજણભાઈનું મોત થયું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

હત્યા બાદ અકસ્માતનો દેખાવ કરવાનો પ્રયાસ

હત્યા કર્યા બાદ આરોપી પૌત્રએ સમગ્ર ઘટનાને અકસ્માતનો દેખાવ આપવા પ્રયાસ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે મોહિતે પોતાના ફુવાને ફોન કરીને કહ્યું હતું કે દાદા ડેલી ખોલવા આવ્યા ત્યારે અચાનક પડી જતા ઈજા પહોંચી છે.

ત્યારબાદ દાદાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જોકે, પૌત્રએ પોસ્ટમોર્ટમ કરાવવા પણ વિરોધ કર્યો હતો અને કોઈ શંકાસ્પદ પરિસ્થિતિ ન હોવાનું કહેવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: જ્યોર્જિયામાં મેડિકલનો અભ્યાસ કરતો અમદાવાદનો વિદ્યાર્થી 12 દિવસથી ગુમ : પરિવારે PM અને CM પાસે માંગી મદદ

ઇજાના નિશાનોથી ખુલ્યો ભાંડો

મૃતદેહ પર ઈજાના સ્પષ્ટ નિશાન જોવા મળતા પોલીસને શરૂઆતથી જ શંકા ગઈ હતી. જેના આધારે પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસે મોહિત મિયાત્રા સહિત પરિવારના સભ્યોની આગવી ઢબે પૂછપરછ શરૂ કરી હતી. સઘન પૂછપરછ દરમિયાન આરોપી ભાંગી પડ્યો હતો અને આખી ઘટનાની કબૂલાત આપી દીધી હતી.

આ પણ વાંચો: મળી ગયો ‘નવો હોર્મુઝ રૂટ’ : 1 જૂનથી આ ડીલ કરશે મોટો ખેલ; ખાડી દેશોથી યુરોપ સુધી ભારતની થશે સીધી એન્ટ્રી!

રિકન્સ્ટ્રક્શન અને વધુ તપાસ શરૂ

હાલ પોલીસે આરોપી પૌત્રની ધરપકડ કરીને ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન પંચનામાની કાર્યવાહી હાથ ધરી છે. હત્યામાં વપરાયેલા લોખંડના ટેબલ અને અન્ય બોથડ પદાર્થો કબ્જે કરવાની કાર્યવાહી પણ ચાલી રહી છે.

પોલીસ હવે જમીનના વિવાદ સિવાય અન્ય કોઈ કારણ હત્યા પાછળ જવાબદાર છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now