Kalol Projects: ગાંધીનગર લોકસભા ક્ષેત્રને દેશનો સૌથી વિકસિત વિસ્તાર બનાવવા માટે વિકાસ કાર્યોને વધુ વેગ આપવા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભા વિસ્તારમાં રૂ. 340 કરોડના 84 જેટલા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સોનીપુર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પહેલાં બંને મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. સરકારી વિભાગો ઉપરાંત ખાનગી કંપનીઓના CSR ફંડના સહયોગથી GUDA, પંચાયત, માર્ગ-મકાન વિભાગ તેમજ રેલવે હેઠળના વિવિધ વિકાસ કાર્યોને આ પ્રસંગે જનતાને સમર્પિત કરવામાં આવ્યા હતા. ગ્રામીણ વિસ્તારોમાં પુસ્તકાલય, તળાવોના બ્યુટિફિકેશન, અન્ડરબ્રિજ અને જાહેર સુવિધાઓ જેવા અનેક પ્રોજેક્ટોને નવી ગતિ મળી છે.
2029 સુધી દરેક ગામમાં લાઇબ્રેરી, બગીચો અને મનોરંજન સ્થળો
કાર્યક્રમને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે ગાંધીનગર સંસદીય વિસ્તારને દેશનો સૌથી વિકસિત વિસ્તાર બનાવવાના દ્રઢ સંકલ્પ સાથે વિકાસ કાર્યોની શ્રેણી શરૂ થઈ ચૂકી છે. તેમણે જણાવ્યું કે છેલ્લા માત્ર 10 દિવસમાં અંદાજે રૂ. 1200 કરોડના વિકાસ કાર્યો હાથ ધરાયા છે, જે ગ્રામ વિકાસ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમિત શાહે વધુમાં કહ્યું કે, વર્ષ 2029 સુધીમાં ગાંધીનગરના દરેક ગામમાં એક આધુનિક પુસ્તકાલય, સુંદર બગીચો અને મનોરંજન માટેના સ્થળો ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. યુવાનોમાં વાંચનની ટેવ વિકસે તે માટે ગ્રામીણ પુસ્તકાલયોને ગાંધીનગરની મુખ્ય લાઇબ્રેરી સાથે સાંકળવામાં આવશે.
‘ગુજરાત વિકાસ મોડેલ’ સમગ્ર દેશમાં સ્વીકૃત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ વિઝનનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું કે, ગુજરાતમાં અમલમાં મૂકાયેલું ‘ગુજરાત વિકાસ મોડેલ’ આજે કાશ્મીરથી કન્યાકુમારી અને સોમનાથથી ગંગાસાગર સુધી સમગ્ર દેશમાં સ્વીકાર પામ્યું છે. તેમણે ઉમેર્યું કે, સરકારનું લક્ષ્ય માત્ર માળખાકીય વિકાસ નહીં પરંતુ ગામડાઓને આત્મનિર્ભર બનાવવાનું છે, જ્યાં શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા અને શુદ્ધ પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ બને.
આ પણ વાંચો: જાણો કેમ અમિત શાહનો ગુજરાત પ્રવાસ છે ખાસ: વિકાસ પ્રોજેક્ટ્સ સાથે ઓલિમ્પિક તૈયારીની સમીક્ષા પર બાજનજર
ઘૂસણખોરી મુદ્દે સરકાર કડક, રાષ્ટ્રીય સુરક્ષા પર ભાર
તાજેતરના રાજકીય અને સુરક્ષા મુદ્દાઓ પર બોલતા અમિત શાહે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ બાંધછોડ નહીં કરવામાં આવે. તેમણે બાંગ્લાદેશ સરહદ પર ફેન્સિંગનું કામ ઝડપથી ચાલી રહ્યું હોવાનું જણાવ્યું અને ઘૂસણખોરોને દેશની બહાર કરવા સરકાર મક્કમ હોવાનું કહ્યું. તેમણે કહ્યું કે ગેરકાયદેસર ઘૂસણખોરી રોકવા માટે કડક પગલાં લેવાઈ રહ્યા છે અને ડેમોગ્રાફિક ચેન્જ કમિશન દ્વારા દેશમાં વસ્તી પરિવર્તનના મુદ્દાનો અભ્યાસ કરવામાં આવશે.
વીર સાવરકરને યાદ કરી શ્રદ્ધાંજલિ
વીર સાવરકરની જન્મજયંતિ નિમિત્તે અમિત શાહે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે કહ્યું કે 1857ના સંગ્રામને ‘સ્વતંત્ર સંગ્રામ’નું નામ આપનાર સાવરકર માત્ર સ્વાતંત્ર્ય સેનાની જ નહીં પરંતુ સામાજિક સુધારક પણ હતા. સામાજિક ક્ષેત્રે અસ્પૃશ્યતા નિવારણ અને દલિતો માટે પતિત પાવન મંદિરના નિર્માણ જેવા કાર્યોનો ઉલ્લેખ કરતાં તેમણે સાવરકરના યોગદાનને યાદ કર્યું હતું.
ગાંધીનગરમાં બનશે દેશની સૌથી મોટી ‘નમો સેન્ટ્રલ લાઇબ્રેરી’
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગાંધીનગરને ‘હરિયાળી લોકસભા’ બનાવવા માટે 1 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. સાથે જ ગાંધીનગરમાં દેશની સૌથી મોટી અને આધુનિક ‘નમો સેન્ટ્રલ લાઇબ્રેરી’ માટે બજેટમાં રૂ. 100 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં 135 નવી તાલુકા લાઇબ્રેરીઓને મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત, CSR ફંડ અને દાતાશ્રીઓના સહયોગથી 20 ગામોમાં લાઇબ્રેરી સ્થાપવાનું આયોજન પણ હાથ ધરાયું છે.
ડબલ એન્જિન સરકારનું લક્ષ્ય ‘ઇઝ ઓફ લિવિંગ’ વધારવાનું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ડબલ એન્જિન સરકારનું લક્ષ્ય માત્ર રસ્તા અને ઇમારતો ઊભી કરવાનું નથી, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં જીવનની ગુણવત્તા સુધારવાની સાથે વર્ષ 2047 સુધી ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવાનો છે.આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓ, વહીવટી અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.





