Jafarabad News: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો થમવાનું નામ નથી લઈ રહ્યો. આજે જાફરાબાદ તાલુકાના હેમાળ ગામ નજીક એક હૃદયદ્રાવક અને ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક અકસ્માતમાં બે ફોર વ્હીલર અને એક ટૂ-વ્હીલર (મોટરસાયકલ) વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ટૂ-વ્હીલર ચાલક વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
અકસ્માતની વિગત
મળતી માહિતી અનુસાર, ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર હેમાળ ગામના પાટિયા પાસે પુરપાટ ઝડપે આવી રહેલી બે ફોર વ્હીલર ગાડીઓ અને એક ટૂ-વ્હીલર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. વાહનો વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે ટૂ-વ્હીલરના કુચ્ચેકુચ્ચા ઊડી ગયા હતા. આ અકસ્માતમાં બાઈક સવાર વૃદ્ધ ગંભીર રીતે ઘવાયા હતા અને તેમણે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.
મૃતકની ઓળખ
અકસ્માતનો ભોગ બનનાર મૃતકની ઓળખ થઈ ચૂકી છે. જેનું નામ નાગજીભાઈ વલ્લભભાઈ સાવલિયા છે, જેમની ઉંમર 77 વર્ષ અને ગામ ચોત્રાના રહેવાસી છે. અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ 77 વર્ષીય મૃતક નાગજીભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) ની વિધિ માટે તાત્કાલિક જાફરાબાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. વૃદ્ધના અવસાનના સમાચાર મળતા જ ચોત્રા ગામમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
પોલીસની ત્વરિત કાર્યવાહી
આ ઘટનાની જાણ થતાં જ નાગેશ્રી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે હાઈવે પરથી અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. નાગેશ્રી પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માત કેવી રીતે સર્જાયો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.





