Home Gujarat Vadodara Karjan Mla Son Rishi Patel Five Accused Surrender Police Bail Controversy Gujarat News

ડ્રાઈવરો પર હુમલાના કેસમાં સપડાયા MLAના પુત્ર : ધારાસભ્યના પુત્ર સહિત 5 આરોપીઓ પોલીસ સમક્ષ હાજર, તરત જામીન મળતાં ભારે વિવાદ

Karjan MLA Son Attack Case
Published by: Nirali Gohil
Last Updated: May 28, 2026, 11:08 AM IST

bail controversy: કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષી પટેલ સહિત પાંચ આરોપીઓ આખરે પોલીસ સમક્ષ નાટકીય રીતે હાજર થયા છે. બે આદિવાસી ડ્રાઈવરો પર જીવલેણ હુમલો કરવાના ગંભીર કેસમાં લાંબા સમયથી ફરાર રહેલા આ આરોપીઓ પોલીસ પકડથી દૂર હતા. જોકે, પોલીસ મથકે હાજર થયાના ગણતરીના કલાકોમાં જ તેમને જામીન પર મુક્ત કરી દેવામાં આવતા સ્થાનિક સ્તરે અને આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસની આ ઉતાવળી કાર્યવાહી અને તટસ્થતા સામે હવે અનેક ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આ ઘટનાક્રમ બાદ સમગ્ર પંથકમાં એવી ચર્ચા છે કે, આરોપી ધારાસભ્યના પુત્ર હોવાને કારણે પોલીસ તંત્ર રાજકીય દબાણ હેઠળ કામ કરી રહ્યું છે. પીડિતોને ન્યાય અપાવવાને બદલે સત્તાધારી પક્ષના નેતાના પુત્રને બચાવવા માટે પોલીસ દ્વારા 'વીઆઈપી ટ્રીટમેન્ટ' આપવામાં આવી હોવાના આક્ષેપો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે.

પોલીસ સમક્ષ હાજરી બાદ ઝડપથી જામીન મળતા પ્રશ્નો ઊભા

આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થતા કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, ચોંકાવનારી બાબત એ છે કે ગણતરીના કલાકોમાં જ તમામ આરોપીઓને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા.ગંભીર પ્રકારના હુમલાના કેસમાં આટલી ઝડપથી જામીન મળવા અંગે કાયદો-વ્યવસ્થાની કામગીરી પર અનેક પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક સ્તરે પણ આ નિર્ણયને લઈને ચર્ચા અને અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

આદિવાસી ડ્રાઈવરો પર હુમલાનો ગંભીર મામલો

થોડા દિવસો પૂર્વે બે આદિવાસી ડ્રાઈવરો પર ક્રૂરતાપૂર્વક કરવામાં આવેલા જીવલેણ હુમલાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી હતી. આ બનાવ અંગે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષી અક્ષય પટેલ, જયદ્રથસિંહ રાજ, જાવિદખાન પઠાણ, સાહિલ પટેલ અને વિજયસિંહ રાજપુત વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. ગુનો દાખલ થયા બાદ ધરપકડની બીકે આ તમામ આરોપીઓ લાંબા સમય સુધી પોલીસની નજરથી દૂર ભૂગર્ભમાં ઉતરી ગયા હતા, જેને પગલે પોલીસની કાર્યક્ષમતા પર પણ સવાલો ઊભા થયા હતા.

આ પણ વાંચો: ડભોઈમાં કાળઝાળ ગરમી વચ્ચે ઝાડા-ઊલટીનો પ્રકોપ: આરોગ્ય વિભાગની 30 ટીમો મેદાને

નાટકીય સરેન્ડર અને ત્વરિત જામીન

લાંબી સંતાકૂકડી બાદ, ગઈકાલે આ તમામ પાંચેય આરોપીઓએ અત્યંત નાટકીય ઢબે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. કાયદાકીય પ્રક્રિયા મુજબ ગંભીર ગુનામાં આરોપીઓને કસ્ટડીમાં રાખી તપાસની અપેક્ષા રાખવામાં આવતી હોય છે, પરંતુ આ કેસમાં પોલીસે ધરપકડ કર્યાના ગણતરીના કલાકોમાં જ તેમને જામીન પર મુક્ત કરી દીધા હતા. આ પ્રકારની ત્વરિત જામીન પ્રક્રિયાએ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે પ્રશ્નાર્થ ચિહ્નો લગાવી દીધા છે.

પોલીસની પારદર્શિતા સામે આક્ષેપો

સામાન્ય રીતે ગંભીર ગુનાઓમાં ધરપકડ બાદ પોલીસ દ્વારા આરોપીઓના ફોટા અથવા વીડિયો મીડિયા સમક્ષ જાહેર કરવામાં આવતા હોય છે, પરંતુ આ કેસમાં પોલીસે આરોપીઓને વીઆઈપી ટ્રીટમેન્ટ આપી હોય તેમ કંઈ પણ જાહેર કર્યું ન હતું. આદિવાસી સમાજમાં આ બાબતને લઈને ભારે આક્રોશ છે. સ્થાનિક લોકોનો સીધો આક્ષેપ છે કે રાજકીય દબાણને વશ થઈને પોલીસ તંત્ર પીડિતોને ન્યાય અપાવવાને બદલે આરોપીઓને બચાવવાની કામગીરી કરી રહ્યું છે. હાલ આ સમગ્ર મામલો રાજકીય ગરમાવો પકડી રહ્યો છે અને પીડિતોને ન્યાય મળે તેવી માંગ ઉગ્ર બની રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now